NEET પેપર લીક મામલે સુરત AAP આક્રમક:'ગુજરાતનું પેપર લીક મોડલ હવે દેશમાં લાગુ થઈ ગયું હોય તેવું લાગે છે'

Gujarat5/13/2026, 2:41:00 PM
NEET પેપર લીક મામલે સુરત AAP આક્રમક:'ગુજરાતનું પેપર લીક મોડલ હવે દેશમાં લાગુ થઈ ગયું હોય તેવું લાગે છે'
દેશભરમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સુરત આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, જે રીતે ગુજરાતમાં વર્ષોથી પેપર લીક થવાની પરંપરા રહી છે, હવે તે જ મોડલ આખા દેશમાં ફેલાઈ ગયું છે. આ ઘટના પાછળ સરકાર અને તંત્રની ઘોર નિષ્ફળતા જવાબદાર છે. 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં: ધર્મેશ ભંડેરી સુરત આપના કાર્યાલય ખાતે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, કોર્પોરેટર અસ્મિતા ધોરાજીયા અને પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલા ઉપસ્થિત રહ્યા હતા. ભંડેરીએ જણાવ્યું હતું કે, 3 મેના રોજ લેવાયેલી NEETની પરીક્ષામાં દેશના 22 લાખ વિદ્યાર્થીઓએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. આ માત્ર વિદ્યાર્થીઓની જ નહીં, પણ તેમના પરિવાર અને રાત-દિવસ એક કરનાર શિક્ષકોની પણ મહેનત હતી. લાખો યુવાનો મેડિકલ ક્ષેત્રે દેશની સેવા કરવા માંગતા હતા, પરંતુ પેપર લીકની ઘટનાએ તેમના સપનાઓને રોળી નાખ્યા છે. 'ગુજરાત મોડલ' હવે નેશનલ લેવલે? સરકારની નીતિઓ પર નિશાન સાધતા આપ નેતાએ ઉમેર્યું કે, ગુજરાતમાં છેલ્લા 7-8 વર્ષમાં 20થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થયા છે. હવે આ જ 'પેપર લીક મોડલ' દેશ સ્તરે જોવા મળી રહ્યું છે. NEET પરીક્ષામાં જે ગેરરીતિઓ સામે આવી છે અને ત્યારબાદ સરકારે તપાસ CBIને સોંપવી પડી છે, તે સાબિત કરે છે કે વ્યવસ્થા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. વારંવાર થતી આવી ઘટનાઓથી મહેનતુ વિદ્યાર્થીઓનો વિશ્વાસ તંત્ર પરથી ઉઠી રહ્યો છે. સંડોવાયેલા અધિકારીઓ અને રાજકારણીઓ સામે કડક પગલાંની માંગ આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે, આ પેપર લીક કાંડમાં જે પણ નાના-મોટા અધિકારીઓ, કર્મચારીઓ કે પ્રભાવશાળી રાજકારણીઓ સામેલ હોય, તેમની સામે દાખલારૂપી કાર્યવાહી થવી જોઈએ. ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે તેવી કડક સજાની જોગવાઈ કરવાની માંગ સાથે આપ નેતાઓએ વિદ્યાર્થીઓના હિત રક્ષવા માટે સરકારને અપીલ કરી છે.
Read Original Article →