છેતરપીંડી:રૂ.5.68 કરોડનું એલ્યુમિનિયમ ખરીદી રૂ.1.77 કરોડની ઠગાઇ

Gujarat5/13/2026, 12:00:00 AM
ઈગલ એક્સટ્રુઝન પ્રાઈવેટ લિમિટેડ કંપની પાસેથી કરોડો રૂપિયાનો એલ્યુમિનિયમનો માલ ખરીદી નાણાં નહીં ચૂકવતાં મહિધરપુરા પોલીસમાં મુંબઈ અને પાલઘર સ્થિત SCHACH Engineers પ્રા.લિ. કંપનીના સંચાલકો પર 1.77 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ છે. ફરિયાદી જયેશ ધરમશી સોજિત્રાએ જણાવ્યું હતું કે, તેમની કંપની કરંજ ગામે એલ્યુમિનિયમ પ્રોફાઈલનું ઉત્પાદન કરે છે. કંપનીનું માર્કેટિંગ અને વેચાણનું કામ ચિંતન મેરુલિયા સંભાળે છે. નવેમ્બર-2024માં SCHACH Engineers Private Limitedનો સેપર્ક થતાં કંપનીના પરચેઝ હેડ કુણાલ પાટીલ સાથે વ્યાપારિક વાતચીત શરૂ થઈ હતી. 3-12-24ના રોજ ઈગલ એક્સટ્રુઝનના પ્રતિનિધિ ચિંતન મેરુલિયા અને પ્લાન્ટ મેનેજર દુર્ગાપ્રસાદ પાંડે મુંબઈ-પાલઘર સ્થિત કંપનીની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં કુણાલ પાટીલે જે પણ માલ ખરીદવામાં આવશે તેનું ચુકવણું 7 દિવસની અંદર કરી દેવા ભરોસો આપ્યો હતો. ત્યારબાદ આરોપી કંપની દ્વારા વોટ્સએપ અને ઈમેલથી ઓર્ડર આપ્યા હતા. 23-12-24થી 17-3-25 વચ્ચે ઈગલ એક્સટ્રુઝન કંપનીએ અલગ-અલગ ટ્રાન્સપોર્ટના માધ્યમથી કુલ રૂ. 1,69,638.440 કિલોગ્રામ એલ્યુમિનિયમ પ્રોફાઈલ સપ્લાય કરી હતી, જેની કુલ કિંમત રૂ.5.68 કરોડ હતી. આરોપીઓએ આમાંથી રૂ.4.19 કરોડનું ચુકવણું કરી રૂ.1.48 કરોડ બાકી રાખ્યા હતા. મહિધરપુરા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. ઉઘરાણી નિષ્ફળ રહેતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ ફરિયાદીનો આરોપ છે કે વ્યાપારિક નિયમો મુજબ 7થી 10 દિવસમાં નાણાં ચૂકવવાના હતા, પરંતુ વારંવાર માંગણી કરવા છતાં રકમ ચૂકવવામાં આવી ન હતી. કંપનીએ ઈમેલ, ફોન કોલ અને લીગલ નોટિસ દ્વારા નાણાંની માંગ કરી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. એટલું જ નહીં, આરોપીઓએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. બાકી રકમ અને 18 ટકા વાર્ષિક વ્યાજ મળીને કુલ 1.77 કરોડ રૂપિયાની રકમ નહીં ચુકવી છેતરપિંડી કરવામાં આવી છે.
Read Original Article →