પિતાએ દીકરાને પેટમાં ચપ્પુ હુલાવ્યું:સુરતમાં પુત્રને નોકરી બાબતે ઠપકો આપતા પિતાએ પિત્તો ગુમાવ્યો, 5 દિવસની સારવાર બાદ પુત્રનું મોત

Gujarat5/15/2026, 10:08:31 AM
પિતાએ દીકરાને પેટમાં ચપ્પુ હુલાવ્યું:સુરતમાં પુત્રને નોકરી બાબતે ઠપકો આપતા પિતાએ પિત્તો ગુમાવ્યો, 5 દિવસની સારવાર બાદ પુત્રનું મોત
સુરતના ઉમરા વિસ્તારમાં નજીવી બાબતે પિતાએ જ પોતાના સગા પુત્રને પેટમાં ચપ્પુ મારીને પતાવી દીધો છે. સુરતના ભટાર રોડ પર આવેલી ઉમરાનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ નાયકાએ પોતાના પુત્ર ચિરાગ પર 10મેના જીવલેણ હુમલો કર્યો હતો. 5 દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે જંગ લડ્યા બાદ આખરે ચિરાગે દમ તોડી દીધો છે. એક પિતા દ્વારા જ પુત્રની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને નાયકા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. પિતાએ દીકરાને નોકરી બાબતે ઠપકો આપ્યો ને ઝઘડો બનાવની વિગતો મુજબ, સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવનગરમાં મહેશ નાયકા પોતાના પરિવાર સાથે રહે છે અને સ્થાનિક મીલમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર ચિરાગ નાયકા ઘરની નજીક જ આવેલા એક ગાડી સર્વિસિંગ સેન્ટરમાં છૂટક કામ કરતો હતો. પિતાને એવી ઈચ્છા હતી કે પુત્ર ક્યાંક સારી અને સ્થિર નોકરી કરે, જ્યારે ચિરાગ પોતાની મરજી મુજબ કામ કરતો હતો. આ બાબતને લઈને પિતા-પુત્ર વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. પાંચ દિવસ પહેલા ફરી એકવાર નોકરી અને કામધંધા બાબતે પિતાએ ચિરાગને ઠપકો આપ્યો હતો, જે જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગયો હતો. પિતાએ પુત્રને ચપ્પુના ઘા ઝીંક્યા, લોહીલુહાણ કરી નાખ્યો ઝઘડો એટલો હદ સુધી વણસી ગયો હતો કે આવેશમાં આવી ગયેલા પિતા મહેશ નાયકાએ પિત્તો ગુમાવ્યો હતો. તેને ઘરમાં પડેલું શાકભાજી સુધારવાનું તીક્ષ્ણ ચપ્પુ ઉઠાવ્યું હતું અને પોતાના જ જુવાનજોધ પુત્ર ચિરાગ પર હુમલો કરી દીધો હતો. ચિરાગ કઈ સમજે તે પહેલા જ પિતાએ તેના પર જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. હુમલાને પગલે ચિરાગ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઘરના અન્ય સભ્યો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીથી લથબથ ચિરાગને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં 5 દિવસની સારવાર બાદ 'ચિરાગ' બુઝાયો હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ચિરાગની હાલત અત્યંત નાજુક હતી. તબીબોએ તાત્કાલિક સારવાર કરીને તેને બચાવવાના તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. બીજી તરફ પોલીસને જાણ થતા જ ઉમરા પોલીસે ગુનો નોંધી પિતાની અટકાયત કરી હતી. ચિરાગ છેલ્લા પાંચ દિવસથી સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ હતો. પરિવારજનોને આશા હતી કે તેમનો પુત્ર સાજો થઈ જશે, પરંતુ વિધિના લેખ કંઈક અલગ જ હતા. પાંચમા દિવસે સારવાર દરમિયાન ચિરાગનું કરુણ મોત નીપજ્યું હતું. પુત્રના મોતના સમાચાર મળતા જ માતા અને પરિવારના અન્ય સભ્યોની કલ્પાંતથી હોસ્પિટલની ગલીઓ ગુંજી ઉઠી હતી. હત્યાના પ્રયાસનો ગુનો હવે હત્યામાં ફેરવાયો ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, જ્યારે આ હુમલાની ઘટના બની હતી ત્યારે પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપી પિતા મહેશ નાયકાની ધરપકડ કરી લીધી હતી. શરૂઆતમાં પુત્ર જીવતો હોવાથી પિતા વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ 'હત્યાના પ્રયાસ'નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, હવે ચિરાગનું મોત નીપજ્યું હોવાથી પોલીસે આ કેસમાં હત્યાની કલમ (કલમ 302/નવી સંહિતા મુજબ) નો ઉમેરો કર્યો છે. પોલીસ હવે પુરાવા એકત્રિત કરી કાયદેસરની કડક કાર્યવાહી કરી રહી છે. આ પણ વાંચો ગાડી પાર્કિંગ મામલે પુત્રની નજર સામે પિતાની હત્યા સુરત ડીંડોલી અને પાંડેસરા વિસ્તારની સરહદ પર આવેલા ભેસ્તાન આવાસ બ્રિજ નીચે આજે 12મેએ બપોરે હત્યાની ઘટના બની હતી. વાહન પાર્કિંગ બાબતે પ્લાસ્ટિકના ભંગારનો વેપાર કરતા 57 વર્ષીય ઝાકીર પઠાણ પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરી નાખી છે. મૃતક ઝાકીરભાઈ ભાટેના રજા નગરના રહેવાસી હતા અને વર્ષોથી પસ્તી અને વેસ્ટ પ્લાસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કરી માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે કળિયુગની પરાકાષ્ઠા સમાન એક ઘટના બની હતી. જેમાં કામ-ધંધા બાબતે પિતાએ પુત્રને ઠપકો આપતા, ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →