કુટણખાનામાં બાળમજૂરો પાસે કરાવાતી મજૂરીનો પર્દાફાશ:પાંડેસરામાં ચાલતા દેહ વ્યાપારના અડ્ડા પર દરોડો, 3 મહિલાઓ મુક્ત અને 2 બાળમજૂરોનું રેસ્ક્યુ
સુરત શહેરમાં સ્પા, મસાજ પાર્લર અને હોટલોની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપાર તેમજ સગીર વયના બાળકો પાસે મજૂરી કરાવતા તત્વો સામે સુરત પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ ક્રાઈમ બ્રાંચની ટીમે પાંડેસરા વિસ્તારમાં ધમધમતા એક કુટણખાના પર સફળ દરોડો પાડીને મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેઇડ દરમિયાન પોલીસે દેહ વ્યાપારના દલદલમાંથી 3 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી છે, જ્યારે કુટણખાનામાં બાળમજૂરી કરતા બે સગીર વયના બાળકોને પણ સહી-સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. A.H.T.U.ની ટીમે ગોઠવી જાળ
સુરત શહેર પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર (ક્રાઇમ) તેમજ નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાંચ) અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર (A.H.T.U. ક્રાઇમ) દ્વારા શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ અને બાળમજૂરી નાબૂદ કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ A.H.T.U. સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. શેરગીલ અને તેમની ટીમે બાતમીદારોના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં વોચ ગોઠવીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. પાંડેસરાના હાઉસિંગ બોર્ડના મકાનમાં ચાલતું હતું પાપનું સામ્રાજ્ય
મળતી માહિતી મુજબ, પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ (ગુ.હા.બોર્ડ) બિલ્ડિંગના પહેલા માળે, બ્લોક નં. 301, ઘર નં. 2782વાળી જગ્યામાં આ ગેરકાયદેસર કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. અહી અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ નામના શખસો ભેગા મળીને બહારથી ગ્રાહકો બોલાવતા હતા. આ સંચાલકો ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલી, શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડીને પોતાનું કમિશન મેળવી આર્થિક ફાયદો ઉઠાવતા હતા. બાળકો પાસે મજૂરી કરાવી મહિલાઓનું શોષણ કરાતું હતું
મુખ્ય સૂત્રધારોએ કુટણખાનાના કામકાજ માટે અક્ષય છોટુભાઇ મહતો અને વિજયકુમાર રાજેન્દ્રકુમાર ડાહિયા નામના બે શખસોને નોકરી પર રાખ્યા હતા. આ ઉપરાંત, આર્થિક મજબૂરીનો લાભ ઉઠાવી કુલ 3 ભારતીય મહિલાઓ પાસે પરાણે દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવવામાં આવતી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આ અડ્ડા પર બે સગીર વયના નિર્દોષ બાળકોને રાખી તેમની પાસે બાળમજૂરી પણ કરાવવામાં આવી રહી હતી. રોકડા અને મોબાઈલ સહિત 66,500નો મુદ્દામાલ જપ્ત
A.H.T.U.ની ટીમે જ્યારે આ સ્થળે ઓચિંતો દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી ગુનાના કામે વપરાતી અનેક ચીજવસ્તુઓ મળી આવી હતી. પોલીસ દરોડા દરમિયાન કુટણખાનું ચલાવનારા મુખ્ય ત્રણ આરોપીઓ અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલા હાજર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે આ ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ વિરૂદ્ધ ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ 1956ની કલમ 3, 4, 5, 7 તેમજ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ 2015ની કલમ-79 મુજબ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મુક્ત કરાયેલા બાળકોને ચિલ્ડ્રન હોમ આશ્રય અપાયો
રેઇડ દરમિયાન દેહ વ્યાપારના નરકમાંથી સહી-સલામત મુક્ત કરાયેલી ત્રણેય ભારતીય મહિલાઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી છે. જ્યારે બાળમજૂરીના ચુંગાલમાંથી મુક્ત કરાવેલા બંને સગીર બાળકોને સુરક્ષિત ભવિષ્ય અને આશ્રય મળી રહે તે માટે વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમ, કતારગામ, સુરત (CWC) ને સોંપવામાં આવ્યા છે.
Read Original Article →