3 વર્ષ જૂના ચરસ કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો:દરિયામાંથી મળેલા 6.50 કરોડના ચરસ કેસમાં 13 કિલો ચરસ સાથે પકડાયેલા જીતેન્દ્ર પટેલને 10 વર્ષની સખત કેદ

Gujarat5/25/2026, 4:01:19 PM
3 વર્ષ જૂના ચરસ કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો:દરિયામાંથી મળેલા 6.50 કરોડના ચરસ કેસમાં 13 કિલો ચરસ સાથે પકડાયેલા જીતેન્દ્ર પટેલને 10 વર્ષની સખત કેદ
સુરતમાં 3 વર્ષ અગાઉ દરિયા કિનારેથી મળી આવેલા કરોડો રૂપિયાના ડ્રગ્સના કેસમાં અત્રેની 13મા એડિશનલ સેશન્સ જજ દેવેન્દ્ર જોષીની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ ચરસના ગુનાહિત કેસમાં આરોપીને તકસીરવાર ઠેરવીને 10 વર્ષની જેલની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે એપીપી પારડીવાલાએ દલીલો રજૂ કરી આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે ભાર મૂક્યો હતો, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. ડ્રગ્સના સેવનથી પરિવારો બરબાદ થાય છે ચુકાદો સંભળાવતી વખતે કોર્ટે સમાજમાં વધી રહેલા નશાના દૂષણ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં ખાસ નોંધ્યું હતું કે, ગેરકાયદે ડ્રગ્સના ઉપયોગના પરિણામો અત્યંત વ્યાપક અને ભયાનક છે. નશાના કારણે વપરાશકર્તાને કાયમી શારીરિક અને ભાવનાત્મક નુકસાન થાય છે, જે તેના આખા પરિવાર પર નકારાત્મક અસર છોડે છે. ડ્રગ્સનું આ દૂષણ અવારનવાર ગંભીર માંદગી અને અસાધ્ય રોગો તરફ દોરી જતું હોવાથી આવા ગુનેગારો પ્રત્યે નરમાઈ દાખવી શકાય નહીં. બાઇક પર 13 કિલો ચરસ લઈ જતા આરોપીને પોલીસે વોચ ગોઠવી દબોચ્યો કેસની વિગત મુજબ, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દામકા ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતો આરોપી જીતેન્દ્ર પટેલ ચરસના મોટા જથ્થા સાથે બાઇક પર પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન આરોપી બાઇકની આગળ એક શંકાસ્પદ બેગ મૂકીને નીકળતા જ પોલીસે તેને આંતરી લીધો હતો. બેગની તલાશી લેતા તેમાંથી 50 લાખની પ્રતિકિલોની કિંમતના એવા કુલ 13 પેકેટ મળી આવ્યા હતા. પોલીસે આ 6.50 કરોડની કિંમતનું 13 કિલો ચરસ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →