સ્થાનિક સ્વરાજ્યના પરાજય બાદ કોંગ્રેસ એક્શન મોડમાં:સરકારી તંત્રના દુરુપયોગ સામે કોંગ્રેસ લડશે, 2027માં જીત મેળવવા લડેંગે-જિતેંગે મિશન શરૂ

Gujarat5/20/2026, 2:05:02 PM
સ્થાનિક સ્વરાજ્યના પરાજય બાદ કોંગ્રેસ એક્શન મોડમાં:સરકારી તંત્રના દુરુપયોગ સામે કોંગ્રેસ લડશે, 2027માં જીત મેળવવા લડેંગે-જિતેંગે મિશન શરૂ
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અપેક્ષા કરતાં વિપરિત અને નકારાત્મક પરિણામો આવ્યા બાદ પ્રદેશ કોંગ્રેસ સંગઠન હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. હારથી નિરાશ થવાના બદલે કોંગ્રેસે આગામી 2027ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ રણશિંગું ફૂંકી દીધું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં પક્ષને ફરી બેઠો કરવા અને કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંકવા માટે સત્તાવાર રીતે ‘લડેંગે - જિતેંગે’ મિશન-2027 લોન્ચ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ જનતાના પ્રશ્નોને વાચા આપવા પ્રચંડ સંઘર્ષ કરશે આ મિશનના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં જેમાં નેતાઓએ એકસૂરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આગામી દિવસોમાં જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે રસ્તા પર ઉતરીને પ્રચંડ સંઘર્ષ કરશે અને ભાજપ સરકાર તેમજ તેના ઈશારે કામ કરતા વહીવટી તંત્ર સામે મજબુતાઈથી લડશે. કોંગ્રેસની ભવિષ્યની રણનીતિ ઘડવા મેરેથોન બેઠકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના મોવડી મંડળે હારના કારણો શોધવા અને ભવિષ્યની રણનીતિ ઘડવા માટે મેરેથોન બેઠકોનો દોર શરૂ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ લેજિસ્લેટિવ પાર્ટીના નેતા ડો. તુષાર ચૌધરી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય તેમજ દક્ષિણ ગુજરાતના ઓબ્ઝર્વર શ્રીનિવાસની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. કયા વિસ્તારોમાં પક્ષ નબળો પડ્યો સહિતની ચર્ચા આ સમીક્ષા બેઠકની મુખ્ય વિશેષતા એ હતી કે નેતાઓએ માત્ર કાગળ પર અહેવાલો મેળવવાના બદલે સમગ્ર ગુજરાતના તમામ ડીસીસી પ્રેસિડન્ટ્સ સાથે 'વન-ટુ-વન' બેઠકો યોજી હતી. આ બેઠકોમાં કયા વિસ્તારોમાં પક્ષ નબળો પડ્યો, ક્યાં આંતરિક અસંતોષ નડ્યો અને કઈ જગ્યાએ સંગઠનને તાત્કાલિક બેઠું કરવાની જરૂર છે, તેની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવારોને પ્રત્યક્ષ બોલાવીને સાંભળવામાં આવ્યા દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રીનિવાસે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને શહેરી સ્તરે વ્યાપક રિવ્યુ મિટિંગોનું આયોજન કર્યું હતું. આ મિટિંગોમાં માત્ર હોદ્દેદારો જ નહીં, પરંતુ ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોને પ્રત્યક્ષ બોલાવીને સાંભળવામાં આવ્યા હતા. ઉમેદવારોએ ચૂંટણી દરમિયાન ભોગવવી પડેલી મુશ્કેલીઓ, તંત્રનો પક્ષપાત અને સ્થાનિક સમીકરણો અંગે હાઈકમાન્ડ સમક્ષ ખુલીને રજૂઆતો કરી હતી. ભાજપ સરકારી અને પોલીસ તંત્રના જોરે લડીને જીતી તમામ જિલ્લાઓ, શહેરો અને ઉમેદવારો સાથેની લાંબી સમીક્ષા અને રિવ્યુ બેઠકો બાદ કોંગ્રેસ નેતાગીરી એક ચોંકાવનારા અને મક્કમ નિષ્કર્ષ પર પહોંચી છે. નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીએ પોતાના દમ પર નહીં, પરંતુ સરકારી પ્રશાસન અને પોલીસ તંત્રના જોરે લડી અને જીતી છે. કોંગ્રેસ ઉમેદવારોને ડરાવવા અને ધમકાવવામાં આવ્યા કોંગ્રેસે સરકારી તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, કોંગ્રેસના મોટાભાગના મજબૂત ઉમેદવારો પર પોલીસ કેસ કરવાની, વેપાર-ધંધા બંધ કરાવી દેવાની કે અન્ય રીતે હેરાન કરવાની ધમકીઓ આપવામાં આવી હતી. સત્તાધારી પક્ષ દ્વારા સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ઉમેદવારો પર પ્રચંડ પોલિટિકલ અને એડમિનિસ્ટ્રેટિવ પ્રેશર લાદવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન મુક્ત અને ન્યાયી વાતાવરણના બદલે ભય અને દબાણનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો, જેથી કોંગ્રેસના ઉમેદવારો મુક્તપણે પ્રચાર ન કરી શકે. પક્ષ વફાદાર કાર્યકરોની સાથે હંમેશા ઉભો રહેશે ડીસીસી પ્રમુખોએ આ કપરી પરિસ્થિતિમાં પણ બહાદુરીપૂર્વક અને તાકાત સાથે ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ, જે ઉમેદવારો તમામ અવરોધોને પાર કરીને વિજેતા બન્યા છે, તેમને ભવિષ્યની લોકસેવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પક્ષે સ્પષ્ટ કર્યું કે હાર-જીતથી પર થઈને પક્ષ પોતાના વફાદાર કાર્યકરોની સાથે હંમેશા ઉભો રહેશે. જમીની સ્તરે મજબૂત કામગીરી કરવાનો રોડમેપ રજૂ કર્યો મિશન-2027ને સફળ બનાવવા માટે માત્ર ભાષણો નહીં, પરંતુ જમીની સ્તરે મજબૂત કામગીરી કરવાનો રોડમેપ પણ કોંગ્રેસે રજૂ કર્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીની વહેલી તૈયારીના ભાગરૂપે પક્ષ દ્વારા ટૂંક સમયમાં ‘સંગઠન સૃજન અભિયાન’ શરૂ કરવામાં આવશે. મિશન-2027એ ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત સાબિત થશે મનહર પટેલે જણાવ્યું હતું કે, અમે જનતાની વચ્ચે જઈશું, ભાજપ સરકારની નિષ્ફળતાઓ, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર આક્રમક આંદોલનો કરીશું. પ્રશાસનની દાદાગીરી સામે અમે ડરવાના નથી, તેની સામે મજબૂતાઈથી લડીશું. અમારો ઉદ્દેશ્ય માત્ર ચૂંટણી જીતવાનો નથી, પરંતુ જનતાનો ગુમાવેલો વિશ્વાસ ફરીથી સંપાદન કરવાનો અને ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવાનો છે. મિશન-2027એ ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત સાબિત થશે.
Read Original Article →