લવ મેરેજના 3 મહિનામાં જ પત્નીની હત્યાનું ષડયંત્ર:લિંબાયત પોલીસે નીલગીરી મેદાનમાંથી ગેરકાયદેસર તમંચો જપ્ત કર્યો, પતિ હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલો હિસ્ટ્રીશીટર
સુરત શહેરમાં લિંબાયત પોલીસની સતર્કતાને કારણે પત્નીની હત્યાનું એક મોટું અને ખૌફનાક ષડયંત્ર નિષ્ફળ ગયું છે. લગ્નના માત્ર ૩ મહિનામાં જ શરૂ થયેલા ઘરકંકાસથી કંટાળીને પોતાની પત્નીને મોતના ઘાટ ઉતારવા માટે એક રીઢા ગુનેગારે દેશી તમંચો ખરીદીને જમીનમાં દાટી રાખ્યો હતો. પોલીસે બાતમીના આધારે મધ્યરાત્રિએ આરોપીની ધરપકડ કરી, નીલગીરી મેદાન ખાતે જમીન ખોદાવીને હથિયાર જપ્ત કર્યું છે. હથિયાર સાથે શખ્સ ફરતો હોવાની બાતમી મળી
લિંબાયત પોલીસ મથકના પીઆઈ ડી. ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ નાઈટ પેટ્રોલિંગની ટીમ વહેલી સવારે આશરે 5 વાગ્યાના સુમારે સઘન ચેકિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક શંકાસ્પદ શખ્સ કમરના ભાગે ઘાતક હથિયાર ભરાવીને લિંબાયતની ગલીઓમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપવા ફરી રહ્યો છે. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને શંકાસ્પદ યુવકને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. નીલગીરી મેદાનમાંથી પોલીસે દેશી તમંચો રિકવર કર્યો
પોલીસ સ્ટેશને લાવી કડક પૂછપરછ કરાતા આરોપીએ કબૂલ્યું હતું કે તેણે મોટી વારદાતને અંજામ આપવા હથિયાર લાવ્યો હતો અને પકડાઈ જવાના ડરથી તેને લિંબાયતના નીલગીરી મેદાનમાં જમીનની અંદર ખાડો ખોદીને દાટી દીધું હતું. લિંબાયત પોલીસ પંચોને સાથે રાખીને આરોપી સમીર શાહને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને તેની હાજરીમાં જમીન ખોદાવીને ગેરકાયદેસર દેશી તમંચો રિકવર કર્યો હતો. લવ મેરેજના ટૂંકા ગાળામાં જ કલેશ અને હત્યાનો પ્લાન
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી સમીર શાહ ઉર્ફે રાશીદ શાહે આશરે 3 મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા. તેની પત્ની પણ લિંબાયત વિસ્તારમાં જ રહે છે. જો કે, લગ્નજીવનના શરૂઆતના દિવસોથી જ બંને વચ્ચે ગંભીર વૈચારિક મતભેદો અને રોજ-રોજનો ઘરકંકાસ શરૂ થઈ ગયો હતો. આ રોજિંદી તકરારથી ઉશ્કેરાઈને આરોપી માનસિક આવેશમાં આવી ગયો હતો અને પોતાની જ પત્નીની હત્યા કરવાના ઇરાદે આ હથિયાર લાવ્યો હતો. આરોપી હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલો હિસ્ટ્રીશીટર
પકડાયેલો આરોપી સમીર શાહ કોઈ સામાન્ય યુવક નથી પરંતુ વિસ્તારનો રીઢો ગુનેગાર છે. આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2024માં સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લોહીયાળ હુમલો કરવા બદલ (હત્યાની કોશિશ - Attempt to Murder) નો ગંભીર ગુનો દાખલ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ જીપી એક્ટ કલમ 135 (જાહેરનામા ભંગ અને ગેરકાયદેસર હથિયાર રાખવા) હેઠળ પણ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસની આગળની કાર્યવાહી અને રિકન્સ્ટ્રકશન
પીઆઈ ચૌહાણે જણાવ્યું કે, ધરપકડ દરમિયાન તમંચો મળી આવ્યો હતો, પરંતુ તેની અંદર કોઈ લાઈવ રાઉન્ડ (કારતૂસ) મળ્યા ન હોવાથી આરોપીએ કારતૂસ ક્યાં છુપાવ્યા છે તેની તપાસ માટે ઘટનાસ્થળે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું છે. લિંબાયત પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે, જેથી આ હથિયાર સપ્લાય કરનારી ગેંગના મૂળ સુધી પહોંચી શકાય.
Read Original Article →