વેક્સ બનાવતી કંપનીમાં ભીષણ આગ, મેજરકોલ જાહેર:કલોલના સાંતેજ પાસે આવેલી છે 'ફેઈથ' કંપની, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ
કલોલના સાંતેજ વિસ્તારમાં આવેલી ‘ફેઈથ’ નામની વેક્સ બનાવતી ફેક્ટરીમાં આજે ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ છે કે તેને ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે. ભીષણ આગના કારણે દૂર દૂરથી ધુમાડાના ગોટા જોવા મળ્યા
મળતી માહિતી મુજબ, સાંતેજ સ્થિત વેક્સ બનાવતી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં મોટા જથ્થામાં વેક્સ (મીણ)નો સ્ટોક હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે નીકળતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેને લઈને આસપાસના વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કલોલ, ગાંધીનગર, અમદાવાદ અને કડીથી ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી
આગની ગંભીરતાને જોતા તુરંત જ કલોલ, ગાંધીનગર, અમદાવાદ અને કડી સહિતના આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોની ટીમો ઘટનાસ્થળે દોડી આવી છે. ફાયર જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ વધતી જતી ગરમીના કારણે પણ આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. આગ લાગવાનું કારણ અકબંધ
સાંતેજ પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સુરક્ષાના ભાગરૂપે લોકોની ભીડને દૂર કરી વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ આગની ગંભીરતાને જોતા કલોલના મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ફાયર વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ અને તપાસ બાદ જ આગ લાગવા પાછળનું સચોટ કારણ બહાર આવશે. કોઈ જાનહાનિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો પ્રાપ્ત થઈ નથી.
Read Original Article →