‘સુડા સાંસ્કૃતિક રેસીડેન્સી’ના રહીશોનો ગેસ કનેક્શન મુદ્દે રોષ:3 મહિનાનું કામ 6 મહિને પણ અધૂરું, કોન્ટ્રાક્ટરે કામ અધવચ્ચે છોડ્યું;પરિવારોએ ફોર્મ ભર્યાં છતાં ગેસ કનેક્શન નહીં
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સરકારી આવાસ પ્રોજેક્ટ 'સુડા સાંસ્કૃતિક રેસીડેન્સી'માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. આ આવાસના હજારો રહીશો છેલ્લા ઘણા સમયથી રાંધણ ગેસના કનેક્શન માટે રાહ જોઈ રહ્યા છે. ગુજરાત ગેસ લાઇનનું કામ અધૂરું છોડી દેવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી
રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ગેસ કનેક્શન માટે ઘણા સમય પહેલા ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા. જે-તે સમયે ગેસ કંપનીએ કોન્ટ્રાક્ટરને 3 મહિનામાં કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા આપી હતી. જોકે, ડિસેમ્બર મહિનાથી શરૂ થયેલું કામ આજે જૂન મહિનો આવવા છતાં પૂર્ણ થયું નથી. શરૂઆતમાં કામ ઝડપથી ચાલતું હતું, પરંતુ છેલ્લા દોઢ મહિનાથી મજૂરોની અછતનું બહાનું ધરીને કોન્ટ્રાક્ટરે કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. ચોમાસું નજીક આવતા રહીશોની ચિંતામાં વધારો
ચોમાસાની ઋતુ હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે સોસાયટીમાં કરવામાં આવેલું અધૂરું ખોદકામ રહીશો માટે ચિંતાનો વિષય બન્યું છે. જો વરસાદ પહેલા ગેસ લાઇનનું કામ પૂર્ણ કરી રસ્તાઓ સરખા કરવામાં નહીં આવે, તો ગારો અને કાદવને કારણે રહીશોનું અવરજવર કરવું મુશ્કેલ બની જશે. વરસાદી પાણી ભરાવાને કારણે અકસ્માત થવાની ભીતિ પણ રહીશોએ વ્યક્ત કરી છે. ફોર્મ ભર્યા છતાં ગેસ સિલિન્ડરના ભરોસે
આવાસના રહીશ ધવલ ગાલોરિયાએ જણાવ્યું હતું કે, "અમારા આવાસમાં કુલ 2560 ફ્લેટ છે, જેમાંથી 1900 જેટલા પરિવારોએ ગેસ કનેક્શન માટેના ફોર્મ ભરી સંપૂર્ણ રકમ જમા કરાવી દીધી છે. આમ છતાં, કોન્ટ્રાક્ટરની ગેરરીતિને કારણે કામ આગળ વધતું નથી. હાલમાં મોંઘાદાટ ગેસ સિલિન્ડરના ભરોસે રહેવું પડે છે, જે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે." ગુજરાત ગેસના મેનેજરની રહીશોને બાહેધરી
સમસ્યાનો ઉકેલ લાવવા માટે મોટી સંખ્યામાં રહીશો ગુજરાત ગેસની ઓફિસે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોના રોષને જોતા ગેસ કંપનીના મેનેજરે ખાતરી આપી છે કે આગામી 10 દિવસમાં કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવશે. જો હાલનો કોન્ટ્રાક્ટર કામમાં વિલંબ કરશે, તો તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર બદલીને પણ ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી લેખિત ખાતરી આપવામાં આવી છે. મોંઘા ગેસથી રહીશો પરેશાન
ગેસ લાઇન ન હોવાને કારણે રહીશોને ખાનગીમાં મોંઘા ગેસના બાટલા લેવા પડે છે. રહીશોનું કહેવું છે કે 4 થી 5 હજાર રૂપિયાના ખર્ચે બાટલા લેવા સામાન્ય માણસ માટે અશક્ય છે. બે ટંકના જમવા માટે ગેસની પાયાની જરૂરિયાત પણ સરકારી આવાસમાં પૂરી ન થતી હોવાથી લોકોમાં સરકાર પ્રત્યે પણ નારાજગી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ગેસ કંપનીએ આપેલી 10 દિવસની મુદતમાં કામ પૂર્ણ થાય છે કે કેમ.
Read Original Article →