મિત્રોએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો:લિંબાયતમાં પૈસાની લેતી-દેતીમાં યુપીના 3 યુવકે મિત્રને ગળા અને પગના ભાગે ઘાતકી ઘા ઝીંકી વેર વાળ્યું

Gujarat5/16/2026, 5:17:43 AM
મિત્રોએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો:લિંબાયતમાં પૈસાની લેતી-દેતીમાં યુપીના 3 યુવકે મિત્રને ગળા અને પગના ભાગે ઘાતકી ઘા ઝીંકી વેર વાળ્યું
સુરતના લિંબાયતમાં નજીકના મિત્રોએ જ પોતાના એક જૂના મિત્રની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. લિંબાયતના મારુતિનગર પાસે આવેલા ‘હિંદ ટી સેન્ટર’ નામના ચાના ગલ્લા પર સાંજના સમયે બનેલી આ લોહિયાળ ઘટનામાં લિંબાયત પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ચાની દુકાને બેઠેલા 26 વર્ષીય આસિફખાન પઠાણ નામના યુવક પર અચાનક ત્રાટકેલા ત્રણ હુમલાખોરોએ જાહેરમાં જ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યાનું મુખ્ય કારણ નાણાકીય વ્યવહારો અને જૂની અદાવત પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ નાણાકીય વ્યવહારો અને જૂની અદાવત હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે. મૃતક આસિફખાન અને હુમલો કરનાર ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના વતની હતા અને સુરતમાં સાથે રહીને વેલ્ડિંગનું કામ કરતા હોવાથી તેમની વચ્ચે મિત્રતા હતી. જો કે, અગાઉ તેમની વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે ઉગ્ર બોલાચાલી અને ભારે મારીમારી થઈ હતી. ત્રણેય આરોપીઓ બદલો લેવાની ફિરાકમાં હતા આ નાણાકીય વિવાદ એટલો વણસ્યો હતો કે વર્ષ 2025માં મૃતક આસિફ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ જ જૂના ઝઘડાની અને પોલીસ કેસની રીસ મનમાં રાખીને, ત્રણેય આરોપીઓ આસિફ પાસેથી બદલો લેવાની ફિરાકમાં ફરતા હતા. ગત 13 મે 2026ના રોજ આ આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો અને આરોપીઓએ આસિફને એકલો જોઈ તેને કાયમ માટે પતાવી દેવાનો પ્લાન બનાવી લીધો હતો. આસિફ ચા પીતો હતો ત્યાં ત્રણેય હથિયારો સાથે તૂટી પડ્યા ઘટનાની વિગત એવી છે કે 13 મે 2026ના રોજ અંદાજે સાંજના 5 વાગ્યાના અરસામાં, 26 વર્ષીય આસિફખાન ઇશરતખાન પઠાણ (રહે. ગોવિંદનગર, લિંબાયત) મારુતિનગર પાસે આવેલી હિંદ ટી સેન્ટર નામની ચાની દુકાન પર બેઠો હતો અને ચા પી રહ્યો હતો. આ દરમિયાન અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા ત્રણેય આરોપીઓ તીક્ષ્ણ અને જીવલેણ હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા. કંઈ પણ સમજાય તે પહેલાં જ, ત્રણેય નરાધમોએ આસિફ પર એકસાથે તૂટી પડીને આડેધડ ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. આસિફના શરીરે અસંખ્ય ઘા માર્યા હુમલાખોરોએ આસિફના બંને પગ, બંને હાથ, કપાળ, પીઠ અને ખાસ કરીને ગળાના ભાગે ઉપરાઉપરી અસંખ્ય ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં આસિફ ત્યાં જ ઢળી પડ્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા આસિફને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ ગુનો હત્યામાં પરિવર્તિત થયો હતો. 3 આરોપીની ધરપકડ આ મર્ડર કેસમાં લિંબાયત પોલીસે જે ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, તેઓ તમામ મૃતકના ગામની આસપાસના જ વતની છે અને સુરતમાં મજૂરી કામ કરતા હતા. ગણતરીના કલાકોમાં લિંબાયત પોલીસની કાર્યવાહી આ જઘન્ય હત્યાના બનાવ બાદ મૃતક આસિફના સગા મામા જાફરઅલી મહોબતઅલી શેખ (ઉ.વ. 45, ધંધો- વેલ્ડિંગ, રહે. પદ્માવતી સોસાયટી, લિંબાયત) એ લિંબાયત પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને લિંબાયત પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમના સ્ટાફ દ્વારા તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને વર્કઆઉટ શરૂ કર્યું હતું. ગણતરીના કલાકોમાં જ પોલીસે લિંબાયત અને આસપાસના વિસ્તારોમાંથી ત્રણેય આરોપીઓ કલીમુદ્દીન, મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદની ઘેરાબંધી કરીને ધરપકડ કરી લીધી હતી અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. કોર્ટ કાર્યવાહી, રિમાન્ડની માંગણી અને આગળની પોલીસ તપાસ ત્રણેય આરોપીઓને આજે લિંબાયત પોલીસ દ્વારા સુરતની નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ગુનાની ગંભીરતા અને કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા કોર્ટ પાસે આરોપીઓના વધુ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. એસીપી વી. એમ. જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ હત્યાકાંડમાં અન્ય કોઈ સ્થાનિક શખ્સોની સંડોવણી છે કે કેમ, તેમજ હત્યામાં વપરાયેલા ઘાતક હથિયારો આરોપીઓ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, વર્ષ 2025ના ગુના બાદ આરોપીઓએ હત્યાનું આખું ષડયંત્ર કેવી રીતે રચ્યું તેની કડીઓ મેળવવા પોલીસ કસ્ટડી રિમાન્ડ ખૂબ જ જરૂરી છે. હાલમાં લિંબાયત પોલીસ આ કેસના તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
Read Original Article →