તળાવમાં ન્હાવા પડેલો બાળક ડૂબી ગયો:સચીન GIDCમાં થર્મોકોલનો ટુકડો લઈ પાણીમાં ઉતર્યો હતો, અધવચ્ચે જ તૂટી ગયો

Gujarat5/19/2026, 6:06:43 AM
તળાવમાં ન્હાવા પડેલો બાળક ડૂબી ગયો:સચીન GIDCમાં થર્મોકોલનો ટુકડો લઈ પાણીમાં ઉતર્યો હતો, અધવચ્ચે જ તૂટી ગયો
ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાતા સુરત શહેરના સચીન GIDC વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. મે મહિનાની આકરી અને કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે બપોરના સમયે મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયેલા એક 12 વર્ષના માસૂમ બાળકનું અંદાજે 20 ફૂટ ઊંડા તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ન્હાવા માટે પાણીમાં ઉતરતી વખતે બાળકે લીધેલો થર્મોકોલનો સહારો અધવચ્ચે જ તૂટી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. બાળક મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયો હતો મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના વતની અને રોજગારી અર્થે સુરત આવીને સચીન GIDC વિસ્તારમાં સ્થાયી થયેલા એક શ્રમિક પરિવારનો 12 વર્ષીય પુત્ર ચંદુ પ્રસાદ અન્ય બાળકોની જેમ ગરમીથી પરેશાન હતો. સોમવારે(18 મે) બપોરે આશરે 2 વાગ્યાની આસપાસ, જ્યારે સૂર્ય નારાયણ બરાબરના તપી રહ્યા હતા અને લોકો ઘરોમાં કે છાંયડામાં આશરો લઈ રહ્યા હતા, ત્યારે ચંદુ તેના અન્ય ચાર મિત્રો સાથે નજીકમાં જ આવેલા એક મોટા તળાવ પર ન્હાવા માટે ગયો હતો. પાણીમાં તરવા થર્મોકોલના મોટા ટુકડાનો સહારો લીધો બાળકો રમત-રમતમાં અને ગરમીથી બચવાના આશયથી તળાવના કિનારે પહોંચ્યા હતા. કિનારા પર રમતા રમતા ચંદુએ પાણીમાં ઉતરવાનું નક્કી કર્યું. જો કે, તેને તરતા આવડતું ન હોવા છતાં, અથવા તો ઊંડા પાણીનો અંદાજ ન હોવાને કારણે તેણે પાણીમાં તરવા માટે ત્યાં પડેલા એક થર્મોકોલના મોટા ટુકડાનો સહારો લીધો હતો. થર્મોકોલનો ટુકડો અધવચ્ચે જ તૂટી ગયો 12 વર્ષનો ચંદુ પ્રસાદ થર્મોકોલ પકડીને તળાવના પાણીમાં અંદર ઉતર્યો હતો. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ જેમ જેમ તે કિનારાથી થોડો દૂર અને ઊંડા પાણી તરફ ગયો અને બાળકના વજનને કારણે તે થર્મોકોલનો ટુકડો અધવચ્ચે જ તૂટી ગયો હતો. થર્મોકોલ તૂટતાંની સાથે જ ચંદુએ પાણી પરનું પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું. બચવા માટે હાથ-પગ હલાવવા લાગ્યો આ તળાવ અંદાજે 20 ફૂટ ઊંડું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સંતુલન ગુમાવ્યા બાદ ચંદુ પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો અને બચવા માટે હાથ-પગ હલાવવા લાગ્યો હતો. પરંતુ 20 ફૂટ ઊંડા પાણીના પ્રવાહ સામે 12 વર્ષના માસૂમનું કંઈ ચાલ્યું નહીં અને જોતજોતામાં તે ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. બાળકના મિત્રો ઘટના જોઈ ગભરાઈ ગયા જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તળાવના કિનારે હાજર ચંદુના અન્ય ચાર મિત્રો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાની આંખોની સામે જ પોતાના દોસ્તને પાણીમાં ડૂબતો અને જીવ બચાવવા તરફડિયાં મારતો જોઈને આ નાના બાળકો ભારે ગભરાઈ ગયા હતા અને ડરના માર્યા બૂમાબૂમ કરવા લાગ્યા હતા. તળાવની આસપાસ તે સમયે કોઈ મોટું વ્યક્તિ હાજર ન હોવાથી બાળકો દોડતા દોડતા પોતાના ઘરે પહોંચ્યા હતા. ‘ચંદુ તળાવના પાણીમાં ડૂબી ગયો, બહાર નીકળતો નથી’ બાળકોએ હાંફતા હાંફતા પરિવારજનો અને આસપાસના લોકોને જણાવ્યું કે, ચંદુ તળાવના પાણીમાં ડૂબી ગયો છે અને બહાર નીકળતો નથી. બાળકોના મોઢે આ વાત સાંભળતા જ ચંદુના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આસપાસના લોકો અને પરિવારના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળ એટલે કે તળાવ તરફ દોડ્યા હતા. સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી ઘટનાની ગંભીરતાને સમજીને સ્થાનિક નાગરિકો અને પરિવારજનો દ્વારા તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ સર્વિસને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ સચીન ફાયર સ્ટેશનની ટીમ રેસ્ક્યુ સાધનો અને તરવૈયાઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શ્વાસ રુંધાઈ જવાથી મોત ફાયરના જવાનોએ તાત્કાલિક તળાવના 20 ફૂટ ઊંડા પાણીમાં ઉતરીને ચંદુની શોધખોળ આદરી હતી. ભારે જહેમત અને મથામણ બાદ ફાયરની ટીમે ચંદુને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને કિનારે હાજર એમ્બ્યુલન્સના પેરામેડિકલ સ્ટાફને સોંપ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં ઘણો મોડું થઈ ચૂક્યું હતું. તબીબોએ તપાસ કરી ચંદુને મૃત જાહેર કર્યો હતો. પાણીમાં લાંબો સમય રહેવાને કારણે શ્વાસ રુંધાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું. માસૂમનો મૃતદેહ જોઈને કિનારે હાજર પરિવારજનોએ કાળજું કંપાવી દે તેવો આક્રંદ શરૂ કર્યો હતો. પરિવારનો આક્રંદ આ પરિવારમાં કુલ પાંચ સંતાનો છે, જેમાં ત્રણ બહેનો અને બે ભાઈઓનો સમાવેશ થાય છે. આ પાંચ ભાઈ-બહેનોમાં ચંદુ પરિવારનો લાડકવાયો હતો. શ્રમિક માતા-પિતા પોતાના બાળકોને સારો ઉછેર આપવા માટે દિવસ-રાત મજૂરી કરતા હતા, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. ઉનાળાના વેકેશનના દિવસોમાં બપોરે બનેલી આ એક નાનકડી ભૂલે પરિવારનો ચિરાગ હંમેશા માટે બુઝાવી દીધો છે. સાથે ન્હાવા ગયેલા છોકરાઓએ આવીને અમને જણાવ્યું: પિતા બાળકના પિતા શ્રીનિવાસ પાસવાને જણાવ્યું કે બપોરના સમયે મારો દીકરો તળાવમાં ન્હાવા માટે ગયો હતો અને પછી તેની સાથે ન્હાવા ગયેલા છોકરાઓએ આવીને અમને જણાવ્યું કે અમારો દીકરો ડૂબી ગયો છે તેથી અમે દોડતા દોડતા તળાવ પાસે પહોંચ્યા અને તાત્કાલિક ફાયર અને 108ને જાણ કરી જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેનુ પ્રાણ પંખેરુ ઉડી ગયેલું હતું.
Read Original Article →