PM મોદી આજે સુરતમાં, રૂ.18,778 પ્રકલ્પોની ભેટ આપશે:LT પ્લાન્ટમાં ‘જોરાવર’ ટેન્ક અને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ નિહાળશે, 'કે9 વજ્ર' તોપ અને 'તીર' ડ્રોનની સમીક્ષા કરશે
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે, જ્યાંથી સીધા બપોરે 2:30 વાગ્યે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (LT) પ્લાન્ટની મુલાકાત માટે રવાના થશે. હજીરા ખાતે પીએમ મોદી 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે. કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ, તેઓ સાંજે 4:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે. ત્યાર બાદ તેઓ 6.15 વાગ્યા આસપાસ તેઓ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે. જ્યાં તેમના હસ્તે રૂ. 3000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ માટે રૂ.18,778 કરોડનો વિકાસ ઉત્સવ
'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનની આ મુલાકાત દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનના વરદહસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવશે. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે રૂ.4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ લોકાર્પણથી સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્રજાલક્ષી અને ઔદ્યોગિક સુવિધાઓ આગામી સમયમાં વધુ સુદ્રઢ અને આધુનિક બનશે. LT પ્રિસિઝન એન્જિનિયરિંગમાં 'જોરાવર લાઈટ ટેન્ક'નું શક્તિપ્રદર્શન
પીએમ મોદી હજીરા ખાતે LTના પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ યુનિટની મુલાકાત દરમિયાન ભારતની સૈન્ય તાકાતમાં વધારો કરનાર 'જોરાવર લાઈટ ટેન્ક'નું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે. 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ સંપૂર્ણ સ્વદેશી રૂપથી વિકસિત કરવામાં આવેલી આ લાઈટ યુદ્ધ ટેન્ક લદ્દાખ અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) જેવા અતિ ઊંચાઈ ધરાવતા અને દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં દુશ્મનોને નેસ્તનાબૂદ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. 19મી સદીના પ્રખ્યાત ડોગરા જનરલ જોરાવરસિંહના નામ પરથી સન્માનિત આ ટેન્કનું વજન માત્ર 25 ટન છે. ઓછા વજનના કારણે આ ટેન્કને ભારતીય સેનાના વિમાન કે હેલિકોપ્ટર મારફતે પહાડી વિસ્તારોમાં સરળતાથી એરલિફ્ટ કરી શકાય છે. અત્યાધુનિક 'કે9 વજ્ર' હોવિત્ઝર ગન ફેસિલિટીની મુલાકાત
સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા ચકાસવા માટે પીએમ હજીરામાં આવેલી પ્રખ્યાત 'કે9 વજ્ર હાઉઝર (howitzer) ગન' મેન્યુફેક્ચરિંગ ફેસીલીટીની પણ મુલાકાત લેવાના છે. ભારતીય સેનાના ભાથામાં સામેલ આ અત્યાધુનિક 155 મીમી 52 કેલિબરની સ્વ-સંચાલિત હોવિત્ઝર તોપ તેની સચોટ મારક ક્ષમતા માટે જાણીતી છે. યુદ્ધના મેદાનમાં ભારે વજન હોવા છતાં અત્યંત ઝડપથી આગળ વધવાની અને ગમે તેવા વિષમ વાતાવરણમાં દુશ્મનના સૈન્ય પર પલકવારમાં ત્રાટકવાની આ તોપની ક્ષમતા તેને ભારતીય સૈન્યનું અભિન્ન અંગ બનાવે છે, જેનું નિર્માણ ગૌરવપૂર્વક ગુજરાતની ધરતી પર થઈ રહ્યું છે. 'તીર ડ્રોન' એર ડિફેન્સ અને CIWS રડાર સિસ્ટમ પ્રોજેક્ટનું નિરીક્ષણ
પીએમ મોદીના હજીરા પ્રવાસમાં આકાશમાંથી આવતા સંકટોને ખડતી નવી ટેકનોલોજી પણ કેન્દ્રસ્થાને રહેશે. તેઓ અહીં 'તીર ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમ' પ્રોજેક્ટ નિહાળશે. આ એક અત્યંત પ્રભાવશાળી માનવરહિત એરિયલ ટાર્ગેટ (ડ્રોન સિસ્ટમ) છે, જેને રક્ષા ક્ષેત્રમાં એન્ટી-મિસાઈલ અને આધુનિક હથિયારોના પરીક્ષણ માટે વિશેષરૂપે ડિઝાઇન કરવામાં આવી છે. આ સાથે પીએમ 'CIWS પ્રોજેક્ટ'ની પણ સમીક્ષા કરશે. આ એક સ્વદેશી રડાર અને રક્ષા પ્રણાલી છે, જે ખાસ કરીને ભારતીય વાયુસેના (IAF) ની એરબેઝ સુરક્ષા અને હવાઈ ક્ષેત્રના રક્ષણ માટે સ્થાનિક સ્તરે વિકસિત અને નિર્મિત કરવામાં આવી છે. પર્યાવરણ દિવસે હજીરા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું વિશેષ આકર્ષણ
આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી પીએમ મોદીની હજીરા સ્થિત ઇલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટ (ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ) ની મુલાકાત વૈશ્વિક સ્તરે મોટો સંદેશ આપશે. LT નો આ અત્યાધુનિક પ્લાન્ટ સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જા, એટલે કે સોલાર પાવર અને અદ્યતન બેટરી સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ ગ્રીન પ્લાન્ટમાં પાણીના ઇલેક્ટ્રોલિસિસ દ્વારા પ્રતિદિન 45 કિલોગ્રામ જેટલા ઉચ્ચ શુદ્ધતા ધરાવતા (99.99%) ગ્રીન હાઇડ્રોજનનું સફળતાપૂર્વક ઉત્પાદન કરવામાં આવે છે. પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવા માટે આ ટેકનોલોજી આગામી સમયમાં ગેમ-ચેન્જર સાબિત થવાની છે. ઔદ્યોગિક ઇંધણ તરીકે ગ્રીન હાઇડ્રોજનનું સફળ બ્લેન્ડિંગ
હજીરા પ્લાન્ટની વિશેષતા એ છે કે અહીં ઉત્પાદિત થતા ગ્રીન હાઇડ્રોજનનો સીધો ઉપયોગ પ્રાકૃતિક ગેસ (Natural Gas) ની સાથે મિશ્રિત (Blending) કરીને કરવામાં આવે છે. આ મિશ્રિત ગ્રીન ગેસનો હજીરામાં આવેલી એલ એન્ડ ટી ની નિર્માણ કે ફેબ્રિકેશન યુનિટોમાં અત્યારે ઇંધણ (Fuel) તરીકે વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે. પીએમ મોદી આ ગ્રીન ઇંધણ વ્યવસ્થાપનની પ્રક્રિયા રૂબરૂ જોવાના છે. આ ઉપરાંત પીએમ મોદી ફેક્ટરી પરિસરમાં અન્ય કેટલીક અતિ મહત્વની અને ગુપ્ત સુરક્ષા યુનિટોની પણ મુલાકાત લેશે, જ્યાં સુરક્ષાના કારણોસર માત્ર મર્યાદિત વહીવટી સ્ટાફ અને એન્જિનિયરો જ હાજર રહેશે. ઇન્ડોર સ્ટેડિયમમાં જનમેદનીને સંબોધન અને મહા-લોકાર્પણ
હજીરા ખાતેનો ગ્રીન એનર્જી અને મિશન ડિફેન્સનો કાર્યક્રમ પૂર્ણ કરીને વડાપ્રધાન મોદી સાંજે 4:15 વાગ્યે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી પહોંચશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. વડાપ્રધાન અહીં વિશાળ જનસભાને સંબોધિત કરશે અને ત્યારબાદ ભવ્ય ડિજિટલ સ્ક્રીન માધ્યમથી એક સાથે રૂ.18,778 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ કરશે. માહિતી બ્યુરો સુરતના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દક્ષિણ ગુજરાતના આંતરમાળખાકીય વિકાસને વેગ આપી રોજગારી અને પ્રગતિના નવા આયામો સર કરશે. સિટી બસના 12 રૂટ બંધ, BRTSના 2 રૂટ ડાયવર્ટ
નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને ધ્યાનમાં રાખીને તેમની અભેદ્ય સુરક્ષા અને શહેરી ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસની સૂચનાથી તારીખ 5 જૂન 2026ના રોજ રોજિંદા 2 લાખથી વધુ મુસાફરોને સેવા આપતી સિટી બસના 12 રૂટ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે, જ્યારે BRTSના 2 રૂટોને ડાયવર્ટ કરાયા છે. વડાપ્રધાનના સત્તાવાર રૂટ પર આવતી બસ સેવાઓ સ્થગિત કરીને અન્ય માર્ગો પર વાળવામાં આવી છે તેમજ બાકીના શહેરી રૂટો પર બસો ઓછી ફ્રિકવન્સીથી દોડશે. વીવીઆઈપી પ્રવાસ અને કાર્યક્રમો પૂર્ણ થયા બાદ જ તમામ રૂટો પર બસ સેવા પૂર્વવત કરાશે. મુસાફરોને વૈકલ્પિક રૂટોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. ડાયવર્ટ કરાયેલા BRTS અને સંપૂર્ણ બંધ કરાયેલા સિટી બસના રૂટ
વાહનવ્યવહાર વિભાગના જણાવ્યા અનુસાર, BRTS રૂટ નં. 12 (ONGC કોલોનીથી સરથાણા નેચર પાર્ક) હવે માત્ર સોમેશ્વર જંક્શનથી સરથાણા નેચર પાર્ક વચ્ચે દોડશે, જ્યારે રૂટ નં. 14 (ONGC કોલોની થી કોસાડ EWS H2) હવે પાલ RTO થી કોસાડ EWS H2 વચ્ચે ઓપરેટ થશે. આ ઉપરાંત, કાલે સંપૂર્ણ બંધ રહેનારા 12 સિટી બસ રૂટોમાં રૂટ નં. 136, 206, 658, 658B, 706, 106R, 153R, 216B, 216K, 226J, 716 અને 126Rનો સમાવેશ થાય છે. આ તમામ રૂટો રેલવે સ્ટેશન, એરપોર્ટ, ચોક, અડાજણ GSRTC, ઇચ્છાપોર, ઇસ્કોન સર્કલ, VNSGU, આભવા, ઉમરા, કાપોદ્રા, ભીમપોર, કાડી ફળિયા, કોસાડ અને જહાંગીરપુરા જેવા મહત્વના વિસ્તારોને સાંકળે છે, જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ રાબેતા મુજબ શરૂ થશે. જડબેસલાક બંદોબસ્ત: 6 હજાર પોલીસ જવાનો તૈનાત
PM મોદીના સુરત પ્રવાસને લઈને સમગ્ર શહેરને લોખંડી કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. ગુરુવારે બપોરથી જ પોલીસે સમગ્ર રૂટ અને કાર્યક્રમના સ્થળો પર જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે. પીએમની સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે સુરત શહેરના 6 હજારથી વધુ પોલીસ જવાનો ઉપરાંત બહારથી ખાસ આવેલા 6 ડીસીપી (DCP) કક્ષાના અધિકારીઓ અને SRPની 5 કંપનીઓ તૈનાત કરી દેવાઈ છે. વડાપ્રધાનની સુરક્ષા સંભાળતી કેન્દ્રીય એજન્સીઓ NSG અને SPGના ઉચ્ચ અધિકારીઓ તેમજ કમાન્ડોએ પણ મોરચો સંભાળી લીધો છે. તંત્ર દ્વારા ગુરુવારે બપોરે સુરત એરપોર્ટથી લઈ હજીરા એલએન્ડટી કંપની તેમજ ઈન્દોર સ્ટેડિયમ સુધીના રૂટ પર સુરક્ષા કાફલાનું સફળ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
Read Original Article →