સૌરાષ્ટ્રવાસી કે મૂળ સુરતી મહિલા મેયર?:પરંપરાગત કવર પ્રથા બંધ, મેન્ડેટ સીધો ઈ-મેઈલ અથવા વોટ્સએપ પર આવશે, મેયર અને ચેરમેન પદ વચ્ચે પાવર બેલેન્સિંગ

Gujarat5/27/2026, 1:12:43 PM
સૌરાષ્ટ્રવાસી કે મૂળ સુરતી મહિલા મેયર?:પરંપરાગત કવર પ્રથા બંધ, મેન્ડેટ સીધો ઈ-મેઈલ અથવા વોટ્સએપ પર આવશે, મેયર અને ચેરમેન પદ વચ્ચે પાવર બેલેન્સિંગ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 115 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને જંગી બહુમતી સાથે ફરી એકવાર સત્તાના સૂત્રો હસ્તગત કરી લીધા છે. હવે સમગ્ર શહેર અને રાજકીય વર્તુળોની નજર આવતીકાલે જાહેર થનારા નવા પદાધિકારીઓના નામો પર ટકેલી છે. આ વખતે મેયર પદ માટે જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો ખૂબ જ મહત્વપૂર્ણ અને જટિલ બની રહ્યા છે. 'મૂળ સુરતી મહિલા' અને 'સૌરાષ્ટ્રવાસી મહિલા' કોર્પોરેટર વચ્ચે કેન્દ્રિત થઈ ગઈ છે. પક્ષના મોવડી મંડળ માટે આ બંને પક્ષો વચ્ચે સંતુલન જાળવવું એ એક મોટો પડકાર છે, કારણ કે સુરતના વિકાસ અને રાજકારણમાં બંને સમુદાયોનો સિંહફાળો રહ્યો છે. હવે કવર સંસ્કૃતિ નાબૂદ, મેન્ડેટ ઈ-મેઈલ કે વોટ્સએપ દ્વારા મોકલાશે આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ તેની પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયામાં એક ઐતિહાસિક અને મોટો બદલાવ કર્યો છે. અત્યાર સુધી સુરત મહાનગરપાલિકામાં પદાધિકારીઓની પસંદગી માટે પ્રદેશ સંગઠનના નેતાઓ બંધ કવરમાં મેન્ડેટ લઈને આવતા હતા અને સામાન્ય સભા શરૂ થવાના થોડા સમય પહેલાં જ તે ખોલવામાં આવતો હતો. જોકે, આ વખતે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરંપરાગત કવર પ્રથા નાબૂદ કરવામાં આવી છે. મળતી સત્તાવાર માહિતી મુજબ, પ્રદેશ નેતાઓ આ વખતે વ્યક્તિગત રીતે કવર લઈને સુરત નહીં આવે, પરંતુ પ્રદેશ સંગઠન દ્વારા નવા પદાધિકારીઓના નામની સત્તાવાર યાદી સીધી ઈ-મેઈલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા શહેર સંગઠનના પ્રમુખને મોકલી આપવામાં આવશે. આ આધુનિક નિર્ણયથી પ્રક્રિયા વધુ ગોપનીય અને ઝડપી બનશે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ વચ્ચે પાવર બેલેન્સિંગ સુરતના રાજકારણમાં સત્તાનું સંતુલન જાળવવા માટે ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ આ વખતે ખૂબ જ ઝીણવટભર્યું આયોજન કરી રહ્યું છે. જો મેયર પદ માટે કોઈ 'મૂળ સુરતી મહિલા' ઉમેદવારની પસંદગી કરવામાં આવે, તો તેના વળતર રૂપે અને સૌરાષ્ટ્રવાસી મતદારોને સાચવી લેવા માટે મહાનગરપાલિકાની સૌથી પાવરફુલ ગણાતી 'સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન'નું પદ કોઈ પ્રભાવશાળી 'સૌરાષ્ટ્રવાસી' કોર્પોરેટરને સોંપવામાં આવશે. તેનાથી વિપરીત, જો મોવડી મંડળ દ્વારા 'સૌરાષ્ટ્રવાસી મહિલા'ને સુરતના મેયર બનાવવાનો નિર્ણય લેવામાં આવશે, તો પાવર બેલેન્સ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર અચૂકપણે કોઈ 'મૂળ સુરતી' નેતાની વરણી કરવામાં આવશે. આ સમીકરણ પક્ષમાં કોઈ આંતરિક અસંતોષ ન ઊભો થાય તે માટે અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે. પરપ્રાંતીય સમુદાયોને સાચવવાની ચોક્કસ વ્યૂહરચના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન ઉપરાંત ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના પદો પર પણ જ્ઞાતિ અને ભાષાકીય સમીકરણો લાગુ કરવામાં આવ્યા છે. સુરતમાં વસતા બિન-ગુજરાતી અર્થાત પરપ્રાંતીય સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે આ બંને પદો અનામત જેવા જ રાખવામાં આવ્યા છે. રાજકીય ગણિત મુજબ, જો ડેપ્યુટી મેયર તરીકે મરાઠી સમાજના કોઈ કોર્પોરેટરની પસંદગી થશે, તો શાસક પક્ષના નેતા તરીકે ઉત્તર ભારતીય અથવા રાજસ્થાની સમાજના ચહેરાને સ્થાન આપવામાં આવશે. આ જ રીતે, જો ડેપ્યુટી મેયર પદ પર ઉત્તર ભારતીય કે રાજસ્થાની સમાજના પ્રતિનિધિને બેસાડવામાં આવશે, તો શાસક પક્ષના નેતાનું પદ મરાઠી સમાજના કોર્પોરેટરને ફાળવવામાં આવી શકે છે, જેથી સુરતની મિશ્ર વસ્તી ધરાવતા તમામ વર્ગોને પૂરતો ન્યાય આપી શકાય. પાટીદાર વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતો મજબૂત ચહેરો સુરતના મેયર પદની રેસમાં હાલમાં માયાબેન માવાણીનું નામ સૌથી વધારે ચર્ચામાં અને મોખરે ચાલી રહ્યું છે. માયાબેન મૂળ સૌરાષ્ટ્રવાસી છે અને સુરતના રાજકીય રીતે અતિ સંવેદનશીલ એવા પાટીદાર બહુલ વિસ્તારોમાં ખૂબ જ મજબૂત પકડ અને પ્રભુત્વ ધરાવે છે. તેઓ છેલ્લા 3 દાયકા (30 વર્ષ) કરતાં પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીપૂર્વક જોડાયેલા છે અને સંગઠનની વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. વર્ષ 2007માં તેઓ મહિલા શહેર કારોબારીના સભ્ય તરીકે સક્રિય હતા અને હાલમાં પણ તેઓ ભાજપ સંગઠનમાં મંત્રી તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમની દીર્ઘકાલીન રાજકીય સફર, પક્ષ પ્રત્યેની વફાદારી અને સ્વચ્છ છબીને કારણે તેમનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજ અને અન્ય સંસ્થાઓ સાથે ગાઢ સંબંધો માયાબેન માવાણી માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ સામાજિક સ્તરે પણ સુરત શહેરમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ પાટીદાર સમાજની અલગ-અલગ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે લાંબા સમયથી જોડાયેલા છે. ખાસ કરીને સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓના હૃદયસમી સંસ્થા 'સૌરાષ્ટ્ર પટેલ સમાજ' સાથે તેઓ ઘણા વર્ષોથી ગાઢ રીતે સંકળાયેલા છે અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ સુરતના આ વિસ્તારોમાં ભાજપ માટે સામાજિક સંતુલન જાળવવું હંમેશા પડકારજનક રહ્યું છે, ત્યારે માયાબેન જેવા સામાજિક સ્વીકૃતિ ધરાવતા ચહેરાને મેયર પદ સોંપવાથી ભાજપને આગામી સમયમાં મોટો રાજકીય ફાયદો થઈ શકે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. નેન્સી શાહ: કાયદાકીય જ્ઞાન અને સંગઠનનો અનુભવ નેન્સી શાહ વ્યવસાયે વકીલ છે અને હાલમાં કાયદાના વિષયમાં પીએચડી કરી રહ્યા છે. તેઓ જૈન સમુદાયમાંથી આવે છે અને છેલ્લા 20 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે સફળતાપૂર્વક સંકળાયેલા છે. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, તેઓ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા તરીકે વિવિધ સંગઠનોમાં સેવા આપી ચૂક્યા છે. વર્ષ 2021માં વોર્ડ નંબર 9માંથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ, હાલમાં તેઓ બીજી ટર્મમાં કોર્પોરેટર તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. કાવ્યા પટેલ: પાટીદાર સમાજનું યુવા નેતૃત્વ પાટીદાર સમાજમાંથી આવતા કાવ્યા પટેલ એક સક્ષમ મહિલા નેતા છે. તેઓ શૈક્ષણિક રીતે બી.એ. ઇકોનોમિક્સ અને ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી ચૂક્યા છે. રાજકીય ક્ષેત્રે તેઓ અગાઉ સચિન નગરપાલિકામાં ઉપ-પ્રમુખ જેવી મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે, જે વિસ્તારમાં અગાઉ આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ હતું, ત્યાં તેમણે ભાજપનો વિજય ધ્વજ લહેરાવ્યો છે. તેઓ પાટીદાર યુવા નેતા અને 'પાસ' ના અગ્રણી અલ્પેશ કથીરિયાના ધર્મપત્ની છે. ઉર્વશી પટેલ: બે દાયકાથી પક્ષને સમર્પિત કાર્યકર ઉત્તર ગુજરાત પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા ઉર્વશી પટેલ હાલમાં બીજી ટર્મમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ શૈક્ષણિક રીતે બી.કોમ. અને કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા ધરાવે છે. ઉર્વશી પટેલ છેલ્લા 22 વર્ષોના લાંબા સમયગાળાથી ભારતીય જનતા પાર્ટીમાં એક પાયાના અને સક્રિય કાર્યકર્તા તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની પક્ષ પ્રત્યેની વફાદારી અને વહીવટી સૂઝબૂઝને કારણે તેઓ મતદારોમાં લોકપ્રિયતા ધરાવે છે. પ્રતિભા દેસાઈ: સામાજિક સેવા અને કાયદાકીય પ્રવૃત્તિઓ અનાવિલ બ્રાહ્મણ સમાજમાંથી આવતા પ્રતિભા દેસાઈ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેમાં તેમણે એલ.એલ.બી. અને હિન્દી વિષયમાં એમ.એ. પૂર્ણ કર્યું છે. વર્ષ 2024માં તેઓ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં કાયદા અધિકારી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ 'પ્રતિભા ફાઉન્ડેશન' ચલાવે છે અને સામાજિક સેવિકા તરીકે જાણીતા છે. આ ઉપરાંત, તેઓ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વુમન વર્કિંગ કમિટીમાં સભ્ય તરીકે પણ સક્રિય છે. સંકલન બેઠકથી લઈને સામાન્ય સભા સુધીની આખી રૂપરેખા આવતીકાલે યોજનારી પદાધિકારીઓની વરણી પ્રક્રિયા ખૂબ જ વ્યસ્ત અને રોમાંચક રહેવાની છે. આવતીકાલે સવારે 11:00 કલાકે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર સામાન્ય સભા યોજાશે, જે નવી ટર્મ માટેના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી સહિતની વિવિધ સમિતિઓના અધ્યક્ષોની સત્તાવાર જાહેરાત કરશે. જોકે, આ સામાન્ય સભા પૂર્વે સવારે બરાબર 10:00 કલાકે ભાજપના ચૂંટાયેલા તમામ 115 કોર્પોરેટરોની એક મહત્વપૂર્ણ 'સંકલન બેઠક' (સંકલન મીટિંગ) બોલાવવામાં આવી છે. આ સંકલન બેઠકમાં પ્રદેશ ભાજપ મોવડી મંડળ દ્વારા ઈ-મેઈલ કે વોટ્સએપ પર મોકલવામાં આવેલા નામોની સત્તાવાર જાહેરાત કોર્પોરેટરો સમક્ષ કરવામાં આવશે અને ત્યારબાદ સર્વાનુમતે નામો મંજૂર કરાશે. બકરી ઈદની રજાના દિવસે ઐતિહાસિક નિર્ણયો અને સર્વાનુમતે વરણીની શક્યતા ચૂંટણીના ઈતિહાસમાં આ એક અનોખો પ્રસંગ છે જ્યારે બકરી ઈદની જાહેર રજાના દિવસે સુરત મહાનગરપાલિકાની નવી ટર્મ માટેની પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ રજાના દિવસે જ સુરતના પ્રથમ નાગરિક એટલે કે મેયર સહિતના તમામ મહત્વના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ભાજપ પાસે 115 કોર્પોરેટરોની પ્રચંડ બહુમતી હોવાથી, વિપક્ષ આમ આદમી પાર્ટી (જેના માત્ર 4 કોર્પોરેટરો છે) અને કોંગ્રેસ (જેના માત્ર 1 જ કોર્પોરેટર છે) પાસે કોઈ મોટો પડકાર ઊભો કરવાની તક નથી. આથી મોવડી મંડળ દ્વારા જે પણ નામો નક્કી કરવામાં આવશે, તે તમામ પદાધિકારીઓની વરણી સામાન્ય સભામાં પ્રચંડ બહુમતીથી અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. સુરત હવે તેના નવા નેતૃત્વને આવકારવા માટે સજ્જ છે. સુરત મનપા પક્ષવાર બેઠકોની સ્થિતિ: કુલ બેઠકો: 120 ભાજપ (BJP): 115 આમ આદમી પાર્ટી (AAP): 4 કોંગ્રેસ (INC): 1
Read Original Article →