ઇટાલિયાનું ઓડિયો-વીડિયો WAR, પોલીસ ને હર્ષ સંઘવી પર આક્ષેપ:પોલીસે વોરંટ ઇસ્યૂ કરતા ગૃહમંત્રીને ઘેર્યા, રાત્રે ઓડિયો ક્લિપ વાઇરલ થઈ, કહ્યું-બનાવનારાને પણ બુદ્ધિ નથી
ગત 7 એપ્રિલના રોજ સુરતના મોટા વરાછા ખાતે આવેલા ગોપાલ ઇટાલિયાના ઘર પર પોલીસ મહેસાણામાં 2020માં પરવાની વિના રેલી કાઢવા મામલે સમન્સ આપવા માટે ગઈ હતી ત્યાર બાદ આપના ધારાસભ્ય ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ઇટાલિયાએ કહ્યું હતું કે, સુરત પોલીસે મારા ઘરે પહોંચી મારા માતા સાથે ગાળાગાળી કરી હતી. આ વિવાદ બાદ એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં સામેની વ્યક્તિને કહે છે કે, પોલીસ ઘરે સમન્સ આપવા આવે તો આવવા દે, આપણે કહેવાનું થાય કે મારી મા ને હેરાન કરે છે આ લોકો.આ કથિત ઓડિયો ક્લિપ મામલે ઇટાલિયાએ કહ્યું કે, આ ઓડિયોને AI દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. બનાવનારાને બુદ્ધી નથી. આ પણ વાંચો: 'હર્ષ સંઘવી તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી નથી પડતા, હું વિસાવદરમાં જ છું જ્યારે ધરપકડ કરવી હોય છૂટ છે' વાઇરલ ઓડિયોમાં શું વાતચીત છે? જીતુ: હા ગોપાલભાઈ...
ગોપાલ: હા જીતુ... બોલો.
જીતુ: હા ગોપાલભાઈ ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, ઈ આવવાના હતા વોરંટ બજાવવા આજકાલમાં...
ગોપાલ: હશે... ભલેને આવે.
જીતુ: એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને...
ગોપાલ: શેનો નિયમ?
જીતુ: એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા ઘરે જાય અને પછી સાબિતી હાટુ પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે અને પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ન્યાં ગયા હતા એમ એને પકડવા એમ.
ગોપાલ: હા તો પાડવા દો ફોટા... એ તો સારું ે આપણે? આપણે કહેવાનું કે ભાજપવાળા અમારી પાછળ પડ્યા છે બીજું શું...
જીતુ: પણ તમે ઘરે નહીં હો ને?
ગોપાલ: હા પણ માજી તો મળશે ને? આપણે કહેવાનું થાય કે મારી મા ને હેરાન કરે છે આ લોકો.
જીતુ: એમ નહીં...
ગોપાલ: એ તો મૂક ને ભાઈ હું સમજી ગયો, એમાં કંઈ ફાટી નથી પડવાનું હોય... એ પોલીસવાળાને આવવા દો... એ તો હું જોઈ લઈશ પછી. ‘મારા પરિવાર સાથે ગેરવર્તનનો ભાંડો ફોડ્યો તો AI ઓડિયો વાઇરલ થયો’
આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચોરી અને એના ઉપર સીનાજોરી. હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર. તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાઇરલ થઈ ગયો! ‘અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં?’
અરે વાહ! તમને બધી ખબર પડી જાય છે. અમે તો આખા વર્ષમાં તમારા ઉપર 100 પ્રકારના મુદ્દા ઉપર આંગળી ઊંચી કરી છે. અમે તમારા વિરુદ્ધમાં કીધું કે ડ્રગ્સના કારોબારની અંદર તમારી આખી પાર્ટી સંડોવાયેલી છે, કેમ અમારો ઓડિયો ના આવ્યો? અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં? અમે તો કીધું કે દારૂના હપ્તા તમારા ભાજપ વાળા કમાય છે, કેમ ઓડિયો ના આવ્યો? તમારા ઉપર જ્યારે જ્યારે અમે સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિષ કરી છે, તો સાંજે છેક એક બનાવટી ઓડિયો વાઇરલ કરવામાં આવ્યો. ‘અમે તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી’
કંઈ વાંધો નહીં, કરો વાઇરલ. જનતા બધું જ જાણે છે કે સાચું શું છે અને ખોટું શું છે. સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતાં પણ વધુ FIR કરીને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું છે. પણ કંઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી.
અમે તો લડનારા હિંમતવાન માણસો છીએ. ગઈકાલે જે કૃત્ય કર્યું, એ કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું, અત્યંત જઘન્ય પ્રકારનું કહી શકાય. અને ચોરી ઉપરથી સીનાજોરી કે એક તો મારા પરિવારને હેરાન કરવા, ધાકધમકી કરાવવા માટે તમે પોલીસ મોકલો છો અને ઉપરથી પાછો ઓડિયો બનાવવાનો! અને એ ઓડિયો પણ 8 પાસને છાજે એવો છે. 'અરે ભાઈ 8 પાસ! આવું જ્ઞાન મને કોણે આપવાની જરૂર છે?'
કોઈ નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતા માણસ જેવો ઓડિયો બનાવે એવો ઓડિયો છે. જેમાં કહેવાતો જે કોઈ ભાઈ છે સામેવાળો, એ પાછો મને કાયદાનું જ્ઞાન આપે છે કે હમણાં નવો નિયમ આવ્યો છે એમાં પછી આ ફોટો અપલોડ કરવા પડે. અરે ભાઈ 8 પાસ! આવું જ્ઞાન મને કોણે આપવાની જરૂર છે? હું તો ઓલરેડી પોલીસમાં રહી ચૂક્યો છું. હું પોતે વકીલ છું, મને બધી જ ખબર હોય કયો નિયમ છે અને કયો નિયમ નથી. એમાં મને કાંઈ કોઈએ ફોન કરીને કહેવાની જરૂર નથી હોતી કે હવે આવો નિયમ આવ્યો છે. પાછો કહેનારો વ્યક્તિ એમ પણ કહે છે કે બા ઘરે એકલા છે. ઓહોહો... આટલી બધી ફેબ્રિકેટેડ વાત! ‘એ ખુલાસા ટાઈપની અંદર ચર્ચા જોડવામાં આવી છે’
બા ઘરે એકલા છે કે નહીં એનાથી પોલીસને ક્યાં આમાં કંઈ લેવા-દેવા છે? અને જાણે તો મને ફોન કરીને પોલીસે આગોતરી જાણ કરી હોય કે તમારી ઘરે આવું થશે, આમ કરશે, તેમ કરશે. એટલે આખો આ બનાવટી ઓડિયો અને દુઃખની બાબત તો એ છે કે આવો ઓડિયો જે બનાવવામાં આવ્યો છે, એ ઓડિયો બનાવનારા લોકોને પણ બુદ્ધિ નથી કે આની અંદર જે કંઈ વાતચીત એણે સામેલ કરી છે અને મેં જે મેં મુદ્દા ઉઠાવ્યા, મેં એમ કીધું કે હર્ષ સંઘવી આટલી-આટલી પ્રકારે દાદાગીરી કરી છે. જાણે કે એનો ભાજપ ખુલાસો કરતું હોય, એ ખુલાસા ટાઈપની અંદર ચર્ચા જોડવામાં આવી છે. ‘હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવી-દોડાવીને મારે છે’
એટલે આ આખી બનાવટી વાત જે છે ચૂંટણી ટાણે આવી છે. અમે તો કહીએ છીએ કે હર્ષ સંઘવીના આવ્યા પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધ્યો છે. બનાવો એનો પણ એક ઓડિયો ગોપાલ અને કોઈ ભાજપના નેતા વચ્ચેનો અને કરો વાતચીત કે ભાજપના નેતા પૈસા કેટલા લે છે અને ગોપાલભાઈને એ જાણ કરે છે એવો. અમે તો એમ પણ કહીએ છીએ કે તમારા આવ્યા પછી, હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવી-દોડાવીને મારે છે. પાટણમાં માર માર્યો, અમદાવાદમાં માર માર્યો, રાજકોટમાં, અમદાવાદમાં વટવા સાઈડ પોલીસની ગાડીઓ પર તલવારો મારી હતી. પોલીસને ગુંડાઓ મારી લેવામાં સહેજ પણ શરમાતા નથી સંઘવીના આવ્યા પછી. તો એનો એક ઓડિયો બનાવો ગોપાલ અને કોઈ એસપી-આઈપીએસ વચ્ચેનો કે અમને બહુ મારે છે ગોપાલભાઈ, આ સંઘવી આવ્યા પછી બહુ માર મારે છે અમને. તમારી ઉપર 100 સવાલ ઉઠાવ્યા છે ત્યારે તમને ઓડિયો બનાવવાનું ના સૂઝ્યું અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ ગાળો દેવડાવી, મારા પરિવાર ઉપર ધાકધમકી કરવાની કોશિશ કરી ત્યાં તો ઓડિયો બનાવ્યો અને કેટલાક હર્ષ સંઘવીની ટોળકીના સભ્યો દ્વારા સનસનીખેજ ભરેલા સમાચારની જેમ પ્રસારિત કરવામાં આવ્યો. ભાઈ કોઈ સનસનીખેજ નથી, સનસની તો 2027માં સનસનીખેજ ભરેલા સમાચાર આવવાના છે. ઇટાલિયાની ધરપકડથી ગુજરાતના નાગરિકોની ન્યાય મળી જશે?: ઇસુદાન ગઢવી
આ અંગે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવાનો ષડયંત્ર રચાયું છે. શું ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડથી ગુજરાતના નાગરિકોની ન્યાય મળી જશે? શું તમને ખ્યાલ છે ગોપાલભાઈની કેટલી લોકપ્રિયતા છે? ગોપાલ ઇટાલિયાને તમે જેટલા પરેશાન કરશો એટલા જ ગુજરાતના લોકો રસ્તા પર ઉતરી આવશે. ભાજપના જે કાર્યકર્તાઓ ગોપાલભાઈના ફેન છે એ પણ આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. શું છે સમન્સને લઈ થયેલો વિવાદ?
મહેસાણામાં કોરોના દરમિયાન પરવાનગી વિના રેલી કાઢવાના ગુનામાં મહેસાણાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે મંગળવારના રોજ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા વિરોધ બિનજામીન પાત્ર ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું હતું. વારંવારની મુદતમાં હાજર ન રહેનાર ઇટાલિયા સામે ગત મુદતમાં કોર્ટે વોરંટ કાઢ્યા બાદ મંગળવારના રોજ તેને રી ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જ્યુડિશિયલ કોર્ટની ટકોર છતાં વારંવાર મુદતમાં ગેરહાજર રહેલા ગોપાલ ઇટાલિયા સામે અગાઉની મુદતમાં કોર્ટે બિનજામીન પાત્ર ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું હતું તેમ છતાં પણ કોર્ટમાં હાજર ન રહેલા ઈટાલિયા સામે મંગળવારના રોજ જ્યુડિશિયલ કોર્ટના જજ દ્વારા તે વોરંટને ફરીથી રી ઇસ્યુ કરીને 15 એપ્રિલ ને બુધવારે આજની મુદતમાં હાજર થવાનું ફરમાન કર્યું છે.
Read Original Article →