ઈ-સ્ટેમ્પના નામે વેપારી સાથે 3.90 લાખની ઠગાઈ:જમીન ખરીદવા આપેલા રૂપિયા પણ ગયા અને સ્ટેમ્પ પેપર પણ ન મળ્યા, પતિ-પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Gujarat5/22/2026, 3:05:44 PM
ઈ-સ્ટેમ્પના નામે વેપારી સાથે 3.90 લાખની ઠગાઈ:જમીન ખરીદવા આપેલા રૂપિયા પણ ગયા અને સ્ટેમ્પ પેપર પણ ન મળ્યા, પતિ-પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સુરત શહેરમાં જમીન ખરીદીના નામે એક વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. શહેરના પાલ વિસ્તારમાં રહેતા પ્રતિકભાઈ ગોયલ નામના વ્યક્તિએ પાલ પોલીસ સ્ટેશનમાં પતિ-પત્ની વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમણે પલસાણા તાલુકાના માખીંગાણા ગામની એક બિનખેતી જમીન ખરીદવા માટે ઈ-સ્ટેમ્પ પેપર લેવા માટે આરોપીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ આરોપીઓએ રૂપિયા પડાવી લીધા બાદ પણ કોઈ કામ ન કરીને ફરિયાદીને મુશ્કેલીમાં મૂકી દીધા છે. 3.90 લાખ RTGSથી ટ્રાન્સફર કર્યાં હતા ફરિયાદી પ્રતિકભાઈ ગોયલને પલસાણા તાલુકાના મોજે માખીંગાણા ગામના રેવન્યુ સર્વે બ્લોક નં. 96/અ (મૂળ બ્લોક નં. 96) ની જમીન ખરીદવી હતી. આ માટે જમીન વેચાણના દસ્તાવેજ કરવા માટે તેમણે સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરતા રામ કિરીટકુમાર મેવાવાલાનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીએ જમીન ખરીદી માટે જરૂરી ઈ-સ્ટેમ્પ પેપર કરી આપવાના નામે રૂ. 3,90,000 લીધા હતા. આ રકમ તારીખ 8 એપ્રિલ,2026ના રોજ આર.ટી.જી.એસ. (RTGS) દ્વારા આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આરોપીઓની ધમકી અને વાયદાઓ આરોપ છે કે રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ લાંબો સમય વીતી જવા છતાં, આરોપી રામ કિરીટકુમાર મેવાવાલા અને તેની પત્ની સલોની રામ મેવાવાલાએ ફરિયાદીને ઈ-સ્ટેમ્પ પેપર આપ્યા નહોતા. જ્યારે ફરિયાદીએ પોતાના રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ રૂપિયા પરત આપવાને બદલે તેમને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. વારંવારના વાયદાઓ અને બાદમાં મળેલી ધમકીઓથી કંટાળીને આખરે પ્રતિકભાઈએ પાલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. પોલીસ તપાસનો ધમધમાટ તેજ પાલ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તપાસનીશ અધિકારી પો.સ.ઈ. એમ.વી. પરમાર દ્વારા આ સમગ્ર પ્રકરણની ગહન તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ રામ કિરીટકુમાર મેવાવાલા અને સલોની રામ મેવાવાલા હાલ પોલીસ તપાસના દાયરામાં છે. આ ઘટનાને પગલે સુરતના રિયલ એસ્ટેટ અને સ્ટેમ્પ પેપરના વ્યવહારોમાં સાવચેતી રાખવા બાબતે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ અને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે.
Read Original Article →