ખજોદના કચરાના ડુંગરમાં ફરી આગ:ધખધખતી ડિસ્પોઝલ સાઈટ પર ધુમાડા, બે અઠવાડિયા પહેલાં લાગેલી આગ સંપૂર્ણપણે શાંત થઈ નથી!
સુરત શહેર માટે ખજોદ સ્થિત ડમ્પિંગ સાઈટ ફરી એકવાર માથાનો દુખાવો બની છે. છેલ્લા બે અઠવાડિયાથી ધખધખતી ડિસ્પોઝલ સાઈટ પર આજે કચરો ઉલેચવાની કામગીરી દરમિયાન ફરીથી આગ લાગી હોવાના ધુમાડા નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક તરફ ફાયર ફાઈટરો આગ બુઝાવવા મથામણ કરી રહ્યા છે, તો બીજી તરફ આ આગને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વિપક્ષે આ ઘટનાને કચરા કૌભાંડ ગણાવી એજન્સી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી
મળતી માહિતી મુજબ, સુરત મનપાની ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર જમા થયેલા લાખો ટન કચરાના નિકાલ માટે હાલમાં લેગસી વેસ્ટ રેમીડિએશનની કામગીરી ચાલી રહી છે. આજે જ્યારે મશીનરી દ્વારા કચરો ઉલેચવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે અંદર દબાયેલો ગેસ અને ગરમીને કારણે અચાનક ધુમાડો નીકળ્યો હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે સતત પાણીનો મારો ચાલુ છે. બે અઠવાડિયા પહેલાં લાગેલી આગ સંપૂર્ણપણે શાંત થઈ નથી!
આશ્ચર્યની વાત એ છે કે, આ કોઈ નવી ઘટના નથી. છેલ્લા બે અઠવાડિયા અગાઉ ખજોદ સાઈટ પર ભીષણ આગ લાગી હતી, જે હજુ સુધી સંપૂર્ણપણે શાંત થઈ નથી. કચરાના ઢગલા નીચે સતત ધુમાડા નીકળતા રહે છે. ફાયર વિભાગે અગાઉ પણ 4 દિવસ સુધી મહેનત કરીને આગ કાબૂમાં લીધી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આજે લાગેલી આગે પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઝેરી ધુમાડો ફેલાતા સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. વિપક્ષ આ વાત માનવા તૈયાર નથી
ડમ્પિંગ સાઈટ પર અવારનવાર લાગતી આગ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનરે અગાઉ ખુલાસો કર્યો હતો કે, વર્ષો જૂના કચરાના ઢગલામાં મિથેન ગેસ પેદા થતો હોય છે. ઉનાળાની ગરમીમાં આ ગેસને કારણે 'સ્વયંભૂ દહન' જેવી પ્રક્રિયા થાય છે, જે ટેકનિકલી રોકવી મુશ્કેલ છે.
જોકે, વિપક્ષ આ વાત માનવા તૈયાર નથી. નિષ્ફળતા છુપાવવા માટે આગનો સહારો-વિપક્ષ
વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ આગ કુદરતી નથી, પણ લગાડવામાં આવી છે. વિપક્ષના જણાવ્યા અનુસાર, કચરાના નિકાલ માટે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આગનો સહારો લઈ રહી છે. જો કચરો બળી જાય, તો તેને પ્રોસેસ કરવાની જરૂર રહેતી નથી અને એજન્સીને બેઠો ફાયદો થાય છે તેવો ગંભીર આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. કચરાને સેગ્રીગેટ કરીને તેનો નિકાલ કરવાનો 231 કરોડનો કોન્ટ્રાક્ટ
સુરત મહાનગરપાલિકાએ ખજોદ ખાતેના લેગસી વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એક ખાનગી એજન્સીને અંદાજે 231 કરોડનો
કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એજન્સીએ કચરાને સેગ્રીગેટ કરીને તેનો નિકાલ કરવાનો હોય છે. કચરો સળગવાથી પ્રદૂષણ વધ્યું
ખજોદમાં લાગેલી આગ માત્ર રાજકીય મુદ્દો નથી, પણ પર્યાવરણીય આપત્તિ પણ છે. કચરો સળગવાથી ડાયોક્સિન અને ફ્યુરાન જેવા ઝેરી વાયુઓ હવામાં ભળે છે, જે કેન્સર જેવી બીમારીઓ માટે જવાબદાર હોઈ શકે છે. વેસુ, મગદલ્લા અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકો આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે.
Read Original Article →