જ્યાં કાયદાના આદેશ છૂટે છે, ત્યાં આજે વહાલના ઝરણાં વહ્યાં:ત્યજી દેવાયેલી માસૂમની સુરત પોલીસે માવતર બની 'છઠ્ઠી' ઉજવી, નામ રાખ્યું ‘કશિશ’
જે લોકઅપ અને દિવાલો વચ્ચે સામાન્ય રીતે ગુનેગારોની ચીસાચીસ અને કાયદાના કડક આદેશો ગુંજતા હોય છે, તે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન આજે કોઈ પવિત્ર ઘરના આંગણા જેવું મંગલમય બની ગયું. લોહીના સગાં જ્યારે નવજાત કળીને રસ્તા પર રઝળતી મૂકીને ચાલ્યા ગયા, ત્યારે સુરતની ખાખી કાયદાના રક્ષકમાંથી 'માવતર' બનીને વહારે આવી છે. પાંડેસરા પોલીસે બિનવારસી મળેલી માસૂમ બાળકીને પોતાની દીકરી ગણીને સ્વીકારી છે અને પોલીસ સ્ટેશનના પરિસરમાં જ ભારે હર્ષોલ્લાસ સાથે તેની પરંપરાગત 'છઠ્ઠી' ઉજવી છે. જ્યારે નવજાત કળી દુનિયામાં એકલી પડી ગઈ...
થોડા દિવસો પહેલાં સુરતના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરામાંથી આ નવજાત બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે તેને હેમખેમ બચાવી, તબીબી સારવાર અપાવી અને તેના સાચા વાલીવારસની શોધખોળ કરી. પરંતુ ક્રૂરતાની હદ તો જુઓ, તેનો કોઈ પત્તો ન મળ્યો. દુનિયાની નજરે જે બાળકી અનાથ અને એકલી અટૂલી હતી, તેને સુરત પોલીસ પરિવારે એકસૂરે સ્વીકારી લીધી અને નક્કી કર્યું કે ‘હવે આ દીકરી અમારી છે!’ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને તોરણોથી સજ્જ થયું પોલીસ સ્ટેશન
બાળકીના જન્મના છઠ્ઠા દિવસે હિન્દુ સંસ્કૃતિના રીત-રિવાજ મુજબ પોલીસ સ્ટેશનની અંદર જ 'છઠ્ઠી વિધિ'નું હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું. પોલીસ મથકને ફૂલો અને આસોપાલવના તોરણોથી શણગારવામાં આવ્યું હતું. એસીપી ઝવેર દેસાઇ, પીઆઇ કે.ડી.જાડેજા સહિત પાંડેસરા પોલીસ સ્ટેશનના તમામ નાના-મોટા મહિલા અને પુરુષ કર્મચારીઓ એક પરિવાર બનીને બેઠા. ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે આ દીકરીનું નામ અત્યંત વહાલપૂર્વક "કશિશ" રાખવામાં આવ્યું. જ્યારે મહિલા પોલીસ કર્મચારીઓએ કશિશને ખોળામાં રમાડીને સોહામણા હાલરડાં ગાયા, ત્યારે લાગતું હતું કે કુદરતે કશિશ પાસેથી એક મા છીનવીને તેને ખાખીના રૂપમાં સેંકડો માતા-પિતા આપી દીધા છે. ખાખી પાછળની સંવેદનશીલતા જોઈ આંખો ભીની થઈ
દિવસ-રાત કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને ગુનાખોરી ડામવામાં વ્યસ્ત રહેતી ખાખી પાછળ છુપાયેલી આ અદ્ભુત સંવેદનશીલતા અને લાગણી જોઈને ત્યાં હાજર રહેલા સ્થાનિક નાગરિકો અને ખુદ પોલીસકર્મીઓની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી હતી. પોલીસ અધિકારીઓએ ખૂબ જ ગળગળા સાદે જણાવ્યું હતું કે, ભલે આ દીકરીને તેના જન્મેતાઓએ ત્યજી દીધી હોય, પણ હવે આ આખું પોલીસ સ્ટેશન તેનું હર્યુંભર્યું પરિવાર છે. કશિશના ઉછેરમાં અમે કોઈ કમી રાખવા માગતા નથી. સુરત પોલીસના આ માનવીય અને સંવેદનશીલ ચહેરાની આજે સમગ્ર ગુજરાતમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે. ખરેખર, કશિશના કિલકિલાટે સાબિત કરી દીધું કે ખાખીમાં માત્ર સખ્તાઈ જ નથી હોતી, પણ એક ધબકતું અને માયાળુ દિલ પણ હોય છે. આ પણ વાંચો… કકડતી ઠંડીમાં ત્યજી દેવાયેલી સુરત પોલીસની લાડકવાયી ‘હસ્તી’ કોટક પરિવારની ‘લક્ષ્મી’ બની, ભાવુક દૃશ્યો સર્જાયા શિયાળાની કકડતી ઠંડીમાં રાત્રિના સમયે એક પાષાણ હૃદયની જનેતાએ પોતાની નવજાત ફૂલ જેવી બાળકીને ડિંડોલીના ડેલાડવા તળાવ નજીક અવાવરું જગ્યાએ ત્યજી દીધી હતી. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવતી સુરત પોલીસ આ માસૂમ જીવ માટે ભગવાન બનીને આવી હતી. ડિંડોલી પોલીસે આ નવજાત બાળકીને ઉગારી લીધી એટલું જ નહીં, પણ તેનું સુંદર નામકરણ ‘હસ્તી’ કર્યું હતું. પોલીસ મથકના તમામ સ્ટાફની લાડકવાઈ બનેલી આ ‘હસ્તી’ હંમેશાં હસતી રહે તે માટે 30 મે, 2026ના કતારગામ શિશુગૃહ ખાતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી, મુંબઈના કોટક દંપતીને દત્તક સોંપવામાં આવી હતી. આ વિદાયની ક્ષણે પોલીસ પરિવાર અને શિશુગૃહમાં હાજર તમામ લોકોની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી હતી. સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો
Read Original Article →