NR સ્પાની આડમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ:પુણા વિસ્તારમાં AHTUની ટીમે 6 મહિલાઓને નરકમાંથી મુક્ત કરાવી, લાખોના મુદ્દામાલ સાથે સંચાલકો-ગ્રાહકો દબોચાયા
સુરત શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના કાળા કારોબાર પર સુરત પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે (AHTU) લાલ આંખ કરી છે. પુણા વિસ્તારના એક કોમર્શિયલ બિલ્ડીંગમાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર દરોડા પાડી પોલીસે 6 મહિલાઓને મુક્ત કરાવી છે, જ્યારે સંચાલકો અને ગ્રાહકો સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. બાતમીના આધારે ‘NR સ્પા’ પર દરોડો
AHTUના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. શેરગીલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પુણા-કડોદરા રોડ પર ‘ટાઈમ સ્ક્વેર’ બિલ્ડીંગના પહેલા માળે આવેલા ‘NR સ્પા’માં બહારથી યુવતીઓ લાવી દેહવ્યાપાર કરાવવામાં આવે છે. પોલીસે છટકું ગોઠવીને રેઇડ પાડતા સંચાલકોના આર્થિક ફાયદા માટે ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો. સ્થળ પરથી પોલીસે 6 ભારતીય મહિલાઓને આ નરક જેવી જિંદગીમાંથી મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડી હતી. મુદ્દામાલ અને ધરપકડની વિગતો
પુણા વિસ્તારમાં પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ. 2,33,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જપ્તીમાં રૂ. 2,100ની રોકડ રકમ, રૂ. 36,500ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન અને રૂ. 1,95,000ની કિંમતની 3 મોટરસાયકલનો સમાવેશ થાય છે. આ અનૈતિક વ્યવસાય ચલાવવા બદલ પોલીસે બે સંચાલકો, ગણેશભાઇ મુકેશભાઇ સોનાર (રહે. લીંબાયત) અને કોમલ નરેન્દ્ર સોનાર (રહે. ડિંડોલી)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, સ્થળ પરથી ત્રણ ગ્રાહકોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભાવનગરના વતની અને હાલ વરાછામાં રહેતા રત્નકલાકાર રાકેશ જીવરાજભાઇ ગોધાણી, ડ્રાઈવર દેવાંગભાઇ ભીખાભાઇ ત્રિવેદી (રહે. ગારીયાધર) અને વેલન્જામાં રહેતા રત્નકલાકાર બ્રિજેશકુમાર કાંતિભાઇ કાછડીયાનો સમાવેશ થાય છે. વોન્ટેડ આરોપીઓ અને પોલીસ તપાસ
આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ જેમને શોધી રહી છે તેમાં સ્પાના માલિક કલ્પેશભાઇ દવે, નરેન્દ્ર સોનાર, મહિલાઓ સપ્લાય કરનાર રાજુ પંડિત અને ગ્રાહકોને લાવવાની જવાબદારી સંભાળનાર પ્રવિણ ઉર્ફે મેક્ષનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ‘ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ’ અને ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પુણા પોલીસ સ્ટેશનને સોંપી છે.
Read Original Article →