પાંડેસરામાં પરિણીતાનો રહસ્યમય આપઘાત:પગ જમીન પર વળેલા અને અડેલા જોવા મળતા હત્યાની આશંકાથી પોલીસ તપાસ શરૂ; પતિ સાથે ઝગડો થયો હતો
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મીનગરથી એક શંકાસ્પદ આત્મહત્યાની ઘટના સામે આવી છે. અહીં 25 વર્ષીય ઇન્દિરાબેન બારીયા નામની પરિણીતાનો મૃતદેહ તેમના જ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જોકે, આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતક મહિલાના પગ જમીનને અડેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ સ્થિતિને જોતા સ્થાનિકો અને પરિવારમાં અનેક શંકા-કુશંકાઓ જન્મી છે. પાંડેસરા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આ મામલો આત્મહત્યા છે કે હત્યા, તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પતિ સાથેનો ઘર કંકાસ અંતિમ પગલાનું કારણ?
પ્રાથમિક વિગતો મુજબ, મૃતક ઇન્દિરાબેનનો તેમના પતિ આત્મજા બારીયા સાથે કોઈ બાબતે ઉગ્ર ઝગડો થયો હતો. ઘર કંકાસથી કંટાળીને મહિલાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. મૃતકનો પતિ આત્મજા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને આ દંપતી મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના વતની છે. ઘટનાની જાણ પતિએ જ પોલીસને કરી
બનાવની વિગત એવી છે કે, પતિ સાથેના વિવાદ બાદ ઇન્દિરાબેને રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ પતિએ જ આ અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જોયું તો પરિણીતા મૃતાવસ્થામાં લટકતી હતી. પતિના જણાવ્યા અનુસાર આ આત્મહત્યા છે, પરંતુ ઘટનાસ્થળના દ્રશ્યો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પગ જમીન પર અડતા હોવાથી વિવાદ વધ્યો
આ કેસમાં સૌથી શંકાસ્પદ પાસું એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગળાફાંસો ખાય ત્યારે તેના પગ હવામાં હોય છે, પરંતુ અહીં ઇન્દિરાબેનના પગ જમીન પર વળેલા અને અડકેલા જોવા મળ્યા હતા. આ જોતા સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું આ ખરેખર આપઘાત છે કે પછી હત્યા કરીને તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે? પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં પોલીસ
પાંડેસરા પોલીસે 25 વર્ષીય ઇન્દિરા બારીયાના મૃતદેહને કબજે કરી પંચનામું કર્યા બાદ તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં પતિ અને પાડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી સત્ય બહાર આવી શકે.
Read Original Article →