ગુજરાત ગેસ કંપની સામે ગ્રાહકોનો આક્રોશ:ઘરમાં દીકરાના લગ્ન ને માતા 1 વર્ષથી કનેક્શન માટે ખાય છે ધક્કા, સિનિયર સિટીઝન 3 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે આજે વહેલી સવારથી જ ગ્રાહકો ભારે નારાજ જોવા મળ્યા હતા. ગેસ કંપનીના લપસણા તંત્ર અને વહીવટી ખામીઓના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઈ ગ્રાહક છેલ્લા એક વર્ષથી નવું કનેક્શન મેળવવા માટે સરકારી કાગળો લઈને ધક્કા ખાઈ રહ્યું છે, તો સેંકડો ગ્રાહકો એવા છે જેમના ઘરોમાં છેલ્લા છ-છ મહિનાથી ગેસ બિલ જ આવ્યા નથી. કંપનીની આ આંધળી નીતિઓ સામે રોષે ભરાયેલા ગ્રાહકો આજે મોટી સંખ્યામાં અડાજન ઓફિસે પોતાની ફરિયાદો લઈને પહોંચ્યા હતા અને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. દીકરાના લગ્ન માથે પણ એક વર્ષથી નવું ગેસ કનેક્શન અધ્ધરતાલ
અડાજણ ઓફિસ ખાતે રસીદ લઈને ઊભેલા મહિલા ગ્રાહક ભારતીબેન રાજેન્દ્ર વ્યાસે પોતાની આપવીતી જણાવતા ગેસ કંપનીના અધિકારીઓની પોલ ખોલી નાખી હતી. ભારતીબેને આક્રોશ સાથે જણાવ્યું કે, "મેં વર્ષ 2025માં નવા ગેસ કનેક્શન માટે તમામ ફી ભરીને એપ્લિકેશન આપી હતી. આજે વર્ષ 2026 ચાલી રહ્યું છે છતાં હજુ સુધી મારા ઘરે કનેક્શન અપાયું નથી. આગામી 10 તારીખથી મારા ઘરે બહારગામથી મહેમાનો આવવાના છે અને 13થી 15 તારીખ દરમિયાન મારા દીકરાના મેરેજ છે. ઘરમાં પ્રસંગ હોવા છતાં મારી પાસે ગેસ નથી. મેં 11 મહિનામાં 10થી વધુ વાર લેખિત ફરિયાદો કરી છે પણ દર વખતે પાઇપ નથી, મીટર નથી કે કારીગર નથી એવા બહાના ધરીને મને હાંકી કાઢવામાં આવે છે. જો ગેસ નહીં મળે તો હું આટલા બધા મહેમાનોની રસોઈ કેવી રીતે બનાવીશ?" છ-છ મહિનાથી બિલ ન આવતા ગરીબ અને મધ્યમ વર્ગ ચિંતામાં મૂકાયો
બીજી તરફ, ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો પણ કંપનીના પાપે મોટી મુશ્કેલીમાં મુકાયા છે. રાંદેર-અડાજન વિસ્તારના રહીશ નાસિર ખાન રજ્જાક ખાન પઠાણે જણાવ્યું હતું કે, તેમના ઘરે છેલ્લા છ મહિનાથી ગુજરાત ગેસનું એક પણ બિલ આવ્યું નથી. નાસિર ખાને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "નિયમ મુજબ દર બે મહિનામાં ગેસનું બિલ આવી જવું જોઈએ, જેથી મધ્યમ વર્ગનો માણસ સરળતાથી 500-1000 રૂપિયા ભરી શકે. હવે જો કંપની છ મહિના સુધી બિલ જ ન મોકલે અને અચાનક હજારો રૂપિયાનું મોટું બિલ ફાડીને હાથમાં આપી દે, તો અમારા જેવા ગરીબ અને રોજબરોજ કમાતા માણસો આટલી મોટી રકમ એકસાથે ક્યાંથી લાવશે? અમારી માંગ છે કે દર બે મહિનાનું બિલ નિયમિત મોકલવામાં આવે." સિનિયર સિટીઝનો લાઈનમાં ઊભા રહેવા મજબૂર
આ જ લાઈનમાં કલાકોથી ઊભેલા અન્ય એક વયોવૃદ્ધ ગ્રાહક દિનેશભાઈ શાંતારામ માફરેનો પારો પણ કંપનીની કામગીરી જોઈને ચડી ગયો હતો. તેમણે કંપનીના મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "અમે છેલ્લા 3-3 કલાકથી અહીં લાઈનમાં ધક્કા ખાઈ રહ્યા છીએ. અમારો વાંક માત્ર એટલો જ છે કે અમે પ્રમાણિકતાથી બિલ ભરવા માંગીએ છીએ પણ કંપની બિલ આપતી જ નથી. જ્યારે અમે અંદર જઈને પૂછપરછ કરીએ છીએ ત્યારે અધિકારીઓ એવો ઉદ્ધત જવાબ આપે છે કે 'અમારી પાસે રીડિંગ લેવા માટે માણસો નથી!' જો કંપની પાસે માણસો ન હોય તો તેનો ભોગ ગ્રાહકોએ કેમ બનવો પડે? અમારે પોતાના ધંધા-રોજગાર છોડીને અહીં બિલ કઢાવવા માટે ભીખ માંગવી પડે છે." કંપનીના વાર-તહેવારના બહાના નડ્યા
અડાજન ગુજરાત ગેસ ઓફિસ બહાર લાગેલી લાંબી કતારોમાં મોટી ઉંમરના વડીલો અને મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી હતી. સ્થાનિકોનો આરોપ છે કે જ્યારે પણ નવું કનેક્શન વહેલું આપવાની વિનંતી કરવામાં આવે ત્યારે ઓફિસ સ્ટાફ ક્યારેક તહેવારોનું બહાનું કાઢે છે તો ક્યારેક મટીરિયલની અછત હોવાનું કહીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. આસપાસના વિસ્તારોમાં મુખ્ય ગેસ લાઈન હોવા છતાં સોસાયટીઓ કે વ્યક્તિગત ઘરો સુધી કનેક્શન લંબાવવામાં કંપની ભારે આળસ દાખવી રહી છે, જેના કારણે લોકોએ નાછૂટકે મોંઘા એલપીજી સિલિન્ડર પર નિર્ભર રહેવું પડે છે અથવા પ્રસંગોપાત ભારે હાલાકી ભોગવવી પડે છે. જો સમસ્યા વહેલી તકે ઉકેલાશે નહીં તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરાશે
આજે કલાકો સુધી ચાલેલા આ હોબાળા બાદ ગ્રાહકોએ એકસૂરે ગેસ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સુધી આ ફરિયાદ પહોંચાડવા માટે મીડિયા સમક્ષ માંગ કરી છે. ગ્રાહકોનું કહેવું છે કે, જો આગામી દિવસોમાં નિયમિત રીડિંગ શરૂ કરીને દર બે મહિને બિલ આપવાની વ્યવસ્થા નહીં કરાય અને ભારતીબેન જેવા ગ્રાહકો, જેમના ઘરમાં લગ્નપ્રસંગ છે, તેમને તાત્કાલિક કનેક્શન પૂરું પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગ્રાહક સુરક્ષા ફોરમ અને ગાંધીનગર કક્ષાએ ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
Read Original Article →