મોદીનું કેનવાસ પ્લેકાર્ડથી સ્વાગત કરાશે:મોદીની જાહેર સભામાં નજીકમાં રહેતાં કાર્યકરોએ સાઈકલ અથવા ઈ-વ્હીકલ પર અને દૂર રહેતા લોકોને બસમાં આવવા આદેશ કરાયો

Gujarat6/3/2026, 12:05:59 AM
આગામી 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. ડાયમંડ સિટી સુરતને પીએમ મોદી રૂ. 18 હજાર કરોડનાં વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે, જેમાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ નિમિત્તે ભવ્ય જાહેર સભાનું આયોજન પણ કરાયું છે. જો કે, આ વખતે મોદીની મુલાકાત માત્ર વિકાસ કાર્યો પૂરતી સીમિત ન રહેતા, રાજકીય મોરચે પર્યાવરણના બહુમોટા મેસેજ તરીકે પણ ઉભરી આવી છે. વિશ્વ પર્યાવરણ દિવસના વિશિષ્ટ અવસરને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જાહેર સભામાં આવનારા તમામ નગરસેવકો, રાજકીય હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને અન્ય આમંત્રિતોને એવી અપીલ કરવામાં આવી છે કે તેઓ સભાસ્થળે ક્યાં તો સાઈકલ પર આવે અથવા ઇલેક્ટ્રિક વાહન (EV)નો ઉપયોગ કરે. આ ઉપરાંત સભા સ્થળના નિયત પાર્કિંગ એરિયામાં વાહન પાર્ક કર્યા બાદ દરેક સદસ્યએ પગપાળા જ સ્ટેડિયમમાં પ્રવેશ કરવો પડશે. શહેર ભાજપના ઈતિહાસમાં આ પ્રકારનો સામૂહિક ગ્રીન પ્રોટોકોલ પ્રથમ વખત જોવા મળશે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોરની ક્ષમતા મુજબ અંદાજે 7 હજાર લોકો ઉપસ્થિત રહેશે. વોર્ડ દીઠ માત્ર 2-3 જ વિશિષ્ટ કેનવાસ પ્લેકાર્ડ લાવવા સૂચના સામાન્ય રીતે વડાપ્રધાનની મુલાકાત વખતે આખું શહેર પીએમના વિશાળ હોર્ડિંગ્સ અને પ્લાસ્ટિકના ફ્લેક્સ બેનરોથી ઉભરાઈ જતું હોય છે. આ વખતે પર્યાવરણની જાળવણીના ભાગરૂપે મોદીનાં જાહેર હોર્ડિંગ્સ લગાવવામાં નહીં આવે. તેના બદલે પર્યાવરણને અનુકૂળ એવા અસલ કેનવાસ મટિરિયલ પર પ્રિન્ટ કરેલા પ્લેકાર્ડનો ઉપયોગ થશે. સભામાં દરેક વોર્ડ દીઠ માત્ર 2-3 વિશિષ્ટ કેનવાસ પ્લેકાર્ડ લાવવાની સૂચના અપાઈ છે, જેથી પ્રચાર પણ થાય અને પર્યાવરણને નુકસાન કરતો કચરો પણ ન થાય. કાર્યક્રમ માટે પાલિકાની સિટી ઇ-બસો પણ ફાળવાશે સુરત મહાનગર પાલિકાની જાહેર પરિવહન સેવામાં 450થી વધુ ઇલેકટ્રીક બસો દોડે છે. પી.એમના કાર્યક્રમમાં સાયકલ કે ઇવી વાહનોમાં જવા અપીલ કરાઇ છે ત્યારે મનપાની ઇલેકટ્રીક બસો પણ પી.એમના કાર્યક્રમ માટે ફાળવવાનો નિર્ણય લેવાયો છે. જો કે, કેટલી બસો ફાળવવી તે હજુ નક્કી નથી. દેશભરમાં મજબૂત પોઝિટિવ મેસેજ જાય તેવું આયોજન 18 હજાર કરોડના મહાકાય પ્રોજેક્ટ્સ સરકારની પ્રગતિની ગતિ દર્શાવે છે, પરંતુ તેની સાથે મોદીની આ સભાને સંપૂર્ણપણે પર્યાવરણપૂરક બનાવીને ભાજપે મોટો રાજકીય માઈલેજ લેવાનો પ્રયાસ કર્યો છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના આ યુગમાં સુરતમાંથી દેશભરમાં એક મજબૂત પોઝિટિવ મેસેજ જાય તેવું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે.
Read Original Article →