સુરતના વિકાસ મોડેલથી કર્ણાટકનું પ્રતિનિધિમંડળ પ્રભાવિત:હુબલી-ધારવાડ મનપાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ અને આર્થિક મોડેલનો કર્યો વિસ્તૃત અભ્યાસ
કર્ણાટકની હુબલી-ધારવાડ મહાનગરપાલિકાના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સુરત મહાનગરપાલિકા (SMC) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ સુરત દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો, સ્માર્ટ સિટી મિશન અને વહીવટી મોડેલનો અભ્યાસ કરવાનો હતો. આ પ્રતિનિધિમંડળમાં મેયર જ્યોતિ પાટીલ, ડેપ્યુટી મેયર સંતોષ ચવ્હાણ, વિરોધ પક્ષના નેતા ઇમામ હુસેન યાલીગર, પૂર્વ મેયર ઇરેશ અંકાટેગેરી અને ડેવલપમેન્ટ વિભાગના ડેપ્યુટી કમિશનર વિજયકુમાર સહિતના મહાનુભાવો સામેલ હતા. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી 'તાપી ભવન' ના સેન્ટ્રલ કોન્ફરન્સ હોલમાં બંને મહાનગરપાલિકાના પદાધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સુરતના સફળ પ્રોજેક્ટ્સ અંગે ડિજિટલ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોમાં સુરતની બહુવિધ ઓળખ
પ્રેઝન્ટેશનમાં સુરત શહેરના ઐતિહાસિક વારસાથી લઈને આધુનિક સ્માર્ટ સિટી બનવા સુધીની સફર રજૂ કરવામાં આવી હતી. સુરત આજે માત્ર 'ડાયમંડ સિટી' કે 'ટેક્ષટાઇલ સિટી' તરીકે જ નહીં, પરંતુ પોતાની આગવી કામગીરીને કારણે દેશ-દુનિયામાં નીચે મુજબ ઓળખાય છે: પરિવહન વ્યવસ્થા અને ગ્રીન એનર્જી
સંકલિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ: શહેરી પરિવહનને સુવિધાજનક બનાવવા બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) અને સિટી બસ સેવાનું શ્રેષ્ઠ સંકલન કરવામાં આવ્યું છે. પ્રદૂષણ મુક્ત પરિવહન માટે 'ગ્રીન વ્હીકલ પોલિસી' અંતર્ગત ઇલેક્ટ્રિક બસોનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ: પાલિકાએ પોતાની વીજળીની જરૂરિયાતો માટે પવન ઊર્જા અને સૌર ઊર્જા પ્લાન્ટ્સમાં મોટું રોકાણ કર્યું છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને સરકારી કચેરીઓમાં આ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાના વીજ બિલની બચત કરાય છે. આ ઉપરાંત, શહેરમાં એક વિશાળ 'બાયોડાયવર્સિટી પાર્ક' પણ તૈયાર થઈ રહ્યો છે જે ઓક્સિજન હબ બનશે. ડિજિટલ ગવર્નન્સ અને આધુનિક ટેકનોલોજી
વહીવટને પેપરલેસ અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વ્હોટ્સએપ ચેટબોટ અને ઓનલાઇન પોર્ટલ દ્વારા નાગરિકો ઘરબેઠા પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ ભરી શકે છે તેમજ પોતાની ફરિયાદો ઓનલાઇન નોંધાવી શકે છે. ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC): પ્રતિનિધિમંડળે આ સેન્ટરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. અહીંથી સમગ્ર શહેરની સુરક્ષા, સીસીટીવી સર્વેલન્સ, સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ અને આપત્તિ વ્યવસ્થાપનનું સેન્ટ્રલાઈઝ્ડ મોનિટરિંગ કેવી રીતે થાય છે તેની પ્રાયોગિક સમજ મેળવી હતી. વહીવટી માળખું, શિક્ષણ અને સામાજિક કલ્યાણ
બેઠકમાં સુરતના 30 વોર્ડની ભૌગોલિક સ્થિતિ અને વિવિધ વૈધાનિક સમિતિઓ દ્વારા લોકહિતના નિર્ણયો લેવાની પ્રક્રિયા વિશે ટેકનિકલ માહિતી શેર કરવામાં આવી હતી. મહાનગરપાલિકા સંચાલિત 'નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ' ની શાળાઓ અને ગરીબ-મધ્યમ વર્ગ માટેની 'સુમન શાળાઓ' ની ડિજિટલ શિક્ષણ પદ્ધતિને પ્રતિનિધિઓએ બિરદાવી હતી. આ ઉપરાંત, આર્થિક રીતે નબળા વર્ગો માટે પારદર્શક ડ્રો સિસ્ટમ આધારિત આવાસ યોજના અને પ્રવાસનને વેગ આપવા માટે ઐતિહાસિક કિલ્લાના જીર્ણોદ્ધાર (Restoration) પ્રોજેક્ટની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળનો પ્રતિભાવ
સુરત મહાનગરપાલિકાના ઓલ-રાઉન્ડ આયોજન, નાણાકીય શિસ્ત અને આધુનિક પ્રોજેક્ટ્સથી પ્રભાવિત થઈને હુબલી-ધારવાડના મેયરે જણાવ્યું હતું કે, સુરતનું આ સ્માર્ટ મોડેલ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ દેશભરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે માર્ગદર્શક છે. ખાસ કરીને ટ્રીટેડ વોટરના વેચાણમાંથી થતી આવક અને ડિજિટલ કમાન્ડ સેન્ટરની સિસ્ટમ પોતાના શહેરમાં પણ લાગુ કરવા માટે તેઓ આગામી સમયમાં ચોક્કસ આયોજન કરશે.
Read Original Article →