ટિકિટ ઠુકરાવી પણ વોર્ડ ન બદલાયો:AAPમાંથી રાજીનામું આપ્યા બાદ ડો. પ્રીતિ સદાદિયાનો કોંગ્રેસમાં પ્રવેશ, આજે વોર્ડ-12માંથી જ ઉમેદવારી નોંધાવતા અનેક સવાલો
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના જંગમાં અત્યારે રાજકીય સિદ્ધાંતો અને વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ વચ્ચેની લડાઈ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વિવાદના કેન્દ્રમાં છે ડો. પ્રીતિ સદાદિયા, જેમણે 'આમ આદમી પાર્ટી' (AAP) એ આપેલી ટિકિટને કર્મભૂમિના નામે ઠુકરાવી દીધી હતી, પરંતુ હવે તે જ વોર્ડમાંથી 'કોંગ્રેસ'ના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. શું હતો સમગ્ર વિવાદ?
ડો. પ્રીતિ સદાદિયા છેલ્લા 7 વર્ષથી સુરતના વોર્ડ નંબર 7માં સક્રિય હતા. ગત 2021ની ચૂંટણી પણ તેમણે આ જ વોર્ડમાંથી લડી હતી. જોકે, આ વખતે 'આપ' દ્વારા તેમને વોર્ડ નંબર 12 ની ટિકિટ આપવામાં આવતા તેમણે બળવો કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની મહેનત વોર્ડ નં. 7 માં છે અને અન્ય વોર્ડમાં જવું તેમને મંજૂર નથી. આ મુદ્દે સ્વમાન ઘવાયાનું જણાવી તેમણે 'આપ' માંથી રાજીનામું આપી 10 એપ્રિલે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. 'આપ' નો જે વોર્ડ અસ્વીકાર્ય હતો ત્યાં જ ‘કોંગ્રેસ’માંથી ઉમેદવારી
રાજકીય પલટી ત્યારે જોવા મળી જ્યારે કોંગ્રેસે પોતાના મેન્ડેડ જાહેર કર્યા. આશ્ચર્યજનક રીતે કોંગ્રેસે પણ ડો. પ્રીતિને વોર્ડ નંબર 12માંથી જ ઉમેદવાર બનાવ્યા છે. જે વોર્ડમાં લડવા સામે ડો. પ્રીતિને 'આપ' માં વાંધો હતો, તે જ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમણે હોંશે હોંશે ફોર્મ ભરતા રાજકીય ગલીયારીઓમાં અનેક ચર્ચાઓ જાગી છે. ગુપ્ત રીતે મેન્ડેડની વહેંચણી
ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસે આંતરિક વિખવાદ ટાળવા માટે કોઈ સત્તાવાર યાદી જાહેર કરી નહોતી. તેના બદલે ઉમેદવારોને સીધા ફોન કરીને અથવા રૂબરૂ બોલાવીને મેન્ડેડ સોંપી દેવામાં આવ્યા હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસને યોગ્ય ઉમેદવારો ન મળતા હોવાથી જે પણ મજબૂત ચહેરો મળ્યો તેને ટિકિટ આપી પક્ષનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો છે. ડો. પ્રીતિ સદાદિયાનું નિવેદન
પોતાના નિર્ણયનો બચાવ કરતા ડો. પ્રીતિએ જણાવ્યું કે: "મેં વોર્ડ નં. 7 માં વર્ષો સુધી મહેનત કરી હતી, છતાં 'આપ' દ્વારા તેની અવગણના થતા મારું સ્વાભિમાન ઘવાયું હતું. હું રાહુલ ગાંધીના દરેક સમાજને સાથે લઈને ચાલવાના વિચારોથી પ્રભાવિત થઈને કોંગ્રેસમાં જોડાઈ છું. પક્ષે મને વોર્ડ નં. 12ની જવાબદારી સોંપી છે અને મને વિશ્વાસ છે કે જનતા મારા લોકસેવાના કાર્યો જોઈને મને ચોક્કસ વિજયી બનાવશે." વોર્ડ નં. 12નો જંગ બન્યો રસપ્રદ
હવે આ બેઠક પર લડાઈ ખૂબ જ રસાકસીભરી બની છે. ડો. પ્રીતિ સદાદિયા (કોંગ્રેસ) ની સામે આમ આદમી પાર્ટીએ મિત્તલ બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે. ડો. પ્રીતિ માટે સૌથી મોટો પડકાર એ સાબિત કરવાનો રહેશે કે જે વોર્ડમાં તેઓ અગાઉ લડવા તૈયાર નહોતા, હવે તે જ વિસ્તારના મતદારોનો વિશ્વાસ તેઓ કેવી રીતે જીતી શકશે.
Read Original Article →