કતારગામમાં ગંદકી, ગુંડાગીરી અને ભયનું સામ્રાજ્ય!:ગટરના ઢાંકણા તૂટેલા, વીજળીના બોર્ડ ખુલ્લા, ગાર્ડનમાં ન્યુસન્સ; સ્થાનિકોએ રોષ ઠાલવતાં કહ્યું, કોઈ કોર્પોરેટર આવતા જ નથી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલેમાં યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના કતારગામ-વેડ વોર્ડ નં. 7 (કતારગામ ગામ, વેડ રોડ, નંદુ ડોશીની વાડી, ધનામોરાની વાડી)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. વોર્ડ 7ના વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણા અડધા ખુલેલા છે અથવા તૂટેલી હાલતમાં છે. સ્ટ્રીટ લાઈટના પોલ પર વીજળીના બોર્ડ ખુલ્લા લટકી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, તંત્રને અનેક રજૂઆતો છતાં આ બાબતે કોઈ નક્કર કામગીરી થઈ નથી. ગાર્ડનમાં રાત્રિના સમયે પૂરતી લાઈટો ન હોવાનો ફાયદો ઉઠાવી અસામાજિક તત્વો દારૂની મહેફિલો માણે છે. સ્થળ પરથી દારૂની ખાલી બોટલો અને ગ્લાસો પણ જોવા મળ્યા હતાં. સ્થાનિકોએ રોષ ઠાલવતાં કહ્યું, કોઈ કોર્પોરેટર આવતા જ નથી. સુરત મનપામાં ત્રિપાંખિયો જંગ ખેલાવાના એંધાણ
હીરા નગરી સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગવા માંડ્યા છે. ખાસ કરીને કતારગામ વિસ્તાર, જે સુરતના રાજકારણનું એપીસેન્ટર ગણાય છે, ત્યાં અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં તમામ 120 બેઠકો પર કબજો જમાવવા ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાના એંધાણ છે. પરંતુ, આ રાજકીય ખેંચતાણ વચ્ચે કતારગામ વોર્ડ 7ની જનતા અનેક પાયાની સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. 'ગટરના ઢાંકણા બધા જ ખુલ્લા છે'
સ્થાનિક ગીતાબેને જણાવ્યું હતું કે, કમ્પ્લેન કરી હોય તોય કોઈ આવતું નથી અને પ્લસ પાણી તો એકઠામકું આવતું જ નથી, એક ગ્લાસ પાણી જોતું હોય ને તો મોટર ચાલુ કર્યા વગર પાણી આવતું નથી. નીચે ભૂગર્ભ ટાંકામાં એક ગ્લાસ પાણી મોટર ચાલુ કર્યા વગર આવતું નથી. પ્રેશર વગરનું પાણી આવે છે. 'અવારનવાર સોસાયટીના સભ્યો ભટકાતા હોય છે'
સ્થાનિક હિરેન વાઘાણીએ જણાવ્યું હતું કે, એક સમસ્યા એ છે કે, કેટલા ટાઈમથી અમે અહીંયા સ્પીડ બ્રેકરની માંગ કરી છે. અવારનવાર સોસાયટીના સભ્યો ભટકાતા હોય છે, એની જાણ કરેલી છે, છતાં પણ અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવતો નથી. એક ફરિયાદ બીજી કરેલી છે, સામે શાકભાજીવાળાની લાઈનો થાય છે, સવારમાં 7:00 વાગ્યામાં ન્યુસન્સ ફેલાવે છે, એની પણ અરજી કરેલી છે, એનો પણ કોઈ નિકાલ થતો નથી. 'ગાર્ડનમાં રોજ અવારનવાર ન્યુસન્સ થાય છે'
હિરેન વાઘાણીએ કહ્યું કે, અહીંયા ગાડીઓનું પાર્કિંગ થઈ રહ્યું છે, એની પાછળ અહીંયા મજૂરો જે રાત્રે સૂવા આવે છે, તે લોકો અહીંયા બગાડ કરે છે, સંડાસ-જાજરૂ બધું અહીંયા જ કરે છે. એની પણ ફરિયાદ કરેલી છે, એનું પણ નિકાલ નથી થતો. 'આ મેઈન રસ્તો લક્ઝરી માટે કે પ્રાઇવેટ બસ માટેનો નથી'
સ્થાનિક રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આ રસ્તો છે ને એક શેરી પૂરતો છે, મર્યાદિત રસ્તો છે. પણ એમાંથી રાત્રે 9થી 9:30ની આસપાસ દોઢથી બે કલાક સુધી સૌરાષ્ટ્ર ટ્રાવેલિંગની બસો ચાલે છે. જે ક્યારેક ગમે ત્યારે અકસ્માત થવાની પૂરી સંભાવના છે. કારણ કે આ મેઈન રસ્તો લક્ઝરી માટે કે પ્રાઇવેટ બસ માટેનો નથી. ‘લોકો શોર્ટકટ મારવા માટે અહીંયાથી લક્ઝરી બસ કાઢે છે’
સ્થાનિક રાજેશ પટેલે વધુમાં જણાવ્યું કે, કોઈ જાહેર જનતા માટેનો રસ્તો નથી, આ એકદમ સેપરેટ અને શેરી ટાઈપનો રસ્તો છે. પણ આ લોકો શોર્ટકટ મારવા માટે અહીંયાથી લક્ઝરી બસ કાઢે છે. એટલે રિક્વેસ્ટ છે કે ભાઈ અહીંયાથી આ મોટી બસો અને બીજું સ્પીડ બ્રેકર એક પણ નથી, એટલે ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવના વધારે છે. 'એમના ઘરો પચાવી પાડવાની એક ષડયંત્ર ચાલી રહ્યું છે'
વેડ વોર્ડ નંબર 7ના આપની ટિકિટના દાવેદાર ડૉ. પ્રીતિ સદાદિયાએ જણાવ્યું હતું કે, અહીંયા કતારગામ, વેડ વોર્ડ નંબર 7 વિસ્તારની અંદર સૌથી મોટો પ્રશ્ન છે ટીપી રિઝર્વેશનનો. ટીપી 49, 50 અને 51ની અંદર જે રિઝર્વેશનનો સૌથી મોટો પ્રશ્ન છે. એની અંદર એવું છે કે સોસાયટીના લોકોને કોઈ પણ નોટિસ કે જાણ કર્યા વગર એમને ઘર ખાલી કરવાની નોટિસો આપ્યા વગર જ એમની ઉપર ખાલી કરવા માટેના દબાણો કરવામાં આવે છે. ભાજપે પ્રચારના શ્રીગણેશ કર્યા
ભાજપ 'પેજ સમિતિ' અને 'કાર્યકર્તા સંમેલન'ના માધ્યમથી ભાજપ આ વખતે ક્લીન સ્વીપ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન સાથે પ્રચારના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે. 'AAP'એ શેરીએ-શેરીએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું
આમ આદમી પાર્ટી ગત વખતના પ્રદર્શનને જાળવી રાખવા અને બેઠકો વધારવા માટે 'AAP'એ શેરીએ-શેરીએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. લોકોની સ્થાનિક સમસ્યાઓને વાંચા આપી સત્તાધારી પક્ષને ઘેરવાની રણનીતિ અપનાવવામાં આવી છે. કોંગ્રેસ આ વખતે પુનઃપ્રાપ્તિના મૂડમાં
કોંગ્રેસ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાયેલી કોંગ્રેસ આ વખતે પુનઃપ્રાપ્તિના મૂડમાં છે. દાવેદારોની સાંભળવાની પ્રક્રિયા અને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
Read Original Article →