ડુમસ સી-ફેસ પર હવે ફ્રીમાં એન્ટ્રી બંધ થશે:સહેલાણીઓના પ્રવેશ માટે 10થી લઈ 30ની ટિકિટ રાખવા મ્યુનિસિપલ કમિશનરની વિચારણા
દરિયા કિનારે ઠંડી હવાની લહેરખીઓ વચ્ચે વહેલી સવારે વોકિંગ કે સાંજે પરિવાર સાથે સમય વિતાવવા માટે સુરતીઓના ફેવરિટ સ્પોટ બનેલા નવનિર્મિત ‘ડુમસ સી-ફેસ’ને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ આઇકોનિક પ્રોજેક્ટનો મફતમાં આનંદ માણવાના દિવસો હવે ગણતરીના જ બાકી રહ્યા છે. આગામી દિવસોમાં અહીં આવતા તમામ સહેલાણીઓ માટે એન્ટ્રી ફી ફરજિયાત બનાવવાની તૈયારીઓ પાલિકા પ્રશાસન દ્વારા તેજ કરી દેવામાં આવી છે. ખાનગી એજન્સીઓ સી-ફેસની સુવિધાઓનું સંચાલન કરશે
સુરત મહાનગરપાલિકાના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડુમસ સી-ફેસ પ્રોજેક્ટની વિશ્વસ્તરીય જાળવણી, સુરક્ષા વ્યવસ્થા અને ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને તેને પીપીપી ધોરણે ચલાવવાનું આયોજન છે. આ હેતુસર પાલિકા દ્વારા ખાનગી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી ડિઝાઇન, ઓપરેશનલ પ્લાન અને પ્રોજેક્ટના એસ્ટીમેટ મંગાવવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ ખાનગી એજન્સીઓ સી-ફેસની સફાઈથી લઈને તમામ આધુનિક સુવિધાઓનું સંચાલન સંભાળશે. ₹10થી લઈ 30 સુધીની ફી રાખવા વિચારણા
મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મામલે સ્પષ્ટ સંકેતો આપતા જણાવવામાં આવ્યું છે કે, પીપીપી ધોરણે પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થાય તે પહેલાં જ ખૂબ જ ટૂંકા સમયમાં સુરત મહાનગરપાલિકા પોતાના સ્તરે જ એન્ટ્રી ફી લેવાનું શરૂ કરી દેશે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા જે ટિકિટ દર નક્કી કરવા માટે મંથન ચાલી રહ્યું છે, તે મુજબ મુલાકાતીઓ માટે ઓછામાં ઓછી રૂ.10 અને વધુમાં વધુ રૂ. 30 સુધીની એન્ટ્રી ફી રાખવાનું વિચારવામાં આવી રહ્યું છે. જો ઓછામાં ઓછા દસ રૂપિયા ટિકિટના દર નક્કી કરવામાં આવે અને દરરોજના 1200 લોકો લેખે ગણવામાં આવે તો દરરોજ પાલિકાને 12,000 ની આવક થાય અને મહિને 3.60 લાખ રૂપિયાની મહાનગરપાલિકાને આવક થઈ શકે છે અને જો 30 રૂપિયા ટિકિટનો દર રાખવામાં આવે તો દરરોજ મહાનગરપાલિકાને 36,000ની આવક થઈ શકે અને મહિને 10,80,000 ની આવક થઈ શકે છે. આમ હવે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા એન્ટ્રી ફી નક્કી કરવામાં આવશે અને તેમાંથી ડુમ્મસ સી ફેસ ખાતે વધારાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી શકાશે. શનિ-રવિમાં 15,000થી વધુ લોકોની ભીડ
સુરતના પ્રવાસન નકશા પર નવું નજરાણું બનેલા ડુમસ સી-ફેસ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં રોજ સરેરાશ 1,200 જેટલા પર્યટકો આ સ્થળની મુલાકાત લે છે. જ્યારે શનિ અને રવિવારમાં આ જ આંકડો અચાનક ઉછળીને 10,000 થી 15,000 લોકો સુધી પહોંચી જાય છે. વીકેન્ડ દરમિયાન થતી આ ભારે ભીડને નિયંત્રિત કરવા અને ત્યાંની સુંદરતા જાળવી રાખવા માટે પાલિકા ટિકિટિંગ સિસ્ટમ અનિવાર્ય ગણાવી રહી છે.
Read Original Article →