PM મોદીના સ્વાગતમાં સુરત ભાજપ રચશે ઇતિહાસ:‘વિશ્વ પર્યાવરણ દિને’ માત્ર 1 કલાકમાં વવાશે 40,000 વૃક્ષો; EV અને સાયકલ રેલી સાથે ગ્રીન વેલકમની તડામાર તૈયારી
આગામી 5 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત મહાનગરની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે સમગ્ર ભાજપમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર સંગઠન દ્વારા વડાપ્રધાનને આવકારવા માટે અત્યારથી જ વિશેષ અને ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મુલાકાતને યાદગાર બનાવવા માટે ભાજપ દ્વારા શહેરમાં એક તરફ અભૂપૂર્વ સફાઈ અભિયાન અને બીજી તરફ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણના નવા રેકોર્ડ સ્થાપવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 820 શક્તિ કેન્દ્રો પર સામૂહિક સફાઈ અભિયાન
મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સપનાને સાર્થક કરવાના ઉદ્દેશ્ય સાથે, વડાપ્રધાને વર્ષ 2014માં દેશવાસીઓને કરેલા આહવાનને ફરી એકવાર સુરતમાં જીવંત કરવામાં આવશે. આ અંતર્ગત સુરત મહાનગરના તમામ 820 જેટલા શક્તિ કેન્દ્રો પર ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને સ્થાનિક શુભેચ્છકો દ્વારા આગામી 4 જૂન, ગુરુવારના રોજ સવારે 7થી 8 વાગ્યા દરમિયાન એક કલાકનું સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. આ મહાઅભિયાન અંતર્ગત સમગ્ર શહેરને એકસાથે સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. મહિલા મોરચા દ્વારા ધાર્મિક અને દેશભક્તિની પ્રભાત ફેરી
વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરમાં સકારાત્મક અને રાષ્ટ્રભક્તિનો માહોલ ઉભો કરવા માટે ભાજપ મહિલા મોરચા દ્વારા પણ અનોખું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરના તમામ 30 વોર્ડમાં મહિલા મોરચાની બહેનો, સ્થાનિક ભજન મંડળીઓ અને મહિલા કાર્યકરો સાથે મળીને વહેલી સવારે પ્રભાત ફેરી યોજશે. આ પ્રભાત ફેરી દરમિયાન દેશભક્તિ તેમજ ધાર્મિક ગીતોની ધૂન વગાડીને વાતાવરણને ભક્તિમય અને રાષ્ટ્રપ્રેમથી તરબોળ કરવામાં આવશે, જે પીએમ મોદીના સ્વાગતમાં એક વિશેષ આકર્ષણ બનશે. યુવા મોરચાની ભવ્ય સાયકલ યાત્રાનું આયોજન
શહેરના યુવાનોમાં પર્યાવરણ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ભાજપ યુવા મોરચા દ્વારા એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના દરેક વોર્ડ દીઠ 100 સાયકલ સવારો આ રેલીમાં જોડાશે, જેનાથી આખા શહેરમાં કુલ 3,000 સાયકલ સવારોની એક ભવ્ય અને શિસ્તબદ્ધ રેલી જોવા મળશે. આ સાયકલ યાત્રા દ્વારા યુવા મોરચો વડાપ્રધાનના 'ફિટ ઈન્ડિયા' અને ગ્રીન એનર્જીના વિઝનને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. વિશ્વ પર્યાવરણ દિને 40,000 વૃક્ષો વાવવાનો નવો રેકોર્ડ
ખાસ વાત એ છે કે 5 જૂનના રોજ વડાપ્રધાનની મુલાકાતની સાથે જ 'વિશ્વ પર્યાવરણ દિવસ' પણ છે. આ નિમિત્તે પીએમ મોદીના સ્વાગતમાં પર્યાવરણલક્ષી ‘‘એક પેડ માં કે નામ’’ અભિયાનની ભવ્ય શરૂઆત કરવામાં આવશે. આ અંતર્ગત 5 જૂન, શુક્રવારના રોજ સવારે 7થી 8 વાગ્યાના માત્ર એક જ કલાકના સમયગાળામાં સુરતના 820 શક્તિ કેન્દ્રો પર એક સાથે 40,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ અભૂતપૂર્વ ઝડપી અને વ્યાપક વૃક્ષારોપણ દ્વારા સુરત ભાજપ એક નવો જ કિર્તીમાન સ્થાપવા જઈ રહ્યું છે. પ્લે કાર્ડ્સ દ્વારા સ્વાગત અને ઇકો-ફ્રેન્ડલી સભાનો સંકલ્પ
વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અલગ-અલગ પ્રેરણાદાયી અને સામાજિક વિષયો પર આધારિત આશરે 230 જેટલા આકર્ષક પેન્ટિંગ્સ અને પ્લે કાર્ડ દ્વારા તેમનું વિશિષ્ટ સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત, વાયુ પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને પ્રકૃતિની રક્ષા માટે સુરત મહાનગર સંગઠન દ્વારા એક અનુકરણીય આહવાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનની જાહેર સભામાં આવતા તમામ કાર્યકરો અને નગરજનોને સ્વયંભૂ રીતે ઇલેક્ટ્રોનિક વાહન (EV), સાયકલ અથવા પદયાત્રા મારફતે આવવા માટે વિશેષ અપીલ કરાઈ છે, જેથી આખી સભા સંપૂર્ણપણે પર્યાવરણ અનુકૂળ બની રહે.
Read Original Article →