અંધકારને ચીરીને સંગીતના સૂર રેલાવતી પાટીદાર દીકરી:15 વર્ષની પ્રજ્ઞાચક્ષુ વૃષ્ટિએ ગીતા રબારી અને ઓસ્માન મીર સાથે સ્ટેજ શેર કર્યું; ગુજરાતની 23 બ્લાઈન્ડ સ્કૂલોમાં ટોપર
આજના ભાગદોડ અને આધુનિક યુગમાં જ્યારે સામાન્ય માણસ નાની-નાની મુશ્કેલીઓ કે અસફળતાથી હિંમત હારીને ડિપ્રેશનમાં સરી પડે છે, ત્યારે સમાજની આંખો ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે. માત્ર 15 વર્ષની એક દીકરી, જેના જીવનમાં કુદરતે અંધકાર લખ્યો હતો, તેણે પોતાના આત્મવિશ્વાસ અને સૂરના સહારે એવો ઉજાસ પાથર્યો છે કે આજે આખો સમાજ તેને સલામ કરી રહ્યો છે. આ પ્રેરણામૂર્તિ દીકરી એટલે પ્રજ્ઞાચક્ષુ વૃષ્ટિ પરેશભાઈ વેકરીયા. બંને આંખોમાં દ્રષ્ટિ ન હોવા છતાં, વૃષ્ટિએ પોતાની અદમ્ય મહેનત અને પરિવારના મક્કમ સપોર્ટથી સંગીત જગતમાં એક આગવી અને અમીટ ઓળખ ઊભી કરી છે. ધોરણ 8માં ગુજરાતની 23 બ્લાઈન્ડ સ્કૂલોમાં ટોપ કરનારી વૃષ્ટિ ગીતા રબારી અને ઓસમાણ મીર સાથે સ્ટેજ ગજવી ચૂકી છે, ઘરકામમાં પણ છે આત્મનિર્ભર. બે મહિનાની થઈ ત્યારે વૃષ્ટિને દ્રષ્ટિ ન હોવાનું સામે આવ્યું
વૃષ્ટિનો જન્મ જૂનાગઢમાં થયો. માતા રીનાબેન વેકરિયા અને પિતા પરેશભાઈ વેકરિયા. પ્રથમ સંતાનમાં પુત્રીનો જન્મ થતા જાણે સાક્ષાત લક્ષ્મીજીનું આગમન થયું હોય તેવો આનંદ હતો પરંતુ દીકરી બે મહિનાની થઈ ત્યારે નજર માંડતી નહોતી, કોઈ વસ્તુ પકડતી નહોતી તેથી ઉંમર અને અનુભવોમાં આગળ એવા દાદીને શંકા ગઈ. ડોક્ટરને દેખાડવાનું નક્કી કર્યું. તબીબી તપાસમાં ખ્યાલ આવ્યો કે દીકરીને રેટીનામાં ખામી છે. દીકરીને દ્રષ્ટિ ન હોય ત્યારે માતા પિતા કાંઈ શાંતિથી બેસી રહે ખરા?, જૂનાગઢથી ચેન્નઈ સુધી દીકરીને લઈ અને ફરી વળ્યા પરંતુ દરેક ડોક્ટરોએ રેટીનામાં ખામી હોવાનું જણાવ્યું અને તેની સર્જરી હાલ પૂરતી શક્ય ન હોવાથી વૃષ્ટિને દ્રષ્ટિ વગર જ આગળનું જીવન જીવવું પડશે એમ મન મનાવ્યું અનેક પ્રયત્નો પછી માતા-પિતાએ પણ આ વાત સ્વીકારી લીધી અને દીકરીની ખામીને ખૂબી બનાવવા કમર કસી. ‘જેણે દ્રષ્ટિ ન આપી તેણે સુરોનું સરનામું આપીને જીવન બદલી નાખ્યું’
છ વર્ષની દીકરીનું સુરતની ઘોડદોડ રોડ પર અંધજન શાળામાં એડમિશન લીધું અને શિક્ષણ આપવાનું શરૂ થયું. સવારે 11થી 5 શાળાએ જાય અને ત્યારબાદ સંગીત કલાસમાં સૂરોનું જ્ઞાન મેળવે. જેણે દ્રષ્ટિ ન આપી તેણે સુરોનું સરનામું આપીને જાણે જીવન બદલાવી નાખ્યું. ધીમે ધીમે વૃષ્ટિ સ્ટેજ કાર્યક્રમ કરવા લાગી. હાલ તે દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને સાથે-સાથે કાર્યક્રમો પણ આપે છે. ભણવામાં પણ અવ્વલ રહેતી દીકરી માટે માતા-પિતા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે અને જાણે સાક્ષાત સરસ્વતીનો અવતાર ઘરમાં હોય એવું માનીને ડગલે ને પગલે દીકરીને સાથ આપે છે. 2 વર્ષમાં 150થી વધુ સ્ટેજ પ્રોગ્રામ
હાલ ધોરણ 10માં અભ્યાસ કરતી વૃષ્ટિ માત્ર ભણવામાં જ નહીં, પણ કળાના ક્ષેત્રમાં પણ મોખરે છે. છેલ્લાં બે વર્ષમાં જ તેણે 150થી વધુ ભજન, લોક ડાયરા, ગરબા, લગ્નગીત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આપીને હજારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે. તેની આ પ્રતિભા અચાનક નથી ખીલી, તેની પાછળ 10 વર્ષની કઠોર સાધના છે. વૃષ્ટિ છેલ્લા એક દાયકાથી સંગીતની નિયમિત તાલીમ લઈ રહી છે. જ્યારે તે સ્ટેજ પર હાર્મોનિયમના સૂર છેડે છે, ત્યારે જોનારાઓ પણ ક્ષણભર માટે ભૂલી જાય છે કે આ દીકરી દુનિયાને જોઈ શકતી નથી. તેની આ અસાધારણ પ્રતિભા બદલ અત્યાર સુધીમાં 200થી વધુ સન્માન, શીલ્ડ અને પ્રશંસાપત્રો તેને એનાયત થઈ ચૂક્યા છે. ગુજરાતની 23 બ્લાઈન્ડ સ્કૂલોમાં મેળવ્યો હતો પ્રથમ ક્રમ
વૃષ્ટિની પ્રતિભા માત્ર ગાયન પૂરતી સીમિત નથી. તે અભ્યાસમાં પણ એટલી જ તેજસ્વી છે. ધોરણ 8ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતની 23 બ્લાઈન્ડ શાળાઓના વિદ્યાર્થીઓમાંથી વૃષ્ટિએ પ્રથમ ક્રમાંક મેળવીને સાબિત કરી દીધું હતું કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય તો આંખોનું ન હોવું ક્યારેય આડે આવતું નથી. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પણ સ્કૂલમાં ફર્સ્ટ આવી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. આ સિવાય તે મનોરંજનમાં પણ માહિર છે. ટીવી સ્ક્રીન પર સુપરહિટ રહેલા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકારોની તે એટલી સુંદર મિમિક્રી કરે છે કે સાંભળનારા આશ્ચર્યચકિત થઈ જાય છે. ગીતા રબારી અને ઓસ્માન મીર જેવા દિગ્ગજો સાથે સ્ટેજ શેર કર્યું
એક નાનકડા ગામ કે શહેરમાંથી નીકળીને ગુજરાતના ટોચના કલાકારો સાથે સ્ટેજ ગજવવું એ કોઈપણ કલાકારનું સપનું હોય છે. વૃષ્ટિએ પોતાની કાબેલિયતના જોરે આ સપનું સાકાર કર્યું છે. લોકપ્રિય ગાયિકા ગીતા રબારી અને જાણીતા ગઝલ તથા લોકગાયક ઓસ્માન મીર જેવા ગુજરાતના નામાંકિત કલાકારો સાથે વૃષ્ટિ સ્ટેજ પ્રોગ્રામ કરી ચૂકી છે. આ દિગ્ગજ કલાકારો પણ વૃષ્ટિના કંઠ અને તેની હિંમતના ચાહક બન્યા છે.
5 વર્ષની ઉંમરે દાદી સાથે મંદિરે જઈ સંગીતનો કક્કો શીખી
વૃષ્ટિની આ સંગીત સફર પાછળ એક ખૂબ જ ભાવુક કરી દેનારી કહાની છુપાયેલી છે. જ્યારે તે માત્ર પાંચ વર્ષની માસૂમ બાળકી હતી, ત્યારે પોતાની દાદીની આંગળી પકડીને મંદિરે જતી હતી. મંદિરમાં મહિલાઓ દ્વારા ગવાતા સત્સંગ, ભજન અને કીર્તનો તેના બાળમાનસમાં વસી ગયા હતા. ત્યાંથી જ તેના મનમાં સંગીત શીખવાની પ્રેરણા જાગી. જે ભજનો માત્ર સાંભળીને તેણે ગાવાનું શરૂ કર્યું હતું, આજે એ જ શોખ તેની જિંદગીની સૌથી મોટી ઓળખ બની ગયો છે. ઘરકામ કરી માતાને મદદ કરે છે
બંને આંખોથી ન જોઈ શકતી હોવા છતાં વૃષ્ટિ ક્યારેય કોઈના પર બોજ બનવા માંગતી નથી. તે ડિજિટલ યુગ સાથે કદમ મિલાવીને અત્યંત આત્મવિશ્વાસપૂર્વક મોબાઈલ અને લેપટોપ ઓપરેટ કરે છે. એટલું જ નહીં, તે ઘરમાં પોતાની માતાની લાકડી બની છે. વાસણ સાફ કરવા, કચરા-પોતા કરવાથી લઈને પોતાના કપડાં કબાટમાંથી જાતે વ્યવસ્થિત કાઢવા સુધીના તમામ કામો તે કોઈની પણ મદદ વગર, સ્વતંત્ર રીતે કરે છે. ‘માતા-પિતાનો સાથ હોય તો કોઈ મુશ્કેલી રોકી શકતી નથી’
પોતાની આ સફળતાનો શ્રેય માતા-પિતાને આપતા વૃષ્ટિ ગળગળા સાદે કહે છે કે, જો માતા-પિતાનો સાથ અને વિશ્વાસ આપણી સાથે હોય, તો દુનિયાની કોઈપણ મુશ્કેલી આપણને આગળ વધતા રોકી શકતી નથી. ખાસ વાત એ છે કે વૃષ્ટિ અને તેનો પરિવાર માત્ર પોતાના પૂરતો જ વિચાર નથી કરતા. તેઓ અન્ય બ્લાઈન્ડ (પ્રજ્ઞાચક્ષુ) કલાકારોને રોજીરોટી અને પ્લેટફોર્મ મળી રહે તે માટે સાથે મળીને ભવ્ય ભજન અને ડાયરાના કાર્યક્રમોનું આયોજન કરે છે, જે સમાજમાં એક નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે. ‘સરકાર અને પાટીદાર સમાજ સપોર્ટ કરે’
વૃષ્ટિ ભવિષ્યમાં કોઈના પર નિર્ભર રહેવા નથી માંગતી. પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરતા તેણે જણાવ્યું કે, હું સંપૂર્ણ આત્મનિર્ભર બનવા માંગુ છું. મને મારો પાટીદાર સમાજ સપોર્ટ કરે અને ગુજરાત સરકાર અમારી જેવી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ અને દીકરાઓને યોગ્ય સાથ-સહકાર આપે તેવી અપીલ છે. ભલે મારી પાસે આંખો નથી, પણ જો સમાજ અને સરકારનો સાથ મળશે તો હું એક દિવસ સંગીત ક્ષેત્રે નવો વિશ્વ રેકોર્ડ બનાવીને સમગ્ર ગુજરાત અને દેશનું નામ આખી દુનિયામાં રોશન કરીશ.
Read Original Article →