પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરુદ્ધ મોરચો ખોલનાર મકસૂદ મિર્ઝા સસ્પેન્ડ:ફેસબુક પર પોસ્ટ કરી ગંભીર આક્ષેપ કર્યા હતા, 2014 લોકસભામાં નવસારી બેઠક પર પાટીલ સામે ચૂંટણી લડ્યા હતા

Gujarat5/16/2026, 4:37:45 PM
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરુદ્ધ મોરચો ખોલનાર મકસૂદ મિર્ઝા સસ્પેન્ડ:ફેસબુક પર પોસ્ટ કરી ગંભીર આક્ષેપ કર્યા હતા, 2014 લોકસભામાં નવસારી બેઠક પર પાટીલ સામે ચૂંટણી લડ્યા હતા
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધી ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગઈ છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામો અને પક્ષના કથળતા પ્રદર્શન વચ્ચે સુરતના વરિષ્ઠ કોંગ્રેસ કાર્યકર્તા અને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પરના ઉમેદવાર મકસૂદ બેગ મિર્ઝાને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિના ચેરમેન નટવરસિંહ મહિડા દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે. મકસૂદ મિર્ઝાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા વિરુદ્ધ સીધો મોરચો ખોલ્યો હતો અને પક્ષના નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કરતી વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી હતી, જેના કારણે પક્ષ હરકતમાં આવ્યો છે અને આ આકરી કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયા પર ખુલ્લો બળવો અને શિસ્તભંગની કડક કાર્યવાહી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્ર અનુસાર, મકસૂદ બેગ મિર્ઝા દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પક્ષની વિરુદ્ધમાં અનેક લખાણો અને ટિપ્પણીઓ મૂકવામાં આવી હતી. આ લખાણોના કારણે પક્ષની છબી અને પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચ્યું હોવાની બાબતને હાઈકમાન્ડે અત્યંત ગંભીરતાથી લીધી છે. શિસ્ત સમિતિના ચેરમેન નટવરસિંહ મહિડાએ જણાવ્યું હતું કે પક્ષની શિસ્ત જાળવવી એ સર્વોપરી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને નેતૃત્વની જાહેરમાં આલોચના કરવા બદલ મકસૂદ મિર્ઝાને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના આ નિર્ણયને સોશિયલ મીડિયા પર પક્ષના અન્ય અગ્રણીઓ દ્વારા પણ આવકારવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પર આકરા પ્રહારો અને રાજીનામાની માંગ મકસૂદ મિર્ઝાએ પોતાની પ્રથમ ફેસબુક પોસ્ટમાં સીધા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને નિશાને લીધા હતા. તેમણે અત્યંત આકરા શબ્દોમાં લખ્યું હતું કે, "ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ભાઈ ચાવડા સાહેબ નૈતિકતાના ધોરણે જલ્દીથી જલ્દી રાજીનામું આપો, મારો એજ સારો એમાં તમે કોંગ્રેસની ઘોર ખોદી નાખી..." મિર્ઝાના આ સીધા પ્રહારે પ્રદેશ કોંગ્રેસના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો હતો. પક્ષના આટલા વરિષ્ઠ નેતા દ્વારા ખુલ્લેઆમ પ્રદેશ પ્રમુખના રાજીનામાની માંગણી કરવી અને પક્ષના પતન માટે તેમને જ જવાબદાર ઠેરવવા, તે બાબત દર્શાવે છે કે સંગઠનમાં આંતરિક અસંતોષ કેટલો ઊંડો ઉતરી ગયો છે. ઉમેરેઠ વિધાનસભામાં હાર બાદ અને હાઈકમાન્ડની નિષ્ક્રિયતા સામે સવાલો પોતાના બળવાખોર તેવર ચાલુ રાખતા મકસૂદ મિર્ઝાએ અન્ય એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે ચૂંટણી પરાજયના મુદ્દાને ઉજાગર કરતા લખ્યું હતું કે, "આપણે ઉમરેઠ વિધાનસભા ચૂંટણીમાં મોટા તફાવતથી પરાજિત થયા, હજુ હાઈકમાન્ડ પાસે ગુજરાત કોંગ્રેસ માટે વિચારવાનો સમય છે ખરો?" આ પોસ્ટ દ્વારા તેમણે માત્ર સ્થાનિક નેતૃત્વ જ નહીં પરંતુ દિલ્હી બેઠેલા પક્ષના હાઈકમાન્ડની ગંભીરતા અને કાર્યશૈલી સામે પણ આંગળી ચીંધી હતી. વારંવાર મળતી હાર છતાં પક્ષ દ્વારા કોઈ નક્કર પગલાં કે આત્મમંથન ન કરવામાં આવતું હોવાનો બળાપો તેમણે જાહેરમાં ઠાલવ્યો હતો. ટિકિટ વહેંચણી અને ચૂંટણી મેનેજમેન્ટમાં પ્રદેશ નેતૃત્વની નિષ્ફળતા પર પ્રહાર ત્યારબાદ ત્રીજી વિવાદાસ્પદ પોસ્ટ કરીને તેમણે પક્ષના સમગ્ર આયોજન પર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું હતું. તેમણે ચૂંટણીલક્ષી વ્યુહરચનાની આકરી આલોચના કરતા લખ્યું હતું કે, "ટીકીટ વહેંચણી, બિનહરીફ બેઠકો, ચૂંટણી પ્રચાર, મેનેજમેન્ટ વગેરે તમામ સ્તરે જો સ્થાનિક શહેર/જિલ્લાનું નેતૃત્વ જ જવાબદાર ઠેરવવાનું હોય તો પ્રદેશ નેતૃત્વ શું તમાશો જોવા જ બેસી રહ્યું હતું?" મિર્ઝાનો આક્ષેપ હતો કે જ્યારે પણ પક્ષની હાર થાય છે ત્યારે સ્થાનિક નેતાઓને બલિનો બકરો બનાવવામાં આવે છે, જ્યારે ટિકિટ વહેંચણી અને પ્રચાર મેનેજમેન્ટની મુખ્ય જવાબદારી સંભાળનાર પ્રદેશ નેતૃત્વ પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. 2014 લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પર ચૂંટણી લડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મકસૂદ બેગ મિર્ઝા કોંગ્રેસના કોઈ સામાન્ય કાર્યકર્તા નથી, પરંતુ તેઓ અગાઉ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. પક્ષમાં લાંબો સમય વિતાવનાર અને જમીની સ્તરે મજબૂત પકડ ધરાવતા સુરતના નવસારી રોડ, લીંબાયત-ઉધના વિસ્તારના આ નેતાના આવા બળવાખોર વલણથી સ્થાનિક સંગઠનમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
Read Original Article →