પેટ્રોલ-ડીઝલ ₹3-3 પ્રતિ લિટર મોંઘા, સરકારનો ‘મિડનાઈટ શોક’:લોકો બોલ્યા- ચૂંટણી જીતી ગયા એટલે ડોઝ આપી દીધો, ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો
દેશ સહિત ગુજરાતમાં ગઇકાલે(14 મે) મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આકરો વધારો કરવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર ₹2.99નો વધારો થતા નવો ભાવ ₹97.50 થયો છે, જ્યારે ડીઝલમાં ₹3.09નો વધારો થતા તે ₹93.29 પર પહોંચ્યું છે. સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર રાત્રે 12 વાગ્યે થતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર રાત્રે 3 વાગ્યે પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરી દેતા ગ્રાહકોમાં આશ્ચર્ય અને આક્રોશ જોવા મળ્યો છે. અચાનક અમલી બનેલા આ વધારાને કારણે વહેલી સવારે પંપ પર પહોંચેલા વાહનચાલકોને આર્થિક ફટકો પડ્યો હતો. પેટ્રોલ પુરાવવા આવેલા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહી રહ્યા છે કે ચૂંટણી જીતી ગયા એટલે મોંઘવારીનો ડોઝ આપી દીધો. તો કેટલાક લોકો તો એવું પણ બોલ્યા કે ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો જરૂરી હતો: ડીલર એસો. પ્રમુખ
અમદાવાદમાં યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે. જેના કારણે પેટ્રોલની સપ્લાયમાં ઘણી પ્રોબ્લેમ આવી રહી છે. જે બેલર 70 અને 80 ડોલર હતા તે અત્યારે 140 ડોલર સુધી પહોંચી ગયા છે. જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ખૂબ જરૂરી હતો. તેમ છતાં ભારત સરકારે ઘણા સમય સુધી ગ્રાહકોને ચિંતા કરી ભાવમાં વધારો કર્યો ન હતો. તેથી રોજનું 2500 કરોડનું નુકસાન પેટ્રોલ ડીઝલમાં સહન કરવું પડ્યું હતું. ‘પૂરતો જથ્થો છે, પેનિક થવાની જરૂર નથી’
જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. પૂરતો જથ્થો છે કોઈએ પણ પેનિક થવાની જરૂર નથી. દરેક પેટ્રોલ પંપ પર જોઈએ તેટલું પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે. અત્યારે ભારત સરકારને પેટ્રોલમાં એક લીટરે 20નું અને ડીઝલમાં 40 રૂપિયાનું નુકસાન છે. જેથી હવે આગામી દિવસમાં પણ ભાવ વધારો થાય છે કે નહીં તે સરકાર નક્કી કરશે. અગાઉ 2022માં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આવતીકાલથી ક્યાંય પણ પેટ્રોલપંપ પર લાઇન જોવા મળશે નહીં.
Read Original Article →