NEET પેપર લીક કાંડ મામલે સુરતમાં NSUIનો વિરોધ:સરકારની અંતિમયાત્રા કાઢી રોષ ઠાલવ્યો, પરવાનગી વિના પ્રદર્શન કરતા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ; અનેકની અટકાયત

Gujarat5/15/2026, 12:27:12 PM
NEET પેપર લીક કાંડ મામલે સુરતમાં NSUIનો વિરોધ:સરકારની અંતિમયાત્રા કાઢી રોષ ઠાલવ્યો, પરવાનગી વિના પ્રદર્શન કરતા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ; અનેકની અટકાયત
સુરતમાં NEET પરીક્ષાના પેપર લીક મામલે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા રસ્તા પર ઉતરીને સરકાર વિરુદ્ધ આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIના કાર્યકર્તાઓએ રાજ્ય સરકારની પ્રતીકાત્મક 'હાટડી' બનાવી તેની અંતિમયાત્રા કાઢી અનોખી રીતે પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ 'સરકાર હાય હાય' અને 'વી વોન્ટ જસ્ટિસ'ના સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. NSUIની મુખ્ય માંગ છે કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા જવાબદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને શિક્ષણ જગતમાં ચાલતી આવી ગેરરીતિઓ પર કાયમી લગામ લગાવવામાં આવે. પોલીસ અને NSUI કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઝપાઝપી જોકે, આ વિરોધ પ્રદર્શનમાં ત્યારે હંગામો સર્જાયો જ્યારે NSUI દ્વારા પોલીસની મંજૂરી વગર રેલી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો. રેલીને અટકાવવા માટે પોલીસ કાફલાએ ચક્રવ્યૂહ રચ્યો હતો, જેના પરિણામે પોલીસ અને NSUI કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઝપાઝપી અને બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. સ્થિતિ વધુ વણસતા પોલીસે બળપ્રયોગ કરીને પ્રદર્શન કરી રહેલા NSUIના અનેક કાર્યકર્તાઓની સ્થળ પરથી અટકાયત કરી હતી. પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, જ્યારે સંગઠને આક્ષેપ કર્યો છે કે સરકાર અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
Read Original Article →