ડીંડોલીમાં ઉમેદવારને લઈ આક્રોશ:વોર્ડ- 27 ડિંડોલીમાં ભાજપ સામે બળવો, 15 વર્ષની વફાદારી સામે ઉત્તર ગુજરાતના પાટીદારોમાં આક્રોશ
સુરત શહેરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 27 (ડિંડોલી) વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઈને ભારતીય જનતા પાર્ટી સામે સ્થાનિક સ્તરે મોટો બળવો જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ દાયકાથી પક્ષને વફાદાર રહેલા પાટીદાર અને ઉત્તર ગુજરાતના રહીશોએ આ વખતે આરપારની લડાઈ લડવાનો મૂડ બનાવ્યો છે. શ્રમિક વર્ગના મતદારો હંમેશા ભાજપની મજબૂત વોટબેંક
ડિંડોલી વિસ્તારની ભૌગોલિક અને સામાજિક રચના પર નજર કરીએ તો અહીં છેલ્લા 15 વર્ષથી પાટીદાર સમાજ અને ઉત્તર ગુજરાતના લોકો સ્થાયી થયા છે. આ મધ્યમવર્ગીય અને શ્રમિક વર્ગના મતદારો હંમેશા ભાજપની મજબૂત વોટબેંક રહ્યા છે. જોકે, સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જ્યારે સત્તા અને પ્રતિનિધિત્વની વાત આવે છે, ત્યારે પક્ષ દ્વારા આ વિસ્તારના મૂળ અને સક્રિય કાર્યકરોની અવગણના કરવામાં આવે છે. પાટીદાર યુવાનોએ પક્ષ પાસે ટિકિટની માંગણી કરી હતી
સ્થાનિક અગ્રણીઓએ મીટિંગ દરમિયાન જણાવ્યું હતું કે, અમે વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડ્યો છે પરંતુ, જ્યારે અમારા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવાની વાત આવી ત્યારે હાઈકમાન્ડે ફરી એકવાર બહારના અથવા માનીતા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે. આ વખતે ડિંડોલી વિસ્તારમાંથી અનેક શિક્ષિત અને ઉત્સાહી પાટીદાર યુવાનોએ પક્ષ પાસે ટિકિટની માંગણી કરી હતી. આ યુવાનોનું માનવું હતું કે તેઓ વિસ્તારની સમસ્યાઓથી વાકેફ છે અને નવી પેઢીના મતદારો સાથે સીધો સંપર્ક ધરાવે છે. જોકે, પક્ષના યાદી જાહેર થયા બાદ એક પણ સ્થાનિક પાટીદાર યુવાનનું નામ ન આવતા યુવા પાંખમાં સોપો પડી ગયો છે. પાટીદાર અને ઉ. ગુજરાત સમાજના અગ્રણીઓની વિશાળ બેઠક યોજાઈ હતી
સ્થાનિક રાજુભાઈએ જણાવ્યું હતું કે, અહીંયા જે કોર્પોરેટરો હતા, એ આ વિસ્તારના તો છે જ નહીં. અને છતાં ચૂંટાઈને પછી પાંચ વર્ષ સુધી અહીંયા કોઈ જોવા માટે આવતું નથી એટલે કોર્પોરેટરો અહીંયા સંતોષકારક સેવા બજાવી શકતા નથી એનો પણ ભારે ભારે રોષ છે. અમારા ઉત્તર ગુજરાતના પાટીદારોના બેથી ત્રણ યુવાનોએ દાવેદારી નોંધાવી હતી અને સખત મહેનત પણ કરી હતી છતાં કોઈપણ પ્રકારનું પરિણામ આવેલ નથી. ગઈકાલે રાત્રે ડિંડોલી વિસ્તારમાં પાટીદાર અને ઉત્તર ગુજરાત સમાજના અગ્રણીઓની એક વિશાળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સભામાં જે પ્રકારનો આક્રોશ જોવા મળ્યો તે જોતા એવું લાગે છે કે ભાજપ માટે આ ગઢ સાચવવો હવે મુશ્કેલ બનશે.
Read Original Article →