5 દિવસ પહેલા થયેલી હત્યા મામલે ઘટસ્ફોટ:એક તરફી પ્રેમમાં યુવકે સાથે કામ કરતા યુવતીના પિતાને કાતરના ઘા મારી હત્યા કરી હતી

Gujarat5/12/2026, 2:23:20 PM
5 દિવસ પહેલા થયેલી હત્યા મામલે ઘટસ્ફોટ:એક તરફી પ્રેમમાં યુવકે સાથે કામ કરતા યુવતીના પિતાને કાતરના ઘા મારી હત્યા કરી હતી
સુરતના પુણા વિસ્તારમાં એકતરફી પ્રેમમાં યુવકે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. સાથે જ કામ કરતા મિત્રની દીકરી પર દાનત બગાડનાર યુવકને યુવતીના પિતાએ ઠપકો આપતા ઉશ્કેરાઈ જઈ કાતરના ઘા ઝીંકી તેમની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યાનો સ્વાંગ રચી છાતીમાં કાતર મારી દીધી હતી. જોકે, હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે તેની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મિત્રની પત્નીને ફોન કરી પુત્રી માટે દબાણ કરતો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદનો વતની મોહમ્મદ ચાંદ ઈદ્રીશ શેખ (ઉમર 38) પુણાગામની ઓમ શાંતિ ભવન સોસાયટીમાં સિલાઈ મશીનના ખાતામાં કામ કરતો હતો. તેની સાથે એમના વતનનો મુશર્રફ ઉર્ફે મુસા સલામ શેખ પણ કામ કરતો હતો. મુશર્રફ છેલ્લા કેટલાંક સમયથી ચાંદ શેખની પત્નીને ફોન કરીને તેની 21 વર્ષીય દીકરી સાથે વાત કરાવવા માટે દબાણ કરતો હતો. આ વાતની જાણ જ્યારે ચાંદ શેખને થઈ ત્યારે બંને વચ્ચે વિવાદ વકર્યો હતો. કાતરથી છાતી અને પીઠના ભાગે 4 ઘા ઝીંકી દીધા 8 મે,2026ના રોજ સવારે 9:30 વાગ્યાના અરસામાં ચાંદ શેખે મુશર્રફને પોતાની પત્નીને ફોન ન કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતથી ઉશ્કેરાઈ મુશર્રફે સિલાઈ કામમાં વપરાતી તીક્ષ્ણ કાતર ઉઠાવી ચાંદ શેખ પર હુમલો કરી દીધો હતો. આરોપીએ ચાંદ શેખની છાતી, પીઠ અને કરોડરજ્જુના ભાગે એક પછી એક 4 ઘા ઝીંકી દેતા ચાંદ શેખ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ આત્મહત્યાનો 'સ્ટન્ટ' કર્યો હત્યા કર્યા બાદ પકડાઈ જવાની બીકે મુશર્રફે તે જ કાતર પોતાની છાતીમાં મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા પુણા પોલીસના પીઆઈ વી.એમ. દેસાઈ કાફલા સાથે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચાર દિવસ સુધી તબીબી નિરીક્ષણ હેઠળ રહ્યા બાદ ગઈકાલે રજા મળતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્ર કર્યા પુણા પોલીસે આરોપી મુશર્રફની ધરપકડ કર્યા બાદ તેને ઓમ શાંતિ ભવન સોસાયટીમાં આવેલા ઘટનાસ્થળે લઈ ગઈ હતી. ત્યાં પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું કે આરોપીએ કઈ રીતે હુમલો કર્યો અને હત્યા બાદ ક્યાં સંતાવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →