1200 કરોડનું બોગસ બિલિંગ કાંડ:રાજકોટની પ્રિયંકા સાડરિયાની ધરપકડ, 126 કરોડના ITC કૌભાંડમાં જેલ હવાલે
સુરતમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ દ્વારા આચરવામાં આવેલા રૂપિયા 1200 કરોડના મહાકૌભાંડમાં વધુ એક મોટી સફળતા મળી છે. અગાઉ સી.એ. બિપિન ભંડેરીની ધરપકડ બાદ હવે તપાસનો દૌર રાજકોટ સુધી પહોંચ્યો છે. DGGIએ રાજકોટમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલી પ્રિયંકા સાડરિયા નામની મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાને સુરત કોર્ટમાં રજૂ કરી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ ભેગી કરવામાં આવી છે. આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી છે. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રિયંકા સાડરિયા કુલ 23 પેઢીઓ સાથે સીધી રીતે સંકળાયેલી હતી. આ પેઢીઓના નામે મોટા પાયે ઈ-વે બિલ તો જનરેટ કરવામાં આવતા હતા, પરંતુ વાસ્તવિકતામાં માલની કોઈ જ હેરફેર કે ડિલિવરી થતી નહોતી. આ રીતે માત્ર કાગળ પર વ્યવહારો બતાવીને સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવવામાં આવતું હતું. 126 કરોડની બોગસ ITC પાસઓન કરી
સમગ્ર કાંડમાં મુખ્યત્વે ત્રણ પેઢીઓ પાઠક એન્ટરપ્રાઇઝ, અબ્દુલ ટ્રેડર્સ અને રાધે એન્ટરપ્રાઇઝના નામે આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું. આ પેઢીઓ દ્વારા કુલ 126 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગેરકાયદેસર રીતે પાસઓન કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પ્રાથમિક તબક્કે માત્ર 30 કરોડની ગેરરીતિ દેખાતી હતી, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં આ આંકડો સો કરોડને પાર કરી ગયો છે. ડેટા એનાલિસિસથી ઝડપાયું નેટવર્ક
DGGI દ્વારા કરવામાં આવેલા અત્યાધુનિક ડેટા એનાલિસિસમાં જાણવા મળ્યું હતું કે અનેક બોગસ પેઢીઓના જીએસટી રિટર્ન એક જ આઈપી એડ્રેસ અથવા એક જ સ્થળ પરથી ફાઇલ થઈ રહ્યા છે. રિટર્ન ચેક કરતા માલુમ પડ્યું કે, આરોપી મહિલા જ આ તમામ પેઢીઓની મહત્વની કડી હતી. તે રિટર્ન ભરવા માટેની તમામ વિગતો સી.એ. બિપિન ભંડેરી સુધી પહોંચાડતી હતી અને વ્યવહારો માટે જરૂરી તમામ ઓટીપી (OTP) પણ તેના જ મોબાઈલ પર આવતા હતા. કમિશનની લાલચમાં આચર્યું કૌભાંડ
ધરપકડ બાદ પ્રિયંકા સાડરિયાએ અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી હતી કે,તે કમિશન માટે આ કામ કરતી હતી. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે 'હાર્દિક' નામનો વ્યક્તિ તેને તમામ ડેટા પૂરો પાડતો હતો અને બદલામાં તેને મોટી રકમ કમિશન તરીકે મળતી હતી. જ્યારે તપાસ અધિકારીઓએ તેના ડિજિટલ પુરાવાઓ એટલે કે લેપટોપ અને મોબાઈલ ફોન વિશે પૂછ્યું, ત્યારે તેણે જણાવ્યું હતું કે તે સાહિત્ય હાલ અમદાવાદ DGGIની કસ્ટડીમાં છે. તપાસનો છેડો હવે 'પચ્ચીગર' સુધી પહોંચશે
હાલમાં DGGI આ કેસમાં વધુ ઊંડા ઉતરી રહી છે અને મોટા માથાઓ સુધી પહોંચવાની તૈયારીમાં છે. પ્રિયંકાની પૂછપરછમાં 'પચ્ચીગર' નામની એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જેની ભૂમિકા અત્યંત શંકાસ્પદ જણાઈ રહી છે. આ કૌભાંડમાં હજુ પણ અનેક લોકોની ધરપકડ થવાની શક્યતા છે. વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યો છે કે આ બોગસ આઈટીસીનો લાભ મેળવનાર અન્ય વેપારીઓ કોણ કોણ છે.
Read Original Article →