કતારગામમાં 26 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી:દરવાજો ખોલતા જ આક્રંદ છવાયો, પુત્રના પગ પકડી માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા
સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી એક આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. કતારગામની લલિતા ચોકડી પાસે આવેલા લલિતા પાર્કમાં રહેતા એક 26 વર્ષના આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાને કારણે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગે દરવાજો તોડીને અંદર પ્રવેશતા જ યુવકનો મૃતદેહ પંખે લટકતો મળી આવ્યો હતો. આ કરુણ દ્રશ્ય જોતાં જ યુવકની માતા આઘાતમાં સરી પડી હતી અને પુત્રના પગ પકડીને આક્રંદ કરવા લાગી હતી, જેના કારણે ગમગીની વ્યાપી ગઈ હતી. ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
મળતી વિગતો અનુસાર, કતારગામ લલિતા ચોકડી પાસે આવેલી લલિતા પાર્ક સોસાયટીના એક બિલ્ડિંગના ત્રીજા માળે, ફ્લેટ નંબર 409માં આ ઘટના આકાર પામી હતી. 26 વર્ષનો યુવાન ઘરમાં એકલો હતો ત્યારે તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા અને અંદરથી કોઈ પ્રતિભાવ ન મળતા પરિવારજનો અને આસપાસના રહીશો ચિંતામાં મુકાયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક સુરત ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી કે ત્રીજા માળે આવેલ મકાનનો દરવાજો અંદરથી લોક થઈ ગયો છે. માહિતી મળતાની સાથે જ કતારગામ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ત્રીજા માળે પહોંચીને આધુનિક સાધનોની મદદથી મકાનનો દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને ફાયરના જવાનો અને હાજર લોકોના કાળજા કંપી ગયા હતા. પુત્રને ગળેફાંસો ખાઘેલી હાલતમાં જોઈ માતાનું આક્રંદ
જેવો દરવાજો ખુલ્યો અને પુત્રને આ હાલતમાં જોયો, તે સાથે જ હાજર માતા પર જાણે આભ તૂટી પડ્યું હતું. પોતાના જુવાનજોધ દીકરાને આ સ્થિતિમાં જોઈને માતા ચોધાર આંસુએ રડી પડી હતી. તે દોડીને પોતાના મૃત પુત્રના પગ પકડીને જમીન પર બેસી ગઈ હતી અને આક્રંદ સાથે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. માતાની આ આર્તનાદ સાંભળીને ત્યાં હાજર પાડોશીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. કતારગામના આ પરિસરમાં ક્ષણભરમાં જ માતમ છવાઈ ગયો હતો અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. યુવક મૃત હાલતમાં મળી આવતા ફાયર વિભાગે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ઘટનાની ગંભીરતા વિશે માહિતગાર કર્યા હતા. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પંચનામું કરીને યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો . અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →