અમેરિકામાં PhD કરતી સુરતની દીકરી હવે સાત ફેરા ગુજરાતમાં ફરશે:PM મોદીની અપીલ બાદ ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયાના ગુજરાતીઓએ વેડિંગ લોકેશન બદલ્યું
સામાન્ય રીતે ભારતીયોમાં વિદેશમાં જઈને લગ્ન કરવાનો ક્રેઝ જોવા મળતો હોય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે 'વેડ ઇન ઇન્ડિયા'ની અપીલ કરી છે, ત્યારે તેની વ્યાપક અસર સાત સમંદર પાર જોવા મળી રહી છે. અમેરિકામાં એસ્ટ્રોનોમિક્સ ફિઝિક્સમાં પીએચડી કરી રહેલી અને નાસામાં ઇન્ટર્નશિપ કરનાર મૂળ સુરતની ચાર્મી પટેલ હવે અમેરિકામાં લગ્ન કરવાને બદલે પીએમ મોદીના આહવાનને માન આપી ગુજરાતમાં લગ્ન કરવા જઈ રહી છે. એક તરફ જ્યાં લોકો મોંઘા ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશ જવાનું સપનું જોતા હોય છે, ત્યાં ચાર્મીએ પોતાની માતૃભૂમિમાં જ લગ્ન ગ્રંથિથી જોડાવાનો નિર્ણય લીધો છે. મોદીના એક શબ્દએ પટેલ પરિવારનો વિચાર બદલ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક જાહેર કાર્યક્રમમાં દેશના સંપન્ન પરિવારોને અપીલ કરી હતી કે, તેઓ લગ્ન પ્રસંગો વિદેશમાં કરવાને બદલે ભારતના જ કોઈ સ્થળે કરે. આ અપીલથી સુરતની દીકરી ચાર્મી પટેલ એટલી પ્રભાવિત થઈ કે તેણે તરત જ પોતાના લગ્ન વિદેશમાં કરવાના વિચારને માંડી વાળ્યો. ચાર્મી છેલ્લા 15 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલી છે. તે હાલમાં ત્યાં એસ્ટ્રોનોમિક્સ ફિઝિક્સ વિષયમાં પીએચડીનો અભ્યાસ કરી રહી છે. આટલું ઉચ્ચ શિક્ષણ મેળવનારી યુવતી જ્યારે દેશના વડાપ્રધાનની વાત માનીને વતન પરત ફરે છે, ત્યારે તે સમાજ માટે એક મોટો સંદેશ બની જાય છે. ડેન્ટિસ્ટ વરરાજા અને પીએચડી કન્યા: જાન્યુઆરીમાં ગુજરાતમાં શરણાઈઓ ગુંજશે
ચાર્મી પટેલના લગ્ન જે યુવક સાથે થવાના છે તે પોતે પણ તબીબી વ્યવસાય સાથે જોડાયેલા છે અને ડેન્ટિસ્ટ છે. આ દંપતીએ નક્કી કર્યું છે કે તેઓ જાન્યુઆરી મહિનામાં ભારત આવશે અને ગુજરાતની ધરતી પર પરંપરાગત રીતે લગ્ન કરશે. પટેલ પરિવાર 15 વર્ષ પહેલા ભારત છોડીને અમેરિકામાં વસ્યો હતો, છતાં પોતાની સંસ્કૃતિ અને વડાપ્રધાનના દેશપ્રેમના આહવાનને કારણે તેઓએ આ મહત્વનો નિર્ણય લીધો છે. હાલમાં સુરતના પ્રસિદ્ધ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ડેની સાથે આ લગ્નની તૈયારીઓ અંગે સતત ચર્ચાઓ ચાલી રહી છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતના ઇવેન્ટ મેનેજર સાથે લગ્નનું પ્લાનિંગ
અમેરિકા અને ભારત વચ્ચેના સમયના તફાવત છતાં, ચાર્મી અને તેનો પરિવાર સુરતના ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ડેની સાથે સતત સંપર્કમાં છે. લગ્નની દરેક નાની-મોટી વિગતો માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરવામાં આવે છે. ડેકોરેશનથી લઈને ભોજન અને વિધિ-વિધાન સુધીની તમામ તૈયારીઓ ડિજિટલ માધ્યમથી નક્કી થઈ રહી છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ડેનીએ જણાવ્યું કે, પીએમ મોદીના નિવેદન બાદ એનઆરઆઈ વેડિંગ માટેની પૂછપરછમાં ભારે ઉછાળો આવ્યો છે અને લોકો ખાસ ભારત આવીને લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે. માત્ર અમેરિકા જ નહીં, ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયાના ગુજરાતીઓ પણ લાઈનમાં
ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પરિવારોએ તો લગ્નના આમંત્રણ કાર્ડમાં જ 'વેડિંગ ડેસ્ટિનેશન: ઇન્ડિયા' છપાવી દીધું છે. એટલું જ નહીં, જે મિત્રોએ ભારત આવવું હોય તેમને અગાઉથી જાણ કરવા પણ કાર્ડમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે. પીએમ મોદીના 'ડોમેસ્ટિક વેડિંગ' ના આહવાનની અસર માત્ર અમેરિકા પૂરતી મર્યાદિત નથી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા અનેક ગુજરાતી પરિવારોએ પણ હવે વિદેશી ધરતીને બદલે ગુજરાતમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કરતા નિષ્ણાતોનું કહેવું છે કે, છેલ્લા 15 દિવસમાં અચાનક ઇન્કવાયરીઝ વધી ગઈ છે. કેનેડામાં રહેતા મિત્રો અને ઓસ્ટ્રેલિયાના પરિવારો પણ હવે ભારત તરફ વળ્યા છે. આ બદલાવ દેશના અર્થતંત્ર અને સ્થાનિક વેપાર માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કેમ એનઆરઆઈ પરિવારો ભારતને પસંદ કરી રહ્યા છે?
ભારત પરત ફરીને લગ્ન કરવા પાછળનું મુખ્ય કારણ શું? આ પ્રશ્નના જવાબમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કરનાર ડેનીએ જણાવ્યું કે, આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ અને રીતિ-રિવાજો જેટલી સચોટ રીતે ભારતમાં ઉજવી શકાય છે, તેવી ભવ્યતા વિદેશમાં મળવી મુશ્કેલ છે. ભલે વિદેશમાં રહેતી પેઢી આધુનિક હોય, પણ લગ્ન સમયે તેઓ 'વૈદિક વિધિ' અને શુદ્ધ મંત્રોચ્ચારનો આગ્રહ રાખે છે. હવે લગ્નોમાં ભલે 'ઇંગ્લિશ નેરેશન' હોય, પણ મૂળ વિધિ તો ભારતીય સંસ્કૃતિ મુજબ જ થાય તેવું એનઆરઆઈ યુવાનો ઇચ્છી રહ્યા છે અને પીએમ મોદીની અપીલની અસર છે. ફોરેન જવાને બદલે હવે લોકોનું 'રિવર્સ શિફ્ટિંગ' શરૂ થયું
અગાઉ એવી સ્થિતિ હતી કે, ભારતના લોકો લગ્ન કરવા માટે ઈટાલી, દુબઈ કે થાઈલેન્ડ જેવા દેશોમાં જતા હતા, પરંતુ વડાપ્રધાનના નિવેદન બાદ એક મોટી અસર જોવા મળી રહી છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના જણાવ્યા મુજબ, તેમના એક ક્લાયન્ટ જેઓ પહેલા ન્યૂઝીલેન્ડમાં લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા હતા, તેઓએ પીએમ મોદીની અપીલ બાદ પોતાનું લોકેશન શિફ્ટ કરીને ભારત કરી દીધું છે. તેવી જ રીતે અમેરિકાના એડીલેડમાં લગ્ન કરવા ઈચ્છતા પરિવારો પણ હવે સુરત અને અમદાવાદની હોટલો બુક કરાવી રહ્યા છે. સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને મળશે મોટું પ્રોત્સાહન
જ્યારે કોઈ એનઆરઆઈ પરિવાર ભારતમાં લગ્ન કરે છે, ત્યારે તેની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર પર પડે છે. કેટરિંગ, ડેકોરેશન, જ્વેલરી, કપડાં અને ટ્રાન્સપોર્ટેશન જેવા અનેક નાના-મોટા વ્યવસાયોને કામ મળે છે. ચાર્મી પટેલ જેવા ઉચ્ચ શિક્ષિત યુવાનો જ્યારે આ પહેલ કરે છે, ત્યારે અન્ય લોકો માટે પણ તે પ્રેરણારૂપ બને છે. પીએમ મોદીનું 'વેડ ઇન ઇન્ડિયા' અભિયાન હવે માત્ર એક સૂત્ર નથી રહ્યું, પરંતુ એક લોક આંદોલન બની રહ્યું છે, જેની શરૂઆત ગુજરાતની આ દીકરીએ કરી દીધી છે.
Read Original Article →