સંકલન બેઠકમાં ધારાસભ્યોએ વહીવટી તંત્રને ઘેર્યું:અનાજ ચોરતા રેશનિંગ દુકાનદારોના લાયસન્સ રદ કરવા, ઉધનામાં કેમિકલના ધુમાડા ઓકતી મિલો સામે કાર્યવાહીની માગ
સુરત જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આજે નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક જનતાને સ્પર્શતા પ્રશ્નો મુદ્દે ધારાસભ્યો ભારે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ખાસ કરીને ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુભાઈ પટેલે ગરીબ અને શ્રમિક પરિવારોના હક્ક પર ત્રાપ મારતા વ્યાજબી ભાવની દુકાનદારો સામે મોરચો માંડ્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે ઉધના વિસ્તારની કેટલીક રેશનિંગ દુકાનોમાં ગરીબ પરિવારોને નિયમ મુજબનું અનાજ ઓછું આપીને કાળાબજારી કરવામાં આવી રહી છે. ગરીબોના પેટ પર લાત મારતા આવા તત્વો સામે માત્ર દંડ નહીં, પરંતુ સીધા જ તેમના પરવાના (લાયસન્સ) રદ કરવાની કડક માંગ ધારાસભ્યે કરી હતી, જેને પગલે અધિક કલેક્ટરે પુરવઠા વિભાગને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ખજોદ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર બોરિંગ
બેઠકમાં ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઈ અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલે જમીનમાંથી ગેરકાયદેસર રીતે પાણી ઉલેચતા માફિયાઓનો મુદ્દો પણ ગંભીરતાથી ઉઠાવ્યો હતો. સંદિપ દેસાઈએ જણાવ્યું કે ખજોદ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે બોરિંગ કરીને ભૂગર્ભ જળ ખેંચવામાં આવી રહ્યું છે, જેના કારણે પર્યાવરણ અને સ્થાનિક જળસ્તરને મોટું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ, મનુભાઈ પટેલે પણ ઉધના અને પાંડેસરા વિસ્તારમાં જમીનમાંથી ગેરકાયદેસર બોરિંગ દ્વારા પાણી ખેંચીને ટેન્કરો સપ્લાય કરવાનું મોટું નેટવર્ક સક્રિય હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ રજૂઆતોને પગલે તંત્ર દ્વારા ગેરકાયદે બોરિંગ કરનારાઓ વિરૂદ્ધ સીલિંગ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. ઉધના-પાંડેસરામાં મિલોની ચીમનીઓથી પ્રદૂષણ
ઔદ્યોગિક પ્રદૂષણના કારણે સ્થાનિક રહીશોના આરોગ્ય સામે ઉભા થયેલા જોખમ અંગે ધારાસભ્ય મનુભાઈ પટેલે બેઠકમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉધના અને પાંડેસરા વિસ્તારમાં આવેલી વિવિધ મિલોની ચીમનીઓમાંથી નીકળતા કાળા ધુમાડા અને કેમિકલ યુક્ત ડસ્ટ (રજકણો) સીધા આસપાસની રહેણાંક સોસાયટીઓમાં ફેલાય છે. આ પ્રદૂષિત હવાના કારણે સ્થાનિક નાગરિકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો શ્વાસની ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. તેમણે તમામ મિલોની ચીમનીઓ પર ફરજિયાત એર ફિલ્ટર લગાવવા માટે કડક નિયમો લાગુ કરવાની રજૂઆત કરી હતી. આ અંગે નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ના અધિકારીઓને તાકીદે ઘટનાસ્થળે વિઝીટ કરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. ભાટપોર ખાતે નવું પોલીસ ભવન બનશે
ધારાસભ્ય સંદિપ દેસાઈએ સુરતની કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે ભાટપોર જીઆઈડીસીમાં વર્ષ 2021માં ફાળવાયેલી જમીન પર વહેલી તકે પોલીસ ભવન નિર્માણ કરવાની રજૂઆત કરી હતી. આ ભવનમાં ડેપ્યુટી કમિશનર (DCP), આસિસ્ટન્ટ કમિશનર (ACP) તેમજ ટ્રાફિક વિભાગની મહત્વની કચેરીઓનો સમાવેશ કરવા જણાવાયું છે. સાંજ કલાકમાં ભારે વાહનો પર પ્રતિબંધની તૈયારી
આ ઉપરાંત, ઈચ્છાપોર, હજીરા અને ભેંસાણ રોડના સર્વિસ રોડ પર લાંબા સમયથી બિનવારસી ખડકાયેલા વાહનો હટાવી પાર્કિંગ પ્લાન બનાવવા જણાવ્યું હતું. સૌથી મહત્વની બાબત એ છે કે, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરિયાતોની સલામતી માટે નેશનલ અને સ્ટેટ હાઈવે પર સાંજે 5:15 થી 6:45 દરમિયાન ભારે વાહનોની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સ્વીકારીને પોલીસ વિભાગ ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડશે તેમ જણાવ્યું હતું. તહેવારો અને સામાન્ય દિવસોમાં વાસી તેલનું વેચાણ: ફુડ વિભાગે 1100થી વધુ સેમ્પલ લીધા
શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે સુરત શહેરમાં ખાણી-પીણીની લારીઓ, રેસ્ટોરન્ટ્સ અને ફરસાણના વેપારીઓ એકનું એક તેલ વારંવાર ઉકાળીને વાપરે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક અને કેન્સર જેવી બીમારીઓને નોતરનારું છે. આ રજૂઆતના જવાબમાં સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, તંત્ર સતેજ છે અને છેલ્લા દોઢ મહિનામાં જ અલગ-અલગ વિસ્તારોમાંથી 1100થી વધુ ખાદ્ય સામગ્રીના સેમ્પલો લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ કરી કડક દંડનીય પગલાં લેવાશે. કતારગામમાં ટ્રાફિક નડતા ફૂડ વેન-ફેરિયાઓ સામે ડ્રાઈવ અને અંજની ઇન્ડસ્ટ્રીઝમાં નાળાનું પહોળીકરણ
ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે વાત કરતા વિનુભાઈ મોરડીયાએ કતારગામ વિસ્તારમાં રસ્તાની આજુબાજુ આડેધડ વાહનો પાર્ક કરીને ફૂડ વેચતા ફેરિયાઓ અને લારીવાળાઓનો મુદ્દો રજૂ કર્યો હતો. જેના કારણે પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ટ્રાફિક પોલીસના અધિકારીએ આ અંગે આગામી દિવસોમાં વિશેષ ડ્રાઇવ યોજી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, અમરોલી નજીક આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કેનાલનું નાળું સાંકડું હોવાથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે, તેથી આ નાળાને પહોળું કરવાની રજૂઆત પર પાલિકાના અધિકારીએ જણાવ્યું કે આગામી ટેન્ડર પ્રક્રિયામાં જ આ કામનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે અને વહેલી તકે કામ શરૂ કરાશે. સરકારી કોલેજ જમીન વિવાદ અને સાયણમાં સુડાના કોમન પ્લોટ પરથી દબાણો હટાવવા આદેશ
સંકલન બેઠકના અંતિમ ચરણમાં અન્ય ધારાસભ્યોએ પણ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે તેમના વિસ્તારમાં સરકારી કોલેજ બનાવવા માટે ફાળવવામાં આવેલી જમીનમાં ટેકનિકલ ક્વેરી આવી હોવાનું જણાવી તેના ઝડપી ઉકેલ માટે રજૂઆત કરી હતી જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય વહેલું શરૂ થઈ શકે. તો બીજી તરફ ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે સાયણ વિસ્તારમાં સુડા (SUDA) અંતર્ગત આવતી બિનખેતીની જમીનો પર થયેલા ગેરકાયદેસર બાંધકામો અને કોમન પ્લોટ પર પચાવી પાડેલી જગ્યાઓ પરથી દબાણો તાત્કાલિક દૂર કરવા વહીવટી તંત્રને કડક સૂચના આપી હતી. બેઠકમાં હાજર તમામ ઉચ્ચ અધિકારીઓને પ્રશ્નોનું સમયમર્યાદામાં નિવારણ લાવવા અધિક કલેક્ટરે તાકીદ કરી હતી.
Read Original Article →