ખાખીની ખુમારી અને માનવતાની મિશાલ:કતારગામમાં પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો કાયદાના રક્ષકો બન્યા 1100 બાળકોના રક્ત-પાલક
સુરતના કતારગામ વિસ્તારમાં તાજેતરમાં આવો જ એક અદભૂત નજારો જોવા મળ્યો, જ્યાં સુરત શહેર ઝોન-3 પોલીસ પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોની વહારે આવવા માટે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કતારગામમાં આયોજિત આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારીથી પીડાતા નિર્દોષ બાળકોને લોહી પૂરૂં પાડવાનો હતો. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જીવવા માટે દર 15-20 દિવસે નવું લોહી ચઢાવવું પડતું હોય છે અને ઉનાળા જેવી ઋતુમાં જ્યારે બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાય છે ત્યારે પોલીસની આ પહેલ આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ કાર્યક્રમની ગંભીરતા અને મહત્વને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતે કેમ્પની મુલાકાત લઈ રક્તદાન કરી રહેલા પોલીસ જવાનો અને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. રોગચાળાઓને લીધે બ્લડની જરૂરિયાત પડતી હોય છે
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં લગભગ આપણા 1100 જેટલા થેલેસેમિયાથી ગ્રસ્ત બાળકો છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ તરફથી થેલેસેમિયાના બાળકો માટે લગભગ 10,000 જેટલા બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવે છે. એના જ ભાગરૂપે અત્યારે તમામ બ્લડ બેંકના હોદ્દેદારો અમે લોકો પાસે આવીને રજૂઆત કરેલી હતી, અત્યારે સમય એવો છે કે જ્યાં બીજા રોગચાળાઓને લીધે બ્લડની જરૂરત પડતી હોય છે, ત્યારે થેલેસેમિયાના બાળકોને પણ તકલીફ પડે છે. સુરત રક્તદાન કેન્દ્ર અને રેડ ક્રોસ બ્લડ બેંકનો સંયુક્ત ઉપક્રમ
જેના લીધે જ અમે લોકો આજે DCP ઝોન-3 ના પોલીસ સ્ટેશનના વિસ્તારના તમામ અમારા અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોના સહયોગથી આજે 1000 જેટલા જો યુનિટ ભેગા કરવા માટે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે. અને આમાં ખાસ કરીને 5 જે બ્લડ બેંકો છે તે રક્ત આપણા થેલેસેમિયાના બાળકોને રક્ત પ્રોવાઈડ કરે છે ફ્રી ઓફ કોસ્ટ, એના સંકલનમાં જેમાં સ્મીમેર હોસ્પિટલ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, આપણા સુરત રક્તદાન કેન્દ્ર અને રેડ ક્રોસ બ્લડ બેંક છે એમના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન છે અને અમારો હંમેશા એક એવો અભિગમ રહે છે કે અમારા જે બાળકો છે એને અમે લોકો એક રીતે બ્લડ માટે દત્તક લીધા છે, તો આ પ્રકારની પ્રક્રિયા દર માસે અમે લોકો કરવાના છીએ. અને અમારા સાતેય પોલીસ ઝોનના ટાર્ગેટ છે આ વખતે 10,000 થી વધુ યુનિટ ભેગા કરીને આપણા બાળકો માટે બ્લડ આપવાના છીએ. અમારા DCP ઝોન-3ને અને એમની આખી ટીમને અભિનંદન પણ આપું છું
મારી આપના થકી લોકોને અપીલ છે કે જ્યારે જ્યારે બ્લડ ડોનેશન કરવામાં આવે ત્યારે વધુમાં વધુ માત્રામાં લોકો આવો, અમારા સહભાગી બનો જેથી એવા બાળકોને અમે લોકો બ્લડ આપીએ જેને આપ પણ નથી ઓળખતા, અમે પણ નથી ઓળખતા અને બાળકો પણ નથી ઓળખતા કે એમના પાસે બ્લડ ક્યાંથી આવ્યું. તો આ સૌથી શ્રેષ્ઠ દાન છે, એના માટે બધાને અપીલ પણ કરું છું અને અમારા DCP ઝોન-3ને અને એમની આખી ટીમને અભિનંદન પણ આપું છું. પોલીસ જનતાની મિત્ર છે
થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે, જેમાં શરીરમાં હિમોગ્લોબિન બનવાની પ્રક્રિયા ખોરવાય છે. સુરત અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં બાળકો આ બીમારીથી પીડાય છે. લોહીની સતત જરૂરિયાતને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર મોટો આર્થિક અને માનસિક બોજ રહે છે. આવા સમયે જ્યારે પોલીસ જેવી સંસ્થા રક્તદાનના કાર્યમાં જોડાય છે ત્યારે સમાજમાં એક સકારાત્મક સંદેશ જાય છે અને લોહીની અછત દૂર કરવામાં મોટી મદદ મળે છે. સુરત પોલીસ દ્વારા ભૂતકાળમાં પણ કોરોના કાળ દરમિયાન લોકોની સેવા કરી હોય કે પછી રસ્તા પર નિરાધાર લોકોની મદદ કરી હોય, હંમેશા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઝોન-3 પોલીસ પરિવારની આ રક્તદાનની પહેલ એ સાબિત કરે છે કે પોલીસ જનતાની મિત્ર છે. કતારગામના આ કેમ્પની સફળતા પાછળ ઝોન-3 ના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની ઘણી મહેનત રહેલી છે.
Read Original Article →