બેફામ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી:લસકાણામાં 3 દિવસ દરમિયાન જાહેરનામાનો ભંગ કરનારા 43 ટ્રક જપ્ત, વરાછામાં મંત્રીની કાર પર માટી પડ્યા બાદ મામલો ગરમાયો હતો

Gujarat5/19/2026, 1:03:57 PM
બેફામ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી:લસકાણામાં 3 દિવસ દરમિયાન જાહેરનામાનો ભંગ કરનારા 43 ટ્રક જપ્ત, વરાછામાં મંત્રીની કાર પર માટી પડ્યા બાદ મામલો ગરમાયો હતો
સુરત શહેરમાં ટ્રાફિક નિયમો અને જાહેરનામાનો ભંગ કરતા ભારે વાહનો સામે લસકાણા પોલીસે લાલ આંખ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાના આદેશ બાદ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે શહેરમાં ખાસ ડ્રાઇવ યોજીને છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જાહેરનામાનો ભંગ કરનારા 43 ટ્રકોને જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. મંત્રીની કાર પર માટી પડતાં મામલો ગરમાયો હતો આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વરાછા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન રોડ પરથી પસાર થતી એક ટ્રકમાંથી તેમની કાર ઉપર માટીના ઢગલા પડ્યા હતા. આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને મંત્રીએ લસકાણા પોલીસને તાત્કાલિક ધોરણે તપાસ કરી કડક પગલાં ભરવા સૂચના આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, રોડ પર તાડપત્રી ઢાંક્યા વગર બેફામ દોડતી ટ્રકોમાંથી માટી અને ધૂળના રજકણો ઉડતા રહે છે, જેના કારણે પાછળ આવતા અન્ય વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે અને તેમના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડે છે. લસકાણા પોલીસની ખાસ ડ્રાઇવ અને કડક કાર્યવાહી મંત્રીની કડક સૂચના મળતાની સાથે જ સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ લસકાણા પોલીસે શહેરમાં એક વિશેષ ઝુંબેશ (ખાસ ડ્રાઇવ) શરૂ કરી દીધી હતી. નિયમોનું ઉલ્લંઘન કરીને રોડ પર નીકળેલા ડમ્પર અને ટ્રકોને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. પોલીસે માત્ર 3 જ દિવસની અંદર જાહેરનામાનો ભંગ કરવા બદલ 43 વાહનો વિરુદ્ધ કાયદેસરના કેસ દાખલ કરી તમામ વાહનો જપ્ત કરી લીધા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પીઆઈ મીનાબા ઝાલાની વાહનચાલકોને ચેતવણી આ અંગે લસકાણા પોલીસ સ્ટેશનના PI મીનાબા ઝાલાએ જણાવ્યું હતું કે, "સુરત શહેરમાં પ્રવેશતા અને પરિવહન કરતા ભારે વાહનો જો જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. બેફામ દોડતા વાહનોને કારણે અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે. રેતી કે માટી ભરીને જતા ટ્રકો પર લીલું કાપડ કે તાડપત્રી બાંધવી નિયમ મુજબ ફરજિયાત છે. જો વાહનચાલકો નિયત સમય મર્યાદા અને નિયમોનું પાલન નહીં કરે, તો આગામી દિવસોમાં પણ પોલીસ આ જ રીતે દંડાત્મક અને કાયદેસરના પગલાં ભરવાનું ચાલુ રાખશે."
Read Original Article →