MPના ચકચારી હત્યાકાંડનો મુખ્ય આરોપી પાંડેસરાથી ઝડપાયો:'રાહુલ ઉર્ફે શૂટર'ને ક્રાઈમ બ્રાંચે દબોચ્યો, મજૂરીકામની આડમાં છુપાયો હતો
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે હાથ ધરવામાં આવેલ 'ડે-કોમ્બિંગ' અભિયાન દરમિયાન એક મોટી સફળતા મળી છે. પોલીસને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના નાહર દરવાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાહુલ ઉર્ફે શૂટર સુરતમાં છુપાયો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંડેસરા વિસ્તારના વડોદગામ SMC આવાસ ગેટ નંબર-1 પાસે વોચ ગોઠવી હતી અને મૂળ દેવાસના બિહારીગંજનો રહેવાસી રાહુલ ઉર્ફે શૂટર રાજેન્દ્ર ચૌહાણ (ઉ.વ.27) ને દબોચી લીધો હતો. અદાવતમાં થઈ હતી જાહેરમાં ગોળીબારની ઘટના
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ આખી ઘટના બે ગેંગ વચ્ચેની જૂની અદાવતનું પરિણામ હતી. આરોપી રાહુલના મિત્રો રીતિક સિહોટે અને વરૂણ બાલીની શુભમ ઉર્ફે લડ્ડુ નાથ સાથે અગાઉ બોલાચાલી અને ઝઘડા થયા હતા. 17 મે,2026ના રોજ રાત્રિના સમયે જ્યારે રાહુલ તેના સાગરિતો સાથે નાહર દરવાજા પાસે હાજર હતો, ત્યારે મરણજનાર શુભમ ઉર્ફે લડ્ડુ અને તેના સાથીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે ઘાતક હથિયારો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં શુભમને ગોળી વાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. સાથીદારો પકડાયા છતાં રાહુલ ફરાર રહ્યો હતો
આ ચકચારી હત્યાકાંડ બાદ નાહર દરવાજા પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રીતિક સિહોટે, વરૂણ બાલી, બિપીન બાલી, મોનુ સિહોટે અને સિદ્ધાર્થ ઉર્ફે ગટ્ટુની ધરપકડ તે સમયે જ પોલીસ દ્વારા કરી લેવામાં આવી હતી. જોકે, મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે શૂટર પોલીસને ચકમો આપીને વતનથી ભાગી નીકળ્યો હતો અને સુરતમાં આવીને પાંડેસરા વિસ્તારમાં આશરો લીધો હતો. તે અહીં મજૂરીકામની આડમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચની સક્રિયતા અને ડોઝિયર તૈયાર
ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ આઈ.આર. જાડેજાએ જણાવ્યું હતું કે, પાંડેસરા વિસ્તારમાં પોલીસનું સઘન કોમ્બિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન 60 થી 70 શરીર સંબંધિત ગુનાઓ આચરેલા આરોપીઓને રાઉન્ડઅપ કરી તેમના ડોઝિયર તૈયાર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન જ પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરાયેલ રાહુલ ત્યાં હાજર છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો હતો અને તેને મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. આરોપીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો
પોલીસ દફતરે નોંધાયેલી વિગતો મુજબ, રાહુલ ઉર્ફે શૂટર માત્ર એક ગુનામાં જ નહીં, પરંતુ અગાઉ પણ અનેક વખત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે. તેના વિરુદ્ધ સીટી કોટવાલી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ વર્ષ 2019 અને 2022 માં બે અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, વર્ષ 2022માં જ આઈપીસીની કલમ 435 અને 436 હેઠળ આગજની અને તોડફોડનો ગુનો પણ તેની સામે નોંધાયેલો છે. આટલી લાંબી ગુનાહિત કુંડળી હોવા છતાં તે પોલીસની નજરથી બચવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો.
Read Original Article →