દોઢ વર્ષની માસૂમ દીકરીની હત્યા કરનાર પિતાને આજીવન કેદ:પત્નીના આડા સંબંધના વહેમમાં બાળકીની હત્યા કરનાર જયેશ વસાવાને કોર્ટે ઠેરવ્યો તકસીરવાર

Gujarat5/26/2026, 4:55:06 PM
દોઢ વર્ષની માસૂમ દીકરીની હત્યા કરનાર પિતાને આજીવન કેદ:પત્નીના આડા સંબંધના વહેમમાં બાળકીની હત્યા કરનાર જયેશ વસાવાને કોર્ટે ઠેરવ્યો તકસીરવાર
સુરતના માંગરોળ તાલુકામાં પત્નીના ચારિત્ર્ય પર વહેમ રાખીને માત્ર 1.5 વર્ષની નિર્દોષ દીકરીની હત્યા કરનારા નરાધમ પિતાને સુરત કોર્ટે કડક સજા ફટકારી છે. આરોપી પિતા જયેશ વસાવાને શારીરિક હિંસા અને હત્યાના ગુનામાં તકસીરવાર ઠેરવીને અદાલતે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. આ ચકચારી કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ દિપેશ દવેએ દલીલો રજૂ કરીને ગુનાની ગંભીરતા કોર્ટ સમક્ષ મૂકી હતી, જેને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશે આ કડક સજા સંભળાવી છે. પત્ની સાથે ઝઘડો કરી 1.5 વર્ષની બાળકીને જમીન પર પછાડી દીધી હતી કેસની વિગત મુજબ આ ઘોડાપૂર સમાન ઘટના 25 એપ્રિલ, 2020ના રોજ માંગરોળ ખાતે બની હતી. આરોપી જયેશ વસાવાએ તેની પત્ની સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો અને પત્ની તેમજ 1.5 વર્ષની નાની દીકરીને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન માસૂમ બાળકી રડવા લાગતા, આરોપીએ પત્ની પર આક્ષેપ કર્યો હતો કે "તારા અન્ય પુરુષ સાથે આડા સંબંધો છે અને તેના થકી જ આ બાળકીનો જન્મ થયો છે." આ આંધળા વહેમમાં ઉશ્કેરાઈને નરાધમ પિતાએ માસૂમ દીકરીને મોઢા પર ઉપરાઉપરી તમાચા મારી દીધા હતા અને ત્યારબાદ તેને નિર્દયતાથી જમીન પર પછાડી દીધી હતી, જે તેના માટે જીવલેણ સાબિત થઈ હતી. સવારે માતાએ જગાડવાનો પ્રયાસ કર્યો પણ માસૂમ હંમેશા માટે પોઢી ગઈ હતી આ હિંસક હુમલા બાદ રાત્રે બાળકી સૂઈ ગઈ હતી, પરંતુ વહેલી સવારે જ્યારે માતા જાગી ત્યારે દીકરીના મોઢા પર લોહીના અને માર મારવાના લાલ ડાઘા દેખાતા હતા. માતાએ તેને પ્રેમથી જગાડવાનો અને દૂધ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના શરીરમાં કોઈ હલચલ નહોતી અને તે હંમેશ માટે આ દુનિયા છોડી ચૂકી હતી. ઘટના બાદ રાતોરાત આરોપી પિતા ઘર છોડીને ભાગી ગયો હતો. આ મામલે પત્ની દ્વારા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જયેશ વસાવાની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. “મરનારે હજી દુનિયા જોવાની શરૂઆત કરી હતી અને તેનો અંત આણ્યો” સુરત કોર્ટે પોતાના ચુકાદામાં આ ગુનાને માનવ સમાજ વિરૂદ્ધનો સૌથી ગંભીર અપરાધ ગણાવ્યો હતો. અદાલતે ચુકાદાના મહત્વના અંશમાં નોંધ્યું હતું કે, આરોપી સામે સાબિત થયેલો ગુનો મનુષ્યના શરીર વિરુદ્ધ થતા ગુનાઓમાં સૌથી જઘન્ય છે. માત્ર એક કાલ્પનિક વહેમના કારણે પોતાની જ 1.5 વર્ષની માસૂમ અને નિર્દોષ પુત્રીનું મોત નીપજાવવામાં આવ્યું છે. મરણ જનાર બાળકીએ તો હજી આ દુનિયા જોવાની શરૂઆત જ કરી હતી, ત્યાં જ તેના સગા પિતાએ ક્રૂરતાપૂર્વક તેના જીવનનો અંત આણી દીધો, જે કોઈપણ સંજોગોમાં માફીને પાત્ર નથી.
Read Original Article →