12 લાખ વાહનચાલકોને ક્યારે રાહત મળશે?:કતારગામ-અમરોલી બ્રિજના એક રેમ્પનું ઉતાવળે લોકાર્પણ કરાયું, બીજા રેમ્પની કામગીરી ગોકળગતિએ થતા વિવાદ

Gujarat6/4/2026, 7:33:06 AM
12 લાખ વાહનચાલકોને ક્યારે રાહત મળશે?:કતારગામ-અમરોલી બ્રિજના એક રેમ્પનું ઉતાવળે લોકાર્પણ કરાયું, બીજા રેમ્પની કામગીરી ગોકળગતિએ થતા વિવાદ
સુરત મહાનગરપાલિકાના શાસકોને ઉદ્ઘાટનો અને ફોટો સેશનની કેટલી હદ સુધી ઉતાવળ હોય છે, તેનો જીવંત અને ઉત્કૃષ્ટ દાખલો કતારગામના રત્નમાલા અને ગજેરા જંક્શન બ્રિજની કામગીરી પરથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ગત 22મી જાન્યુઆરી, 2026ના રોજ તંત્ર દ્વારા કાસા નગર જંક્શનથી અમરોલી તરફ જવાના એક તરફના રેમ્પનું ભારે દબદબા સાથે ઉતાવળે ઉદ્ઘાટન તો કરી દેવાયું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, અમરોલીથી પરત ફરતા બીજા રેમ્પનું નિર્માણ કાર્ય હાલ તદ્દન ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ બીજા ભાગની કામગીરી અત્યારે બંધ જેવી હાલતમાં પડી હોવાથી વાહનચાલકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. ડ્રોન શૉટ્સમાં ખુલ્લી પડી અધૂરા કામની વાસ્તવિકતા પાલિકાના દાવાઓ વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદું જ ચિત્ર રજૂ કરે છે. બ્રિજના એક તરફના ભાગનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી તેનું લોકાર્પણ કરીને વાહનો દોડતા કરી દેવાયા છે, જ્યારે એની ઠીક બાજુમાં આવેલા બીજા બ્રિજનું કામ હાલમાં પણ અડધું-અધૂરું લટકી રહ્યું છે. તાજેતરમાં લેવાયેલા ડ્રોન શૉટ્સમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ફ્લાયઓવરના બીજા તરફનો આખો ભાગ અધૂરી હાલતમાં પડ્યો છે. આ આકાશી દ્રશ્યો મનપાના વહીવટી તંત્રની પોલ ખોલી રહ્યા છે અને સાબિત કરે છે કે માત્ર રાજકીય વાહવાહી લૂંટવા માટે અડધા બ્રિજનું લોકાર્પણ કરીને જનતાને અડધી સુવિધાથી સંતોષ માનવા મજબૂર કરાઈ છે. હોળી બાદ કારીગરો પરત ન ફરતા કામગીરી ધીમી પડી હોવાની ચર્ચા બ્રિજની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરી પાછળનું એક મોટું કારણ એ પણ સામે આવ્યું છે કે, હોળીના તહેવાર દરમિયાન કેટલાક કુશળ કારીગરો પોતાના વતન ગયા હતા અને તેમાંથી ઘણા કારીગરો હજુ સુધી પરત ફર્યા નથી. આ માનવબળની અછતના કારણે બ્રિજની કામગીરી પર માઠી અસર પડી હોવાની વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, બીજી બાજુ બ્રિજ સેલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ વાતોને અફવા ગણાવીને આવી કોઈ પણ સમસ્યા હોવાનો સાફ ઈનકાર કરવામાં આવ્યો છે અને કામગીરી નિયમ મુજબ ચાલતી હોવાનો દાવો કરાયો છે. ટ્રાફિક જામની સમસ્યા અને કરોડોનો તોતિંગ ખર્ચ કતારગામ ઝોનમાં કાશાનગરથી ગજેરા સર્કલ સુધીના રોડ પર રોજિંદા ધોરણે ટ્રાફિકની ભારે અવરજવર રહે છે. જેને પગલે ગજેરા સર્કલ અને કાશાનગર ચાર રસ્તા પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ કાયમી સમસ્યા નિવારવા માટે સુરત મનપા દ્વારા કુલ રૂપિયા 62.84 કરોડના તોતિંગ ખર્ચે કાશાનગર પાસે રત્નમાલા સર્કલથી લંકાવિજય ઓવરા સુધી ફ્લાયઓવર બ્રિજ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાંથી રૂપિયા 31.42 કરોડના ખર્ચે કાશાનગરથી અમરોલી તરફ જતા માત્ર 2 લેન ધરાવતા એક તરફના રેમ્પનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરી દેવામાં આવ્યું હતું જેથી વાહનચાલકોને આંશિક રાહત મળી છે. 12 લાખ વાહનચાલકોને ક્યારે મળશે પુરો લાભ? બ્રિજ સેલનો દાવો મનપાના આયોજન મુજબ, આ ફ્લાયઓવર બ્રિજના બંને રેમ્પ સંપૂર્ણપણે કાર્યરત થવાને કારણે અંદાજે 12 લાખ જેટલા વાહનચાલકોનું આવાગમન સુગમ, સુરક્ષિત અને સરળ બનશે, તેમજ તેમના સમય અને ઇંધણની બચત થશે. વિલંબ અંગે બ્રિજ સેલના અધિકારી કરણ ભાવસારે જણાવ્યું હતું કે, "બ્રિજની કામગીરીમાં ગર્ડર લોન્ચિંગનું જે કામ બાકી હતું, તે રાત્રિના સમયે જ કરવું પડે તેમ હતું. હાલ અમારી આ મુશ્કેલ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તમામ 99 એ 99 ગર્ડર સફળતાપૂર્વક ચઢાવી દેવામાં આવ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાત્રિ દરમિયાન ભારે મશીનરીની મદદથી ચાલી રહેલું આ કામ હવે ઝડપથી આગળ વધશે અને આગામી જુલાઈ મહિના સુધીમાં આ બીજા રેમ્પનું મોટાભાગનું કામ પૂરું કરી દેવામાં આવશે.
Read Original Article →