PM મોદી 5 જૂને સુરતની મુલાકાતે:વેસુ-વરાછામાં સભાના સ્થળોનું નિરીક્ષણ શરૂ, દમણ એરપોર્ટના ઉદ્ઘાટન સાથે જોડાશે પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જૂનના રોજ સુરતની મુલાકાત લે એવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ સંભવિત પ્રવાસને પગલે શહેરમાં તેમની ભવ્ય જાહેર સભાના આયોજન માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.વડાપ્રધાનની સભા માટે યોગ્ય અને અનુકૂળ સ્થળ પસંદ કરવા માટે અધિકારીઓ દ્વારા વેસુ અને વરાછા સહિતના વિસ્તારોમાં વિવિધ મોટી જગ્યાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખી સ્થળની પસંદગી કરાશે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વેસુ અને વરાછા વિસ્તારમાં આવેલી 3થી 4 મહત્વની જગ્યાઓનું નિરીક્ષણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ સ્થળોની યાદી તૈયાર કરીને મંજૂરી અર્થે ઉપર મોકલી આપવામાં આવી છે. જોકે, અંતિમ રીતે કયા વિસ્તારમાં સભાનું આયોજન કરવું તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. વીઆઈપી સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થઈ શકે તેવી સુવિધાઓને ધ્યાનમાં રાખીને જ આખરી સ્થળ નક્કી કરવામાં આવશે. દમણ એરપોર્ટના ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે સુરત પ્રવાસ જોડાવવાની શક્યતા
અત્રે ઉલ્લેખનીય છે કે, દમણ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ આધુનિક એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે એવી પૂરેપૂરી શક્યતા છે. આ દમણ પ્રવાસની સાથે જ સુરતની મુલાકાતને પણ જોડવામાં આવી હોવાનું માનવામાં આવે છે. જોકે, દમણ એરપોર્ટના ઉદ્ઘાટન પહેલા સુરતમાં વડાપ્રધાનની સભા યોજાશે કે પછી દમણના કાર્યક્રમ બાદ સુરત આવવામાં આવશે તે અંગેનો સત્તાવાર પ્રોટોકોલ હજી સ્પષ્ટ થયો નથી. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને પ્રાથમિક તૈયારીઓ શરૂ કરવા આદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મહત્ત્વની અને સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત સરકારી વિભાગો સક્રિય થઈ ગયા છે. ઉચ્ચ સ્તરેથી તમામ વિભાગોને સુરક્ષા વ્યવસ્થા અને અન્ય લોજિસ્ટિક્સ બાબતે પ્રાથમિક તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં પીએમઓ તરફથી આ પ્રવાસ અંગેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
Read Original Article →