રહેણાંક વિસ્તારમાં શાળા શરૂ થતા મહિલાઓ રસ્તા પર ઉતરી:મોટા વરાછાની મારૂતિધામ સોસાયટીમાં રહેણાંક નિયમો નેવે મૂકી પ્રી-પ્રાયમરી સ્કૂલ શરૂ કરાયાનો આક્ષેપ

Gujarat6/9/2026, 2:57:32 PM
રહેણાંક વિસ્તારમાં શાળા શરૂ થતા મહિલાઓ રસ્તા પર ઉતરી:મોટા વરાછાની મારૂતિધામ સોસાયટીમાં રહેણાંક નિયમો નેવે મૂકી પ્રી-પ્રાયમરી સ્કૂલ શરૂ કરાયાનો આક્ષેપ
સુરત શહેરના કતારગામ-મોટા વરાછા વિસ્તારમાં સરકારી નિયમો અને સ્થાનિક રહીશોની શાંતિને નેવે મૂકીને રહેણાંક વિસ્તારમાં વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ કરવાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. મોટા વરાછા ખાતે આવેલી મારૂતિધામ સોસાયટી (વિભાગ-૨) માં નિયમો વિરુદ્ધ પ્રી-પ્રાયમરી સ્કૂલ શરૂ કરવાના નિર્ણય સામે સ્થાનિક રહીશો, ખાસ કરીને મહિલાઓએ મોરચો માંડ્યો છે. સોસાયટીની બહેનોએ હાથમાં લેખિત ફરિયાદોની નકલો રાખીને પ્રશાસન અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. મામલો એટલો ગંભીર બન્યો હતો કે ઘટનાસ્થળે પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી, તેમ છતાં સ્થાનિકોનો આક્રોશ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે સ્કૂલ શરૂ કરાયાનો આક્ષેપ મારૂતિધામ સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, આ સોસાયટી સંપૂર્ણપણે રહેણાંક હેતુ (રેસિડેન્શિયલ) માટે બનાવવામાં આવી છે. અહીં વ્યાપારી ધોરણે પ્રી-પ્રાયમરી સ્કૂલ શરૂ થવાને કારણે રોજબરોજ સેંકડો વાહનોની અવરજવર વધશે, જેનાથી નાના બાળકોની સુરક્ષા જોખમાશે અને સોસાયટીની શાંતિ જોખમાશે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આવી પ્રવૃત્તિઓ તદ્દન ગેરકાયદેસર છે અને તેનાથી આખા વિસ્તારનું વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. અન્યાય સામે અવાજ ઉઠાવતા સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે, તેઓએ આ સ્કૂલ સામે કાયદેસરની લડત શરૂ કરી છે. આ અંતર્ગત સુરત મહાનગરપાલિકા (SMC) ના કમિશનર, સંબંધિત ઝોનલ ઓફિસ, સ્થાનિક વોર્ડના કોર્પોરેટરો તેમજ વિસ્તારના ધારાસભ્ય સુધી લેખિતમાં નોટિસો આપીને રજૂઆતો કરવામાં આવી છે. સામાન્ય નાગરિકોની સુરક્ષા અને શાંતિની ચિંતા કરવાને બદલે આ તમામ લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓએ મૌન સેવી લીધું છે અને રહીશોની રજૂઆતને કચરાપેટીમાં નાખી દીધી છે. સુરત મનપાના અધિકારીઓ સામે આક્ષેપ સોસાયટીની બહેનોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. મહિલાઓનો આરોપ છે કે જ્યારે તેઓ આ ગેરકાયદેસર સ્કૂલ બંધ કરાવવાની ન્યાયિક માંગ સાથે SMC અધિકારીઓને રજૂઆત કરી ત્યારે સ્કૂલ સંચાલકો સામે પગલાં લેવાને બદલે રહીશોને જ ધમકાવવાનું શરૂ કર્યું હતું. અધિકારીઓએ ઉદ્ધત વર્તન કરતા રહીશોને એવું કહીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો કે, તમારી આખી સોસાયટી જ ગેરકાયદેસર છે હાલમાં સોસાયટીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પોલીસની હાજરી હોવા છતાં સ્થાનિકો પાછળ હટવા તૈયાર નથી. રહીશોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી આ ગેરકાયદેસર સ્કૂલ બંધ કરવામાં નહીં આવે અને સુરત મનપા માફી નહીં માંગે, ત્યાં સુધી તેમનો આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનશે. સ્થાનિકે જણાવ્યું હતું કે, મારૂતિધામ સોસાયટી મોટા વરાછા, વિભાગ 2 માં રહું છું. અને મારી સોસાયટીની એક રેસિડેન્સ માટે બનેલી છે. પણ તેમ છતાં તેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ અનલીગલી થવા માંડી છે. અને એ માટે અમે એનો વિરોધ કરવા માટે ઘણી જગ્યાઓ ઉપર એટલે જે SMCમાં કમિશનર છે એને, અને ઝોન ઓફિસ ધારાસભ્યને, બધાને અમે નોટિસો આપેલી છે. પરંતુ કોઈએ અમને રિસ્પોન્સ આપ્યો નથી. હવે અમે SMC માં જ્યારે ગયા, ત્યારે પણ તેણે તે લોકોએ અમને રિસ્પોન્સ આપવાની જગ્યાએ ઉલ્ટાનું અમને એવું કીધું કે તમારી પણ સોસાયટી અનલીગલી છે, એમ કરી અમે તમારી સોસાયટી પણ પાડી નાખશું, એવું પણ અમને તે લોકોએ કીધેલું છે
Read Original Article →