રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણી સામે વલસાડના સાંસદનો વિરોધ:ધવલ પટેલે કહ્યું- TMC-DMK જેવા પક્ષોએ છેડો ફાડતા રાહુલ ગાંધીએ માનસિક સંતુલન ગુમાવ્યું
વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી અને તેમને 'ગદ્દાર' કહીને સંબોધવા બદલ ધવલ પટેલે સખત શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધીનું આ નિવેદન તેમની ક્ષતિગ્રસ્ત માનસિકતા દર્શાવે છે. ચૂંટણીઓમાં સતત મળી રહેલી કારમી હાર અને નિષ્ફળતાના કારણે રાહુલ ગાંધી પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે અને હતાશામાં આવા નિવેદનો આપી રહ્યા છે. TMC અને DMK એ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો
ધવલ પટેલે વધુમાં ઉમેર્યું કે, રાહુલ ગાંધીની આ ભયંકર હતાશા પાછળનું મુખ્ય કારણ 'ઇન્ડી ગઠબંધન'નું પતન છે. આ ગઠબંધનના બે મુખ્ય સહયોગી પક્ષો, મમતા બેનર્જીની TMC અને તમિલનાડુની DMK એ સત્તાવાર રીતે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. ડીએમકે પાર્ટીએ તો લોકસભા સ્પીકર ઓમ બિરલાને લેખિતમાં વિનંતી કરી છે કે તેઓ હવે કોંગ્રેસ સાથે લોકસભામાં બેસવા માંગતા નથી અને તેમની બેઠકો અલગ કરવામાં આવે. આ રીતે આખું ગઠબંધન વેરવિખેર થઈ જતાં કોંગ્રેસ નેતાગીરી પાયાવિહોણી બની ગઈ છે અને સંસદમાં પણ એકલી પડી ગઈ છે. પીએમ મોદીના વૈશ્વિક પ્રયાસો અને કોંગ્રેસનો નકારાત્મક ઇતિહાસ
વૈશ્વિક ઉર્જા સંકટ સમયે વડાપ્રધાન દેશના હિત માટે કાર્યરત, જ્યારે કોંગ્રેસ દેશવિરોધી તત્વો સાથે સક્રિય
જ્યારે સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગલ્ફ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે એનર્જી ક્રાઈસિસ (ઉર્જા સંકટ) ઊભું થયું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે પાંચ દેશોના મહત્વના વિદેશ પ્રવાસે છે. દુબઈ સહિતના દેશો સાથે ભારત માટે આગામી દિવસોનું ઇંધણ સુરક્ષિત કરવાના ભગીરથ પ્રયાસો પીએમ મોદી કરી રહ્યા છે, ત્યારે તેમને 'ગદ્દાર' કહેવા તે કોંગ્રેસની અત્યંત હીન માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસનો ઇતિહાસ હંમેશાંથી પીએમ મોદી અને ગુજરાત પ્રત્યે નફરતથી ભરેલો રહ્યો છે, જે 2007ના સોનિયા ગાંધીના 'મોતના સૌદાગર' વાળા નિવેદનથી લઈને મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓને 'અભણ અને મૂર્ખ' કહેવા સુધીના નિવેદનોમાં સ્પષ્ટ દેખાય છે. દેશવિરોધી માનસિકતા અને રાષ્ટ્રીય સુરક્ષા પર રાજનીતિ
બીજી તરફ, રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ દરમિયાન 'ટુકડે ટુકડે ગેંગ' અને જ્યોર્જ સોરોસ જેવા ભારત વિરોધી તત્વોના સંપર્કમાં રહે છે તેમજ ચીન સાથે દેશવિરોધી કરારો (MoU) કરીને દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ કરે છે. દેશની સેનાને ખુલ્લો દોર આપી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો, દેશમાંથી નક્સલવાદ અને માઓવાદનો સફાયો કરવો. શું આ બધી રાષ્ટ્રવાદી કામગીરીને રાહુલ ગાંધી ગદ્દારી કહેશે? આજે રાહુલ ગાંધી મુસ્લિમ લીગ અને ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારાના પ્રભાવ હેઠળ આવીને પાકિસ્તાન જેવા દેશોની ભાષા બોલી રહ્યા છે. ભારતની 140 કરોડ જનતા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે
સાંસદ ધવલ પટેલે આક્રોશ સાથે પત્રકાર પરિષદના અંતમાં ચેતવણી આપી હતી કે, તાજેતરની ચૂંટણીઓમાં દેશની જનતાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને યોગ્ય પાઠ ભણાવ્યો જ છે. રાહુલ ગાંધીની વાણી અને વર્તનમાં જે ફ્રસ્ટ્રેશન દેખાઈ રહ્યું છે, તેને દેશ ક્યારેય સ્વીકારશે નહીં. દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી અને ભારતના 140 કરોડ નાગરિકોનું આ રીતે વારંવાર અપમાન કરનારી કોંગ્રેસ પાર્ટીને આવનારા દિવસોમાં ભારત અને ગુજરાતની જનતા ફરી એકવાર મોંતોડ અને ઐતિહાસિક જવાબ આપશે.
Read Original Article →