તમારા બાળકોને સાચવીને રાખજો, કૂતરાઓ હિંસક બન્યાં:ઘોડદોડ રોડના ગાર્ડનમાં બાળકી પર હુમલો, કડોદરામાં બાળકને 3 શ્વાને આખા શરીરે બચાકા ભર્યા; 4 દિ’માં 4 ઘટના

Gujarat5/23/2026, 6:26:32 AM
તમારા બાળકોને સાચવીને રાખજો, કૂતરાઓ હિંસક બન્યાં:ઘોડદોડ રોડના ગાર્ડનમાં બાળકી પર હુમલો, કડોદરામાં બાળકને 3 શ્વાને આખા શરીરે બચાકા ભર્યા; 4 દિ’માં 4 ઘટના
સુરત શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે હદ વટાવી ચૂક્યો છે, જેના કારણે માસૂમ ભૂલકાઓ અને વડીલો તદ્દન અસુરક્ષિત બન્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા પ્રખ્યાત ઘંટીવાલા ગાર્ડનમાં 22 મેના સાંજના સમયે ડોગ બાઈટની ઘટના સામે આવી છે. અહીં પોતાના પરિવાર સાથે રમવા આવેલી 8 વર્ષની માસૂમ બાળકી અનન્યા રાજુ હેરોડે પર રખડતા શ્વાને જોરદાર બચકું ભરી લેતા ગાર્ડનમાં હાજર લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો બીજી ઘટનામાં કડોદરાના તાતીથૈયા વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતાં 6 વર્ષના રોનિત સિંહ પર 22 મેની જ સાંજે 6 વાગ્યે ત્રણ શ્વાને હુમલો કરી આખા શરૂરના બાગે બચકા ભરી ગંભીર ઈજા પહોંચાડી છે. હાલમાં બાળક હોસ્પિટલમાં દાખલ છે. ઘટના- 1ઃ આઈસ્ક્રીમની થેલી જોતા જ શ્વાન હિંસક બન્યો સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, અનન્યા તેના ભાઈ-બહેન અને માતા સંગીતાબેન સાથે ગાર્ડનમાં રમવા માટે ગઈ હતી. બાળકો રમી રહ્યા હતા ત્યારે તેની માતા નજીકમાં આઈસ્ક્રીમ લેવા માટે ગયા હતા. આઈસ્ક્રીમ ખરીદ્યા બાદ 8 વર્ષની અનન્યા હાથમાં આઈસ્ક્રીમની થેલી લઈને જેવી ગાર્ડનની અંદર જઈ રહી હતી, ત્યારે ત્યાં હાજર રખડતા કૂતરાની નજર તે થેલી પર પડી હતી. ખાવાની વસ્તુ સમજીને કૂતરો એકદમ હિંસક બની ગયો હતો અને અનન્યા પર તૂટી પડ્યો હતો. ગાર્ડનમાં હાજર અન્ય લોકો કંઈ સમજે તે પહેલાં જ શ્વાને બાળકીને ગંભીર ઈજાઓ પહોંચાડી દીધી હતી. આ પણ વાંચો...લિંબાયતમાં રમતા બાળકો પર 4 હિંસક કૂતરાનો હુમલો, CCTV, પીપોદરામાં પણ માસુમના ગાલેથી લોચો કાઢી નાખ્યું મને કંઈ ન સમજાયું, સીધી રિક્ષા પકડી સિવિલ આવી ગઈઃ માતા આ ઘટના અંગે બાળકીની માતા સંગીતાબેન હેરોડેએ જણાવ્યું હતું કે, અમે ગાર્ડનમાં ગયા ત્યારે ત્યાં ચાર-પાંચ કૂતરાઓ ફરી રહ્યા હતા. હું બાળકો માટે આઈસ્ક્રીમ લેવા ગઈ અને મારી છોકરી થેલી લઈને અંદર ગઈ એટલામાં જ કૂતરાએ તેને પકડી લીધી અને કરડી ખાધી. દીકરીની ચીસો સાંભળીને હું દોડી ગઈ હતી. એ સમયે મને એટલો મોટો આઘાત લાગ્યો કે, ગાર્ડનના સંચાલકોને ફરિયાદ કરવાનું પણ સૂઝ્યું નહીં. મેં સમય ગુમાવ્યા વગર સીધી રિક્ષા ભાડે કરી અને લોહીલુહાણ દીકરીને લઈને સિવિલ હોસ્પિટલ દોડી આવી. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ગાર્ડન જેવા જાહેર સ્થળો પર રખડતા કૂતરાઓનો જમાવડો હોવા છતાં તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે, તેવા સવાલો ઉઠી રહ્યા છે. ગાર્ડનમાં અન્ય પણ બે-ત્રણ કૂતરાઓ હાજર હતા, જે સદનસીબે અન્ય બાળકો પર તૂટી પડ્યા નહોતા. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે, મહાનગરપાલિકાનું તંત્ર વહેલી તકે આવા હિંસક શ્વાનોને પકડવાની કામગીરી કરે, જેથી અન્ય કોઈ માસૂમનો જીવ જોખમમાં ન મુકાય. ઘટના- 2: કડોદરામાં ઘર પાસે રમતા 6 વર્ષના રોનિત પર 3 શ્વાનનો ઘાતકી હુમલો કડોદરાના તાતીથૈયા વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં 22 મેની સાંજે માસૂમ બાળક રોનિત સિંહ પોતાના પરિવાર સાથે સોસાયટી નજીક નહેર તરફ ફરવા ગયો હતો. આ દરમિયાન બાળક આગળ દોડી રહ્યો હતો, ત્યારે અચાનક 3 જેટલા હિંસક કૂતરાઓ તેના પર તૂટી પડ્યા હતા. કૂતરાઓએ રોનિતને જમીન પર પાડી દઈને પગથી લઈને ગરદન, માથું અને કાન સહિત આખા શરીરે મલ્ટિપલ બાઇટ ભર્યા હતા. લોહીલુહાણ થયેલા માસૂમને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અગાઉ એક હુમલામાં બાળકના પેટની નસો બહાર આવી ગઈ હતીઃ પિતા બાળકના પિતા કરનકુમાર સિંહે પ્રશાસનની પોલ ખોલતા આક્રોશ સાથે જણાવ્યું કે, સોસાયટીમાં આ ત્રીજો ગંભીર કિસ્સો છે અને અગાઉ એક નાના બાળકના પેટ પર કૂતરાએ એવો હુમલો કર્યો હતો કે તેની નસો બહાર દેખાવા લાગી હતી. અહીં ચાર-પાંચ અને સાત-આઠ કૂતરાઓ ઝુંડમાં ફરે છે અને બાળકોને જોતા જ હિંસક બની જાય છે. આ ઘટના સમયે પણ જો નજીકમાંથી પસાર થતી 14-15 વર્ષની બે હિંમતવાન છોકરીઓએ દોડી આવીને કૂતરાઓ પર પથ્થરમારો ન કર્યો હોત, તો રોનિતનો જીવ બચવો મુશ્કેલ હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, સાકી રેલવે ફાટક અને નીલકંઠ પાસે કચરાના ઢગલાને લીધે રખડતા કૂતરાઓનો જમાવડો રહે છે. આટલી ગંભીર ઘટનાઓ છતાં સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન હજુ પણ મૌન સાધીને બેઠું છે અને કૂતરા પકડવા કોઈ જ ટીમ આવતી નથી.
Read Original Article →