સ્માર્ટ સિટી સુરતના વહીવટી તંત્રની ઘોર લાપરવાહી:ડીંડોલીમાં પ્રજાના કરોડોના ખર્ચે બનેલો ભવ્ય ફ્લાવર ગાર્ડન દોઢ વર્ષથી બંધ, તંત્રની ઉદાસીનતા અને સુપરવાઈઝરોના પાપે ઉજ્જડ વેરાન
સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા જાહેર પ્રકલ્પોની જાળવણી કરવામાં કેવી ઘોર બેદરકારી દાખવી રહી છે, તેનો જીવતો-જાગતો પુરાવો ડીંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો ડીંડોલી ફ્લાવર ગાર્ડન છેલ્લા દોઢ વર્ષથી માત્ર અને માત્ર મેન્ટેનન્સના બહાને તાળાબંધીની હાલતમાં પડ્યો છે. ક્યારેક હજારો પરિવારો અને બાળકોની કિલકિલાટથી ધમધમતો આ બગીચો આજે વહીવટી તંત્રની ઉદાસીનતા અને સુપરવાઈઝરોના પાપે ઉજ્જડ વેરાન વગડામાં ફેરવાઈ ગયો છે. તંત્રની બેદરકારીને કારણે કરોડોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધૂળધાણી
જે ગાર્ડન એક સમયે રંગબેરંગી ફૂલો અને આકર્ષક કિંમતી છોડવાઓને કારણે સમગ્ર સુરતમાં આકર્ષણનું કેન્દ્ર હતો, ત્યાં આજે હરિયાળીનું નામોનિશાન રહ્યું નથી. ગાર્ડનમાં નિયમિત પાણી ન પાવાને કારણે અને માળીઓ તેમજ સુપરવાઈઝરોના અભાવે કિંમતી ફૂલ-છોડ અને વર્ષો જૂના મોટા ઝાડપાન સંપૂર્ણપણે સુકાઈને સ્કેલેટન જેવા થઈ ગયા છે. બગીચાની અંદર પગ મૂકતા જ એવું લાગે છે કે જાણે વર્ષોથી આ જગ્યા પર કોઈ કુદરતી આફત આવી હોય અને આખું ગાર્ડન ઉજ્જડ પડ્યું હોય તેવી સ્થિતિ અત્યારે દ્રશ્યમાન થઈ રહી છે. ગાર્ડનની આ સુંદરતા પાછળ પ્રજાના કરોડો રૂપિયા ખર્ચાયા હતા, જે આજે વહીવટી તંત્રની બેદરકારીને કારણે ધૂળમાં મળી ગયા છે. મધ્યમવર્ગીય પરિવારો પોતાના બાળકો સાથે પ્રકૃતિના સાન્નિધ્યમાં બે ઘડી વિતાવી શકે તે માટે બનેલો આ પ્રોજેક્ટ હવે માત્ર કાગળ પર જ હરિયાળો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વોનું આશ્રયસ્થાન બની રહ્યું હોવાની આશંકા
આ ગાર્ડનની મુલાકાતે આવતા વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને બેસવા માટે મુકવામાં આવેલા કિંમતી બાંકડાઓ તૂટી ગયા છે. ગાર્ડનને આકર્ષક બનાવવા માટે જે સુશોભનની સામગ્રી, આર્ટિફિશિયલ સ્ટ્રક્ચર, વૉકિંગ ટ્રેક અને અન્ય માળખાકીય સુવિધાઓ પાછળ લાખોનો ધુમાડો કરવામાં આવ્યો હતો, તે બધું જ યોગ્ય જાળવણીના અભાવે વેરવિખેર અને બિસ્માર થઈ ગયું છે. ચોર-ઉચક્કાઓ અને અસામાજિક તત્વો માટે પણ આ બંધ ગાર્ડન રાત્રિના સમયે આશ્રયસ્થાન બની રહ્યું હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે કરોડોની સરકારી સંપત્તિ સદંતર બરબાદીના આરે પહોંચી ગઈ છે. શૌચાલયો શોભાના ગાંઠિયા સમાન
સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે, ગાર્ડનના ઉદ્ઘાટન સમયથી જ અહીં બનાવવામાં આવેલા જાહેર શૌચાલયો ક્યારેય સરખા ચાલુ કરવામાં આવ્યા જ નહોતા. સ્વચ્છ ભારત મિશનની મોટી-મોટી વાતો કરતી સુરત મહાનગરપાલિકાના નાક નીચે આ શૌચાલયો શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. હાલની સ્થિતિએ શૌચાલયની અંદરની સીટો પણ સદંતર તૂટેલી અને બિનઉપયોગી હાલતમાં જોવા મળી રહી છે. જે પ્રાથમિક સુવિધા મુલાકાતીઓ, ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો માટે સૌથી અનિવાર્ય હોય, તેને જ તંત્રએ ગજગ્રાહમાં નાખી દીધી છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ ટોયલેટ બ્લોક્સ આજે કચરાપેટી અને ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયા છે. શું મેન્ટેનન્સના નામે માત્ર કાગળ પર જ ખર્ચ
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, કોઈપણ બગીચા કે સાર્વજનિક પ્લોટનું મેન્ટેનન્સ વધુમાં વધુ 1 થી 2 મહિનામાં પૂરું થઈ જવું જોઈએ. તેના બદલે 1 થી 1.5 વર્ષ જેટલો લાંબો સમય વીતી જવા છતાં ગાર્ડનના તાળાં ન ખુલવા તે તંત્રની કામચોરી અને ઈજારદારો (કોન્ટ્રાક્ટરો) ની મિલીભગત તરફ આંગળી ચીંધે છે. શું મેન્ટેનન્સના નામે માત્ર કાગળ પર જ ખર્ચ ઉતારીને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે? તેવો સવાલ પણ હવે નાગરિકો પૂછી રહ્યા છે. કારણ કે જો ખરેખર મેન્ટેનન્સ પાછળ ફંડ વપરાતું હોત, તો ઝાડ-પાન સુકાઈ ન ગયા હોત અને શૌચાલયો આટલી હદે તૂટેલી હાલતમાં ન હોત. ગાર્ડન વિભાગના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને માત્ર મંજૂરીઓ આપે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર વિઝિટ કરવાની તસ્દી લેતા નથી તે આના પરથી સાબિત થાય છે. બીજી કોઈ એજન્સીને પીપીપી ધોરણે આપવાનો
મહાનગરપાલિકાના ગાર્ડન અધિકારીએ જણાવ્યું હતું કે, આ ગાર્ડન પીપીપી ધોરણે સંચાલન કરવા માટે આપ્યો છે. પહેલા આ ગાર્ડન રાજહંસ પાસે હતો, પરંતુ તેની સમય મર્યાદા પૂર્ણ થતા હવે આ બીજી કોઈ એજન્સીને પીપીપી ધોરણે આપવાનો છે અને તેની પ્રક્રિયા જ ચાલુ છે અને એટલા માટે આ ગાર્ડન બંધ હાલતમાં છે.
Read Original Article →