સગીરે મિત્ર સાથે મળીને યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા:સુરતમાં બાઇક ચલાવવાની જીદ અને સિગારેટના વિવાદથી ગેરેજ સંચાલકની હત્યા, પરિવારનો એકનો એક દીકરો છિનવાયો

Gujarat5/25/2026, 10:21:23 AM
સગીરે મિત્ર સાથે મળીને યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા:સુરતમાં બાઇક ચલાવવાની જીદ અને સિગારેટના વિવાદથી ગેરેજ સંચાલકની હત્યા, પરિવારનો એકનો એક દીકરો છિનવાયો
સુરત રાંદેર વિસ્તારના રામનગર સરકારી વસાહત પાસે માત્ર 'મને બાઇક ચલાવવા દે' જેવી જીદ અને અગાઉ થયેલા સિગારેટ પીવાના મામૂલી વિવાદમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર દ્વારા તેના મિત્રની મદદથી 33 વર્ષીય યુવકની નિર્મમ હત્યા કરી દીધી છે. સગીર વયના મિત્ર દ્વારા બાઇક ચલાવવાની માગણી સ્વીકારવામાં ન આવતા અને સાંજે થયેલી સિગારેટની બોલાચાલીની અદાવત રાખીને મધરાતે ચપ્પુના ઘા ઝીંકી આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. મૃતક યુવક પરિવારનો એકમાત્ર આધાર હતો આ ચકચારી ઘટનામાં ભોગ બનનાર મૃતક યુવકની ઓળખ 33 વર્ષીય અમર ઉર્ફે આલુ પંજવાણી તરીકે થઈ છે. અમર પંજવાણી રાંદેર વિસ્તારમાં જ પોતાનું ટુ-વ્હીલર ઓટો ગેરેજ ચલાવતો હતો અને તનતોડ મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લોહીના આંસુએ રડી રહેલા પરિવારજનોએ જણાવ્યું કે, અમર ઘરનો મુખ્ય કમાનાર વ્યક્તિ હતો અને તેના આકસ્મિક મોતથી ઘરમાં માત્ર તેની વૃદ્ધ માતા અને એક નાનો ભાઈ જ બચ્યા છે, જેઓ હવે સંપૂર્ણપણે નિરાધાર બની ગયા છે. એક હસતો-રમતો અને મહેનતુ યુવક ક્ષણિક આવેશ અને ગુનાહિત માનસિકતા ધરાવતા સગીરની જીદનો ભોગ બની જતાં તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સાંજના સમયે સિગારેટ પીવા બાબતે પ્રથમ વિવાદ થયો હતો પોલીસની પ્રાથમિક તપાસ અને ડીસીપી લખધીર સિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, રવિવારે(24મે) રાત્રે અરસામાં મૃતક અમર પંજવાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર બંને સિગારેટ પીવા માટે એક સ્થળે ભેગા થયા હતા. સિગારેટ પીવાની આ પ્રક્રિયા દરમિયાન બંને વચ્ચે અચાનક કોઈ અગમ્ય કારણોસર ગાળાગાળી શરૂ થઈ ગઈ હતી અને જોતજોતામાં મામલો ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગયો હતો. આ ઝઘડા બાદ બંને છૂટા તો પડી ગયા હતા, પરંતુ સગીર વયના આ આરોપીના મનમાં અપમાનનો બદલો લેવાની આગ સળગી રહી હતી અને તેણે મનોમન જ અમરને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હતું. મુખ્ય આરોપી સગીરે ચપ્પુ સાથે રાખી પ્લાન ઘડ્યો સાંજના ઝઘડાનું મનદુઃખ રાખીને મુખ્ય આરોપી, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેણે રાત્રિના સમયે ગુનાહિત કાવતરું રચ્યું હતું. તે પોતાના ઘરે ગયો અને રસોડામાં સામાન્ય રીતે શાકભાજી કે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતું ચપ્પુ પોતાની સાથે છુપાવીને બહાર નીકળ્યો હતો. એટલું જ નહીં, તેણે આ ગુનામાં પોતાના એક મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને સહ-આરોપી તરીકે સામેલ કર્યો હતો. કિશોરે શ્રવણને પોતાની સાથે રાખ્યો અને ફરીથી સિગારેટ પીવા જવાના બહાને આયોજનપૂર્વક આગળ વધવાનું શરૂ કર્યું, જેથી મૃતક અમર પંજવાણીને સરળતાથી શોધી શકાય અથવા તેને કોઈ અવાવરું જગ્યાએ બોલાવી શકાય. સહ-આરોપી મારફતે મૃતક અમર પંજવાણીનો સંપર્ક કરાયો શ્રવણ મારફતે જ મૃતક અમર ઉર્ફે આલુ પંજવાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેને મળવા માટે બોલાવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે, શ્રવણે અમરને સાથે આવવા રાજી કર્યો અને ત્યારબાદ આ ત્રણેય વ્યક્તિઓ એક જ બાઇક પર સવાર થઈને રાંદેર વિસ્તારમાં રવાના થયા હતાં. અમર પંજવાણી બિલકુલ અજાણ હતો કે જે બાઇક પર તે બેસી રહ્યો છે, તે તેની જિંદગીની આખરી સફર સાબિત થવાની છે. બાઇક ચલાવવા બાબતે ફરીથી બોલાચાલી અને લોહિયાળ હુમલો મધરાતે આશરે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં જ્યારે ત્રણેય બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરે અચાનક જીદ પકડી હતી કે "મને બાઇક ચલાવવા દે". અમરે આ નાની વયના કિશોરને રાત્રિના સમયે બાઇક ચલાવવાની ના પાડી દીધી હતી. આ ના પાડવાની સાથે જ સાંજે થયેલો સિગારેટ પીવાનો જૂનો વિવાદ ફરી સપાટી પર આવ્યો હતો. બાઇક ચલાવવા અને સિગારેટ પીવાના આ બંને મુદ્દાઓ ભેગા થતાં બાઇક પર જ ફરીથી ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ થઈ ગયો હતો. ચપ્પુ કાઢીને અમર પંજવાણી પર ઘાતકી વાર કર્યો આ ઝઘડાના અંતે બાઇક રામનગર સરકારી વસાહત પાસે ઊભી રહી અને આવેશમાં આવેલા સગીરે પોતાની પાસે છુપાવી રાખેલું ઘરવપરાશનું ચપ્પુ કાઢીને અમર પંજવાણી પર ઘાતકી વાર કરી દીધો હતો. ચપ્પુનો એક જ આકરો ઘા વાગતાની સાથે જ અમર લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બંને આરોપીઓને દબોચી લેવાયા આ ભયાનક ઘટના અંગે રાત્રિના સમયે પોલીસને કંટ્રોલ રૂમ દ્વારા જાણ થતાં જ રાંદેર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઝોન 5 વિસ્તારના ડીસીપી લખધીર સિંહ ઝાલા પોતે સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિની ગંભીરતાને જોતાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને તપાસમાં જોતરી દીધા હતા. ગુનો બનવાનું ચોક્કસ કારણ શોધવા, મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા અને ફરાર થઈ ગયેલા હત્યારાઓને પકડવા માટે નાકાબંધી સહિતની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાંદેર પોલીસની સઘન અને આયોજનબદ્ધ કામગીરીના પરિણામે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને દબોચી લેવામાં સફળતા મળી હતી. આ પણ વાંચો દારૂના અડ્ડા વિવાદમાં ભાજપના યુવા નેતાની હત્યા સુરતમાં ભાજપ ડીંડોલી યુવા મોરચાના 21 વર્ષીય ઉપપ્રમુખ અને લોના વિદ્યાર્થી જય નગીનભાઈ દલાલની કરપીણ હત્યા કોઈ સાધારણ ઝઘડો નહોતી, પણ એક સુનિયોજિત ષડયંત્ર હતું. 18 મે હત્યાની એ કાળી રાતે, હત્યારાઓએ પહેલા ડિંડોલી બ્રિજની નીચે અંધારામાં દારૂની મહેફિલ જમાવી હતી. નશામાં ચૂર આ ટપોરીઓના મગજમાં માત્ર એક જ ઝેર સવાર હતું પાસા'. તાજેતરમાં જ જેલના સળિયા પાછળથી છૂટેલી કુખ્યાત 'ચકલી ગેંગ'ને વહેમ હતો કે જયે જ પોલીસ સાથે મળીને તેમને જેલ ભેગા કર્યા હતા. આ જ અદાવતમાં, બિયર પીવડાવવાના બહાને જયને બોલાવી, તેની પીઠ પાછળ ખંજર ભોંકી દેવાયું. મૃતકની માતા જયશ્રીબેન દલાલે પણ આક્ષેપ કર્યો છે કે, આરોપીઓ પાસામાંથી છૂટીને આવ્યા અને મારા દીકરાને ટાર્ગેટ બનાવ્યો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →