વકીલ સાથે ઠગાઈ:ભાગીદારીમાં મિલકતો ડેવલપ કરી ભાગીદારોએ વકીલને 67 લાખનો ચૂનો ચોપડ્યો, 4 સામે ગુનો

Gujarat4/13/2026, 12:22:58 AM
વકીલ સાથે ભાગીદારીમાં કાઠીયાવાડી ડેવલોપર્સના નામે પેઢી શરૂ કરીને 3 મિલકતોને ડેવલપ કર્યા બાદ બારોબાર વેચી દઇ રૂ.67.02 લાખની છેતરપિંડી કર્યની ફરિયાદવેસુ પોલીસમાં નોંધાઇ છે. રાંદેર તાડવાડી શાલીગ્રામ સોસાયટીમાં રહેતા વિનોદભાઇ વાઘેલા વ્યવસાયે વકીલ છે. વર્ષ 2013માં તેમનો સંપર્ક નિરવ ગોહેલ (રહે, મેઘધનુષ સોસાયટી પીપલોદ) સાથે સંપર્ક થયો હતો. ત્યારે તેણે પોતે પિયુષ હેમંત સોલંકી, કૃતિ પિયુષ સોલંકી, અનુજ હેમંત સોલંકી નારાયણીકૃપા સાઈબાબા સોસાયટી) સાથે કાઠીયાવાડી ડેવલોપર્સના નામે ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. બાદમાં વર્ષ 2014માં નિરવે વકીલ વિનોદભાઇને ભાગીદારીની ઓફર કરી હતી. જેમાં નફામાંથી નિરવના 30 ટકા, પિયુષના 25 ટકા, કૃતિના 10 ટકા, અનુજના 10 ટકા તથા વકીલ વિનોદભાઇના 25 ટકાનો ભાગ નક્કી કરતા તેમની વચ્ચે ભાગીદારી કરી હતી. કાઠીયાવાડી ડેવલોપર્સના નેજા હેઠળ ભરથાણા મોહનદ્વાર સોસાયટીમાં એક પ્લોટ લીધો હતો. તેવી જ રીતે વેસુમાં આવેલી ગ્લોસી સોસાયટીમાં બે પ્લોટ ખરીદ્યા હતા. આ પ્લોટ પર બાંધકામ કરીને મોહનદ્વારની મિલકત રૂ.1.51 કરોડમાં જ્યારે વેસુના પ્લોટ ભાગીદાર પિયુષ ને એક પ્લોટ રૂ.45 લાખ તથા એક પ્લોટ રૂ.60 લાખમાં વેચી દીધો હતો. આ ધંધામા થયેલા નફામાંથી વિનોદભાઇના ભાગે નીકળતા રૂ.54.02 લાખ તથા તેમણે કરેલા રોકાણના રૂ.13 લાખ મળીને કુલ રૂ.67.02 લાખ તેમને આપવાના બદલે ચારેય ભાગીદારોએ વહેંચી લીધા હતા. આ અંગે વિનોદભાઇએ અનેક વખત ઉઘરાણી કરવા છતા તેમને નાણા નહીં આપતા આખરે તેમણે વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
Read Original Article →