સુરતમાં નશામાં ધૂત કિયાચાલકે એક્ટિવાને ઉડાવી, ડેકીમાંથી દારૂનો ખજાનો મળ્યો:વડોદરામાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત, માસના લોચા રોડ પર વિખેરાયા; માતાનું હૈયાફાટ રુદન

Gujarat6/8/2026, 4:49:34 AM
સુરતમાં નશામાં ધૂત કિયાચાલકે એક્ટિવાને ઉડાવી, ડેકીમાંથી દારૂનો ખજાનો મળ્યો:વડોદરામાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત, માસના લોચા રોડ પર વિખેરાયા; માતાનું હૈયાફાટ રુદન
સુરત અને વડોદરામાં બેફામ ડ્રાઇવિંગ અને હિટ એન્ડ રનની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. સુરતમાં એક નશામાં ધૂત કિયા ચાલકે એક્ટિવા સવારને અડફેટે લીધો હતો, અને કારની ડેકીમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ, વડોદરામાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યાં અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકના શરીરના માસના લોચા રોડ પર વિખેરાયા હતા અને આ દ્રશ્ય જોઈને તેની માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. પ્રથમ અકસ્માત:સુરત સુરત શહેરમાં બેફામ દોડતા વાહનોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુરતના પોશ વિસ્તાર ગણાતા પીપલોદ ખાતે રાત્રે હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો છે. અહીં આવેલા ઇસ્કોન મોલ નજીક એક બેફામ સ્પીડે આવી રહેલી કારના ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલક ફંગોળાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ કારની અંદર દારૂની બોટલોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. જેને લઈને લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. ગાડી અંદરથી દારૂની બોટલો મળી આવી મળતી માહિતી પ્રમાણે, રાતે અકસ્માત સર્જનાર KIA કારનો ચાલક સદંતર દારૂના નશામાં ધૂત હતો. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં પકડાઈ જવાના ડરે કાર ચાલક પોતાની વૈભવી ગાડી ઘટનાસ્થળે જ મૂકીને રફુચક્કર થઈ ગયો હતો. જોકે, રોષે ભરાયેલા લોકોએ જ્યારે કારની તલાશી લીધી ત્યારે ગાડીની અંદરથી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના આ કેસે સુરત પોલીસની રાત્રિ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા કર્યા છે. લોકોમાં ભારે રોષ, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. લોહીલુહાણ હાલતમાં એક્ટિવા ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે, આવા નશાખોર અને બેફામ વાહન ચલાવી નિર્દોષોનો જીવ જોખમમાં મૂકતા નરાધમો સામે પોલીસ કાયદાનું ભાન કરાવી કડકમાં કડક કાર્યવાહી કરે. ફરાર કારચાલકને પકડી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ભોગ બનેલી એક્ટિવા અને દારૂની બોટલો ભરેલી KIA કારને કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે ફરાર ચાલકને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ફંફોસવાનું શરૂ કર્યું છે. બીજો અકસ્માત:વડોદરા વડોદરા શહેરના હરણી ગદા સર્કલ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક અજાણ્યા વાહનચાલકે બાઇક લઈને પસાર થઈ રહેલા 25 વર્ષીય યુવકને જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં યુવકને માથા તેમજ શરીરના ભાગે એટલી ગંભીર ઇજાઓ થઈ હતી કે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. હરણી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પરિવારના કુળદીપકના મોતથી રાવળ પરિવારમાં માતમ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવકનું નામ સંજય મહેશભાઈ રાવળ (ઉં.વ. 25) હતું. અકસ્માત એટલો ભયાવહ હતો કે યુવકના શરીરના અંગો રોડ પર વિખેરાઈ ગયા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. હરણી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકના મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. શેઠના બંગલે પિતાને ફોન આવ્યો- 'તમારા દીકરાનો અકસ્માત થયો છે' મૃતકના પિતા મહેશભાઈ મોહનભાઈ રાવળ દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, તેઓ મૂળ સેવાસી વિસ્તારમાં આવેલા વેદાંત વિલા સામેના વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરીને પોતાનું જીવન-ગુજરાન ચલાવે છે. અકસ્માત સમયે તેઓ પોતાના શેઠના બંગલે કામ પર હાજર હતા, ત્યારે અચાનક ફોન આવ્યો કે સંજયનો અકસ્માત થયો છે અને તેનું મોત નીપજ્યું છે, જેથી તાત્કાલિક ગદા સર્કલ પહોંચો. પુત્રની લાશ જોઈ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ પુત્રના અકસ્માતના સમાચાર મળતા જ મહેશભાઈ તેમની પત્ની દક્ષાબહેન સાથે તાબડતોબ હરણી ગદા સર્કલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં પોલીસ અને લોકોના ટોળા વચ્ચે પોતાના જુવાનજોધ દીકરાની લોહીલુહાણ લાશ જોઈને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પુત્રને ગુમાવી બેસતા માતા દક્ષાબહેન અને પિતાએ ઘટનાસ્થળે જ હૈયાફાટ આક્રંદ અને વિલાપ શરૂ કર્યો હતો, જેને જોઈને ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. અજાણ્યા વાહન ચાલકની બેદરકારીએ એક ગરીબ પરિવારના કુળદીપકને બુઝાવી દીધો છે, ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે. આ પણ વાંચો પતરા કાપી અડધા કલાકની જહેમત બાદ બસ ડ્રાઇવરને બહાર કઢાયો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ પાસે નવલપુર ભાટોડા ગામ આગળ નેશનલ હાઈવે 48 પર ઓવરબ્રિજ નજીક ગત રાત્રીનના લગભગ 2.30 કલાકની આસપાસ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી બસ તેની આગળ જતાં એક અજાણ્યા વાહન સાથે પાછળથી અથડાઈ હતી. જે અકસ્માતમાં ચાલક સહિત કુલ 15 લોકોને ઈજાઓ પહોંચી હતી. બસનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →