ડુમસ સી-ફેસ જનારાઓ માટે સૌથી મોટી ખુશખબર:ફેન્સી લાઈટિંગ, ગ્રીન કોરિડોર અને 6 નવા રોડ કુલ 7.13 કરોડના ખર્ચે તૈયાર થશે
સુરતીઓનું સૌથી મનપસંદ વીકેન્ડ ડેસ્ટિનેશન એટલે ડુમસ ચોપાટી અને સી-ફેસ. જોકે, શનિ-રવિની સાંજે પરિવાર સાથે ડુમસ જવા નીકળતા લોકો માટે એરપોર્ટ રોડથી જ ભારે ટ્રાફિક જામ માથાનો દુખાવો બની જતો હતો. દર વીકેન્ડે અહીં 2થી 3 કલાક લાંબો ટ્રાફિક જામ સામાન્ય થઈ ગયો હતો. સુરતીઓની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ડુમસ સી-ફેસ જનારાઓ માટે સૌથી મોટી ખુશખબર છે કે, સુરત મહાનગર પાલિકાએ કામગીરી શરૂ કરી દીધી છે અને રસ્તો પહોળો કરવા બુલ્ડોઝર સાથે કામગીરી વેગવંતી બનાવી છે. SMCનો મેગા માસ્ટર પ્લાન તૈયાર છે, જેમાં ફેન્સી લાઈટિંગ, ગ્રીન કોરિડોર અને 6 નવા રોડ સહિત કુલ 7.13 કરોડના ખર્ચે આખો વિસ્તાર નવો આકાર લેશે. વીકેન્ડમાં જે જામમાં 2 કલાક બગડતા હતા તે માત્ર 30 મિનિટમાં હળવો થઈ જશે અને એક રોડનું તો 80% કામ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. એરપોર્ટ ગેટથી ONGC વાલ્વ સ્ટેશન સુધીનો ભવ્ય રોડ
આ માસ્ટર પ્લાન અંતર્ગત જે પ્રથમ મહત્વનો સેક્શન છે તે એરપોર્ટ ગેટથી ONGC વાલ્વ સ્ટેશન સુધીનો છે. આ મુખ્ય સેક્શન પર રસ્તાને 60 મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે. આશરે 2200 મીટર લાંબો આ આખો આઈકોનિક રોડ એક આકર્ષક ઝિગઝેગ આકારમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ડુમસ તરફ જતા પ્રવાસીઓ માટે એક નવો અદ્ભુત અનુભવ લાવશે અને ટ્રાફિકનું ભારણ ઘટાડશે. વાલ્વ સ્ટેશનથી ભીમપોર બે ફાંટા સુધીનું 80% કામ પૂર્ણ
પ્રોજેક્ટની ઝડપી પ્રગતિ અંગે વાત કરીએ તો, વાલ્વ સ્ટેશનથી ભીમપોર બે ફાંટા સુધીનો રોડ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ (RBB) દ્વારા તૈયાર કરાઈ રહ્યો છે. આ આશરે 1800 રનિંગ મીટર લાંબા અને 60 મીટર પહોળા રોડનું કામ 80% જેટલું પૂરું કરી દેવાયું છે. સુરત મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, આ રસ્તો ખૂબ જ ટૂંક સમયમાં લોકાર્પણ કરીને આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે જેથી ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે. આંતરરાષ્ટ્રીય સ્તરનું ટાઉન પ્લાનિંગ અને આયોજન
અત્યારના સાંકડા અને સિંગલ રસ્તાઓની જગ્યાએ હવે પેરિસ અને દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના શહેરોની તર્જ પર 60 મીટર (આશરે 200 ફૂટ) ભવ્ય રોડ બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી અલગ-અલગ મોડલ પર એટલે કે કોઈ રોડ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે, કોઈ રોડ RBB દ્વારા તો કોઈક રોડની કામગીરી સુરત મનપા દ્વારા શરૂ કરાઈ છે, જેથી કામ ઝડપથી પૂરું થાય. ભીમપોર લંગર સેક્શનમાં વાઈડનિંગની કામગીરી
ભીમપોર લંગર સુધીના સેક્શનમાં પહેલા આ ટીપી રોડ માત્ર 12 મીટરનો જ હતો, જેના કારણે બોટલનેક સર્જાતો અને ભારે જામ થતો હતો. હાલમાં આ જગ્યાએ 20 મીટરનો કબજો મેળવીને રોડ વાઈડનિંગનું (પહોળો કરવાનું) કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના ભવિષ્યના આયોજનને ધ્યાનમાં રાખીને આગળ જતાં આ રોડને પૂરેપૂરો 60 મીટર પહોળો કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. લંગરથી સી-ફેસ અને વોર્ડ ઓફિસથી દરિયા ગણેશ મંદિર સુધીના કનેક્ટિંગ રોડને 18 મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારનો કેટલોક હિસ્સો વન વિભાગ હેઠળ આવતો હોવાથી, ફોરેસ્ટ વિભાગ પાસેથી જમીનનો કબજો મેળવવાની કાયદાકીય કામગીરી હાલ પ્રગતિમાં છે, જે પૂર્ણ થતાં જ ત્યાં પણ રસ્તાનું કામ બુલ્ડોઝર સાથે ઝડપથી આગળ ધપાવવામાં આવશે. ફુવાડાથી વિક્ટોરિયા પામ અને અગાસી માતા મંદિર લિંક રોડ
ટ્રાફિકના વૈકલ્પિક આયોજનના ભાગરૂપે ફુવાડાથી વિક્ટોરિયા પામ સુધી 24 મીટર પહોળો નવો રોડ બની રહ્યો છે, જ્યાં માટીપુરાણની કામગીરી પૂરી થઈ ચૂકી છે. આ સાથે જ અગાસી માતા મંદિરથી ઈન્દ્રરાજ ફાર્મ સુધી એક નવો લિંક રોડ બનાવવામાં આવશે. આ રસ્તાઓ મુખ્યત્વે ડુમસ સી-ફેસથી પરત સુરત શહેર તરફ આવવા માટે 'વન-વે' તરીકે વપરાશે, જેથી સ્થાનિક ગ્રામજનો અને પર્યટકો બંનેની મુશ્કેલીઓનો અંત આવશે. થીમ આધારિત ફેન્સી લાઈટિંગ અને ગ્રીન કોરિડોર
આ પ્રોજેક્ટ માત્ર સિમેન્ટ-કોંક્રિટના રસ્તા પૂરતો મર્યાદિત નથી પણ તેને સુરતની નવી આઈકોનિક ઓળખ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. રસ્તાની બંને બાજુએ આકર્ષક લેન્ડસ્કેપિંગ, સાયકલ ટ્રેક અને પદયાત્રીઓ માટે આલીશાન ફૂટપાથ બનશે. રાત્રિના સમયે રોડ ઝળહળી ઊઠે તે માટે ખાસ થીમ-બેઝ્ડ ફેન્સી લાઈટિંગ અને હજારો નવા ઘટાદાર વૃક્ષો વાવીને 'ગ્રીન કોરિડોર' તૈયાર કરાશે, જે સુરતનું આકર્ષણ વધારશે. અંદાજિત રૂપિયા 7.13 કરોડના ખર્ચનું વિગતવાર માળખું
આ તમામ 6 આઈકોનિક રોડ કુલ રૂપિયા 7.13 કરોડના અંદાજિત ખર્ચે બની રહ્યા છે. જેમાં ભીમપોર બે ફાંટાથી લંગર સુધીના રોડ માટે 1.67 કરોડ, ફુવાડાથી વિક્ટોરિયા પામ રોડ માટે 1.54 કરોડ, અગાસી માતા મંદિરથી ઈન્દ્રરાજ ફાર્મ રોડ માટે 1.44 કરોડ, લંગરથી વોર્ડ ઓફિસ રોડ માટે 30.40 લાખ, વોર્ડ ઓફિસથી દરિયા ગણેશ મંદિર સુધીના રોડ માટે 93.10 લાખ અને ડુમસ ચોપાટીથી ચર્ચ સુધીના રોડ માટે 1.25 કરોડનો ખર્ચ કરાશે. ચોમાસા પહેલા તમામ અંડરગ્રાઉન્ડ કામગીરી પુરી કરી વરસાદ બાદ તરત જ ફાઇનલ ડામર રોડનું કામ પૂરું કરાશે.
Read Original Article →